મહારાષ્ટ્રના રાજ્યપાલ, સીએમ સહિત નાયબ મુખ્ય પ્રધાનોએ આપી શ્રદ્ધાંજલિ
મુંબઈઃ આશા ભોસલેના 92 વર્ષે નિધન પછી આજે તેમના પાર્થિવ શરીર તેમના ઘરે લાવવામાં આવ્યું છે. આજે સવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આવતીકાલે સવારના અગિયાર વાગ્યાથી બે વાગ્યા સુધી પાર્થિવદેહના દર્શન માટે રાખવામાં આવશે, ત્યાર બાદ બે વાગ્યા પછી અંતિમયાત્રા કાઢવામાં આવશે. શિવાજી પાર્કમાં ચાર વાગ્યે રાજકીય સન્માન સાથે અંતિમસંસ્કાર કરવામાં આવશે. દરમિયાન મીડિયા સહિત ફોટોગ્રાફરને સંયમપૂર્ણ કવરેજ કરવાની અપીલ કરવામાં આવી છે.
જોકે, આજે સાંજના પાર્થિવદેહને ઘરે લાવવામાં આવ્યા પછી ઘરે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, મનસે પ્રમુખ રાજ ઠાકરે સહિત અન્ય નેતા અને જેકી શ્રોફ હાજર રહીને શ્રદ્ધાંજલિ આપી હતી. એના અગાઉ રાજ્યપાલ, મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાનોએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપીને પોસ્ટ મૂકી હતી.
મંગેશકર પરિવારની ગાયિકા બહેનોમાં લતા મંગેશકર પછી સૌથી વધુ પ્રસિદ્ધિ મેળવનાર ગિનીસ બુકમાં સ્થાન મેળવનાર, પદ્મ વિભૂષણથી સન્માનિત અને કરોડો ચાહકોના દિલ પર સાત દાયકાથી વધુ સમયથી રાજ કરનાર, સૌના લાડલી 'તાઈ' આશા ભોસલેનો ચાહક વર્ગ સામાન્ય વ્યક્તિથી લઈને રાજકારણીઓનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્મા અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે તેમના નિધનથી ભારતીય સંગીતમાં એક યુગનો અંત આવ્યો છે. ભોસલેનું રવિવારે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં 92 વર્ષની વયે મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે અવસાન થયું.
તાજેતરમાં થયેલી વાતચીતને યાદ કરતાં ફડણવીસે કહ્યું, "અમે વિશ્વ રેડિયો દિવસના કાર્યક્રમમાં સાથે હતા જ્યાં તેમણે મને 'અભી ના જાઓ છોડકર' ગાવાનો આગ્રહ કર્યો અને સ્મિત સાથે કહ્યું, 'જુઓ, મેં મુખ્યપ્રધાન પાસે ગવડાવ્યું'. એ માનવું મુશ્કેલ છે કે હવે તેઓ આપણી વચ્ચે નથી."ફડણવીસે તેમની ગાયકીની વૈવિધ્યતાને યાદ કરતા ભોંસલેના અવાજને "સંગીતનો આત્મા" ગણાવ્યો હતો. ફડણવીસે કહ્યું કે બદલાતા સમય સાથે સરળતાથી અનુકૂલન સાધનાર તેઓ અનન્ય કલાકાર હતા, જેમની ખોટ પૂરી નહીં શકાય.

રાજ્યપાલ વર્માએ તેમના શોક સંદેશમાં જણાવ્યું હતું કે આશા ભોસલે ભારતે જોયેલા સૌથી કુશળ અને બહુમુખી પ્લેબેક ગાયકોમાંના એક હતા. તેમણે વધુમાં કહ્યું કે તેમનો મધુર અવાજ, વિવિધ શૈલીના સંગીત ગાવાની તેમની ક્ષમતા અને ભારતીય સંગીતમાં તેમના વિશાળ અને વૈવિધ્યસભર યોગદાને ભારત અને વિશ્વભરના સંગીત પ્રેમીઓની અનેક પેઢીઓ પર અમીટ છાપ છોડી છે. રાજ્યપાલે જણાવ્યું હતું કે તેમના પ્રખ્યાત ગીત "જો ભી હૈ બસ યહી એક પલ હૈ"ની પંક્તિ તેમના જીવનની ફિલોસોફી બની ગઈ હતી. રાજ્યપાલે નોંધ્યું કે આશા ભોંસલેએ સ્વર્ગસ્થ આરડી બર્મન સાથે લગ્ન કર્યા હોવાથી તેમના પરિવાર સાથે તેમનો ગાઢ સંબંધ હતો.
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે પેઢીઓને મંત્રમુગ્ધ કરનાર દિવ્ય અવાજ શાંત થઈ ગયો. આશા ભોંસલેને 'ગાનસામ્રાજ્ઞિ'ની ઉપમા આપતા તેમણે કહ્યું કે, અસંખ્ય હૃદયોને તેઓ જાદુઈ દુનિયામાં લઈ ગયા હતા.
નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે કહ્યું કે આશા ભોંસલેના અવસાનથી સંગીતના એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે, અને "સુરોની મહારાણી" ઇતિહાસમાં વિલય થયો છે. આશા ભોંસલેની કારકિર્દી કલા પ્રત્યેની સખત મહેનત, સાતત્ય અને સમર્પણનું પ્રતીક છે, એમ તેમણે જણાવ્યું.
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પણ આશા ભોસલેને શ્રદ્ધાંજલિ આપી હતી, તેમણે લખ્યું હતું કે તેમણે વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધાર્યું છે. તેમના નિધનના સમાચાર હૃદયવિદારક છે, એમ તેમણે એક્સ પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું. ત્રણ મહિના પહેલા અશાતાઇ સાથે થયેલી મુલાકાત પણ તેમણે યાદ કરી હતી.