Fri May 01 2026

Logo

આશા ભોંસલેજીના અંતિમ દર્શન સમયે રડી પડ્યો સચિન તેંડુલકર, સોશિયલ મીડિયા પર લખી ઈમોશનલ પોસ્ટ

2026-04-13 13:56:00
Author: Darshana Visaria
Article Image

દિગ્ગજ પાર્શ્વ ગાયિકા આશા ભોંસલેજીનું 12મી એપ્રિલના રોજ 92 વર્ષની વયે નિધન થતાં સંગીત જગત અને તેમના લાખો ચાહકો માટે ક્યારેય ન પૂરી શકાય એવી ખોટ પડી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી, રાજકારણ, સ્પોર્ટ્સ અને તમામ જાણીતી હસતીઓ આશાતાઈના નિધનથી શોકમાં છે અને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેમ આશાતાઈના નિધનથી ભાંગી પડેલો જોવા મળે છે. સચિન તેંડુલકર અને આશાતાઈ વચ્ચે એક ખાસ પારિવારિક સંબંધ હતો.

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર 13મી એપ્રિલના રોજ પત્ની અંજલિ સાથે મુંબઈ સ્થિત આશા ભોંસલેજીના નિવાસસ્થાને તેમના અંતિમ દર્શન કરવા પહોંચ્યો હતો. જ્યાં આશાતાઈના પરિવાર સાથે વાત કરતાં કરતાં સચિન એટલો ભાવુક થઈ ગયો હતો કે તેની આંખો છલકાઈ ગઈ હતી અને તે વારંવાર આંસુથી છલકાતી આંખો લૂછતો જોવા મળ્યો હતો.

સચિન તેંડુલકરે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આશાતાઈના નિધન પર તેમને શ્રદ્ધાંજલિ આપતી એક હૃદયસ્પર્શી પોસ્ટ પણ શેર કરી હતી. આ પોસ્ટમાં સચિને લખ્યું હતું કે, આશા તાઈ અમારા પરિવારનો ભાગ હતા. આજે અમારા દુઃખને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે. એવું લાગે છે કે જાણે સમય થંભી ગયો હોય.

અત્રે ઉલ્લેખનીય છે કે સચિન તેંડુલકરના પરિવાર અને અને આશા ભોંસલે વચ્ચે પરસ્પર સન્માન અને પારિવારિક સંબંધ હતો. સચિનનું નામ તેમના પિતાએ દિગ્ગજ સંગીતકાર સચિન દેવ બર્મન (આશાજીના સસરા)ના નામ પરથી રાખ્યું હતું. આશાતાઈ છેલ્લી વખત પાંચમી માર્ચ, 2026ના રોજ સચિનના પુત્ર અર્જુન તેંડુલકરના લગ્નમાં જોવા મળ્યા હતા. 92 વર્ષની ઉંમરે પણ તેઓ નવપરિણીત યુગલને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા.

આશાજીનો પાર્થિવ દેહ તેમના મુંબઈ સ્થિત નિવાસસ્થાને રાખવામાં આવ્યો છે, જ્યાં બોલીવૂડ અને ખેલ જગતની અનેક હસ્તીઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી રહી છે.