દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેજીના નિધનથી સંગીત જગતના એક યુગનો અંત આવ્યો છે. સતત સાત દાયકા સુધી પોતાની ગાયકીથી દુનિયાને ડોલાવનાર આશાતાઈએ સફળતાના શિખરે પહોંચવાના સાક્ષીદાર તો અનેક લોકો છે, પરંતુ તેમણે ત્યાં સુધી પહોંચવા માટે જે સંઘર્ષ કર્યો હતો, તેની વાતો આજે પણ નવા કલાકારો માટે પ્રેરણારૂપ છે. એમાં ખાસ કરીને કિશોર કુમાર સાથેનો તેમનો એક કિસ્સો તેમના શરૂઆતના દિવસોની હાડમારી અને હિંમતની સાક્ષી પૂરે છે. ચાલો જાણીએ શું છે આ કિસ્સો...
આશા ભોંસલેએ ખુદ અમૃતા રાવ સાથેના એક પોડકાસ્ટમાં આ કિસ્સા વિશે વાત કરી હતી. આશાજીએ મુંબઈના 'ફેમસ મહાલક્ષ્મી સ્ટુડિયો'નો એક યાદગાર કિસ્સો શેર કર્યો હતો કે જ્યારે તેમને અને કિશોર કુમારને આકરા રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. આ સમયે તેઓ કઈ રીતે તેમણે રેલવે સ્ટેશન પર બેસી રહ્યા હતા અને વાસી બટેટાં વડા ખાઈને ભૂખને મિટાવી હતી એનો ખુલાસો ખુદ આશાજીએ કર્યો હતો.
આશાતાઈએ પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે 15 વર્ષની ઉંમરે હું અને કિશોર કુમારજી એક ગીતના રેકોર્ડિંગ માટે સ્ટુડિયો પહોંચ્યા હતા. રેકોર્ડિસ્ટ રોબિન ચેટર્જીએ તેમને ગાતા સાંભળીને ગુસ્સે થયા હતા. રોબિન ચેટર્જીએ કહ્યું કે આ કેવો અવાજ છે? આ નહીં ચાલે, ગીતા (દત્ત)ને બોલાવો અને આમને બહાર કાઢો...
સ્ટુડિયોમં થયેલાં અપમાન બાદ કિશોર કુમાર અને આશા ભોંસલે બંને જણ ચુપચાપ ત્યાંથી નીકળી ગયા અને મહાલક્ષ્મી રેલવે સ્ટેશન પર બેસી રહ્યા. આખો દિવસ કંઈ ખાધું નહોતું અને ખિસ્સામાં પૈસા પણ નહોતા. આખરે ભૂખ લાગતા કિશોર દાએ પાસે આવેલી દુકાનમાંથી વાસી બટાટા વડા અને ચા લીધા. એ દિવસે બંનેએ વાસી બટેટાં વડા અને ચાય ખાઈને પોતાની ભૂખ મીટાવી હતી.
જોકે, કુદરતનો ન્યાય તો જુઓ, બરાબર ચાર વર્ષ પછી કિશોર કુમાર એક જાણીતા એક્ટર અને આશાજી સ્ટાર સિંગર બની ગયા. ફરીથી તે જ સ્ટુડિયોમાં તે જ રેકોર્ડિસ્ટ સાથે કામ કરવાનો સમય આવ્યો. કિશોર દાએ તે રેકોર્ડિસ્ટ સાથે કામ કરવાની ના પાડી દીધી હતી, પરંતુ આશાજીએ તેમને સમજાવ્યા કે તેણે આપણી સાથે જે કર્યું એ આપણે તેની સાથે ન કરી શકીએ અને આશાજી અને કિશોરદાએ એ રેકોર્ડિસ્ટ સાથે કામ કર્યું.
આજે ભલે આશાતાઈ સદેહે આપણી વચ્ચે હાજર નથી, પરંતુ તેમના આવા અગણિત કિસ્સાઓ હંમેશા તેમના ફેન્સના દિલોમાં એકદમ લીલાછમ તાજા રહેશે...