બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને ગઈકાલે આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જિત બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહી છે. આ પોસ્ટમાં તેમણે ટીમ ઈન્ડિયાને જિતની શુભકામનાઓ આપવા સાથે પોતાની એક ખાસ ટોટકા વિશે પણ વાત કરી છે કે જેને કારણે ટીમ ઈન્ડિયા જિતી ગઈ હોવાનો ખુલાસો કર્યો છે. ચાલો જોઈએ એવું તે શું ખાસ છે બિગ બીની પોસ્ટમાં...
આઠમી માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ત્રીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. આ ઐતિહાસિક જિત બાદ બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને એક્સ (Twitter) પર એક પોસ્ટ મૂકી જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
T 5679 - कहा था नहीं देखूँगा तो जीत जाएँगे ! हो गया ! pic.twitter.com/JHgQyc2v2S
— Amitabh Bachchan (@SrBachchan) March 8, 2026
બિગ બીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે T 5679 - કહ્યું હતું ને કે હું મેચ નહીં જોઉં તો જીતી જઈશું! થઈ ગયું! તેમની આ પોસ્ટ સૂચવે છે કે તેઓ એક ખાસ અંધશ્રદ્ધામાં માને છે કે જો તેઓ લાઈવ મેચ જુએ છે, તો ભારત હારી જાય છે. બસ આ જ કારણ છે કે ટીમ ઈન્ડિયાની જિત સુનિશ્ચિત કરવા માટે તેમણે ફાઈનલ મેચ જોવાનું ટાળ્યું હતું.
અમિતાભ બચ્ચચની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહી છે. યુઝર્સ આ પોસ્ટ પર જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ તેમને મજાકમાં 'પનૌતી' કહી રહ્યા છે અને વિનંતી કરી રહ્યા છે કે ભારતની દરેક મહત્વની મેચ વખતે તેઓ ટીવી બંધ જ રાખે. બીજા એક યુઝરે લખ્યું, સર, તમે આવતા 10 વર્ષ સુધી ટીવી બંધ રાખજો જેથી ભારત બધી ટ્રોફી જીતી જાય. જ્યારે કેટલાક કેટલાક ફેન્સે કહી રહ્યા છે કે, 2023નો વર્લ્ડ કપ ભારત તમારા કારણે જ હાર્યું હતું કારણ કે કદાચ તમે તે મેચ જોઈ હતી!
વાત કરીએ મેચની તો ટીમ ઈન્ડિયાએ પહેલાં બેટિંગ કરીને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 255 રન બનાવ્યા હતા, જે ટી20 વર્લ્ડ કપ ફાઇનલનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. ઓપનિંગ બેટ્સમેન સંજુ સેમસને 89 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને તેને 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે જસપ્રીત બુમરાહે 15 રન આપીને 4 વિકેટ ઝડપી હતી અને તે 'પ્લેયર ઓફ ધ મેચ' રહ્યો હતો.