Fri Apr 17 2026

Logo

મિડલ ઇસ્ટમાં યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રાલયનું નિવેદન, હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પરત  લાવવા પ્રાથમિકતા

2026-03-17 20:15:00
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતના વિદેશ મંત્રાલયે મીડિયાને સંબોધિત કર્યું  હતું.  વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ઈરાન અને અન્ય દેશો સાથે ચર્ચા ચાલી રહી છે. તેમજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પાછા લાવવા એ પ્રાથમિકતા છે.

ઈરાન સાથે પણ ચર્ચા 

તેમણે જણાવ્યું હતું કે, "ઈરાન અને અન્ય દેશો સાથે અમારી ચર્ચા ચાલુ છે. જેમ કે અમારા વિશેષ સચિવે નોંધ્યું છે કે  હોર્મુઝ સ્ટ્રેટ ક્ષેત્રમાં ઘણા જહાજો છે. અમારો હેતુ ઈરાન અને અન્ય રાષ્ટ્રો સાથે સંકલનમાં કામ કરવાનો છે જેથી આ જહાજોની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત થાય.  આ બાબતે ચર્ચાઓ ચાલુ છે. અમે માનવતાવાદી સહાય સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ઈરાન સાથે પણ ચર્ચા કરી રહ્યા છીએ.

બ્રિક્સ પરસ્પર સંમતિના આધારે કાર્ય કરે છે 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, "હાલમાં અમે બ્રિક્સ અધ્યક્ષપદ સંભાળીએ છીએ. બ્રિક્સ પરસ્પર સંમતિના આધારે કાર્ય કરે છે. જેમ તમે જાણો છો  બ્રિક્સના ઘણા સભ્યો ચાલુ સંઘર્ષમાં સામેલ છે. આ કારણોસર સભ્ય રાષ્ટ્રો વચ્ચેના વિવિધ વલણોનું સમાધાન કરવું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. જો કે, અમે સંકળાયેલા તમામ પક્ષો સાથે સતત જોડાણ અને સંવાદમાં છીએ.

વિદેશ મંત્રીએ  બ્રસેલ્સમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચર્ચા કરી

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમના યુરોપિયન વિદેશ મંત્રીઓ  સાથે વૈશ્વિક પડકારો, ખાસ કરીને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચર્ચા કરી હતી. આ ચર્ચાઓ વિદેશ બાબતો પરિષદની બેઠક દરમિયાન થઈ હતી. પ્રવક્તા જયસ્વાલે વધુમાં ઉમેર્યું હતું કે અમારા વિદેશ મંત્રી બ્રસેલ્સની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમને યુરોપિયન યુનિયનના ઉચ્ચ પ્રતિનિધિ, કાજા કલ્લાસ દ્વારા EU વિદેશ બાબતો પરિષદની બેઠકમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

સંવાદ અને રાજદ્વારીની આવશ્યકતા પર ભાર

ભારત-યુરોપ  સંબંધો ઉપરાંત આ બેઠકમાં વૈશ્વિક પડકારો - ખાસ કરીને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અને ઊર્જા સુરક્ષા પર તેની અસરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. મંત્રીઓએ આ સંઘર્ષનો ઝડપી ઉકેલ લાવવા માટે સંવાદ અને રાજદ્વારીની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો