સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને હેમા માલિનીની જોડીએ માત્ર બોલીવૂડમાં તો સુપરહિટ છે જ પણ શું તમને ખબર છે કે બિગ બી અને હેમા માલિનીએ એક ભોજપુરી ફિલ્મમાં પણ સાથે કર્યું હતું? કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે સિનીયર બચ્ચન અને ડ્રીમ ગર્લની આ જોડીએ કરેલી રિજનલ લેન્ગ્વેજ ફિલ્મે પણ ઈતિહાસ રચ્યો છે. આજે આપણે આ સ્ટોરીમાં કઈ હતી આ ફિલ્મ અને તેણે કઈ રીતે બોક્સ ઓફિસ પર જાદુ ચલાવ્યો એ વિશે જાણવાનો પ્રયાસ કરીશું...
2006માં રિલીઝ થયેલી ફિલ્મ 'ગંગા' માત્ર એક ફિલ્મ નહોતી, પરંતુ ભોજપુરી સિનેમા માટે એક મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન, ડ્રીમ ગર્લ હેમા માલિની અને તે સમયના ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશન મુખ્ય ભૂમિકામાં હતા. બોલીવૂડના આટલા મોટા કલાકારોએ પહેલીવાર કોઈ ભોજપુરી ફિલ્મમાં સાથે કામ કર્યું હતું, જેના કારણે દેશભરમાં તેની ચર્ચા થઈ હતી.

રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ ફિલ્મનું બજેટ તે સમયના ભોજપુરી ધોરણો મુજબ મોટું હતું, પરંતુ તેણે બોક્સ ઓફિસ પર તેજ ગતિએ કમાણી કરી હતી. બિહાર અને ઉત્તર પ્રદેશના થિયેટરોમાં આ ફિલ્મે રેકોર્ડબ્રેક ભીડ એકઠી કરી હતી. આ ફિલ્મે પ્રાદેશિક ફિલ્મો પ્રત્યે લોકોનો નજરિયો બદલી નાખ્યો હતો.
તમને જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્મનું નિર્માણ અમિતાભ બચ્ચનના પર્સનલ મેકઅપ મેન દીપક સાવંતે કર્યું હતું. બિગ બીએ તેમના માટેના સન્માન અને પ્રેમ ખાતર આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી હતી. આ ફિલ્મ બાદ અમિતાભે 'ગંગોત્રી' જેવી અન્ય ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
વાત કરીએ ફિલ્મના મ્યુઝિક અને ડાયલોગ્સની તો તે દર્શકોને આજે પણ હોઠે એકદમ તાજા છે. બિગ બી અને હેમા માલિની સ્ટારર આ ફિલ્મે સાબિત કરી આપ્યું હતું કે જો પરફેકટ સ્ટાર કાસ્ટ હોય અને સારી સ્ટોરી હોય, તો રિજનલ લેન્ગ્વેજની ફિલ્મો પણ બોલીવૂડની મોટી-મોટી ફિલ્મોને ટક્કર આપવા માટે સમર્થ છે.