Fri Jun 19 2026

Logo

એલ્યુમિનિયમ આધારિત ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ડ્યૂટી માળખામાં ફેરફાર જરૂરીઃ જીટીઆરઆઈ

2026-06-19 21:01:57
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ સ્થાનિક એલ્યુમિનિયમ આધારિત ઉત્પાદનોને વેગ આપવા માટે ધાતુ પર 20 ટકા નિકાસવેરો લાદવા સહિત સરકારે બિનજરૂરી એલ્યુમિનિયમ પરનો આયાત વેરો દૂર કરવો અને ડ્યૂટી માળખામાં ફેરફાર કરવો જોઈએ, એમ થિન્ક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટીવ (જીટીઆરઆઈ) એ તાજેતરમાં જણાવ્યું હતું. 

એકંદરે ભારતની ટૅરિફ નીતિઓએ એલ્યુમિનિયમની વૅલ્યૂ ચેઈનમાં કેટલીક મોટી વિકૃતિઓ સર્જી છે. જેમાં ધાતુની નિકાસને પ્રોત્સાહન આપવું, ઉત્પાદકો માટે કાચા માલના ખર્ચમાં વધારો કરવો અને આયાતી તૈયાર ઉત્પાદનો પર નિર્ભરતા વધારવી વગેરેનો સમાવેશ થાય છે. વાસ્તવમાં એલ્યુમિનિયમ આધુનિક ઔદ્યોગિક અર્થતંત્રના પાયા પૈકીનું એક છે. તે પાવર ટ્રાન્સમિશન, નવીન ઊર્જા, ઈલેક્ટ્રિક વાહનો, રેલવે, બાંધકામ, પેકેજિંગ, એરોસ્પેસ, સંરક્ષણ અને એન્જિનિયરિંગ ઉત્પાદનોની વિશાળ શ્રેણી માટે આવશ્યક છે. 

જીટીઆરઆઈએ વધુમાં જણાવ્યું હતું કે ભારત માળખાકીય, ક્લિન એનર્જી, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ અને ઈલેક્ટ્રિક મોબિલિટીમાં રોકાણને વેગ આપી રહ્યું છે આથી એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ આધારિત ઉત્પાદનોની માગ ઝડપભેર વધવાની શક્યતા છે. આ તક ઝડપવા માટે ભારત સારી સ્થિતિમાં છે. દેશ પાસે બૉક્સાઈટની મબલખ અનામત છે. તેમ જ સંકલિત રિફાઈનિંગ અને સ્મેલ્ટિંગ ક્ષમતા અને પ્રમાણમાં ઓછી કિંમતની વીજળીની પહોંચ છે. જોકે, ભારત તેના એલ્યુમિનિયમ સંસાધનોના આર્થિક લાભોને સંપૂર્ણપણે અંકે નથી કરી રહ્યું, એમ જીટીઆરઆઈના સ્થાપક અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું. 

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે દેશમાં જ્યારે પ્રાથમિક એલ્યુમિનિયમના ઉત્પાદનમાં વધારો થયો છે ત્યારે ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગો જે ઉચ્ચ મૂલ્યના ઉત્પાદનોમાં રૂપાંતરિત કરી રહ્યા છે તેઓ વધતા દબાણનો સામનો કરી રહ્યા છે. હાલની ટૅરિફ નીતિઓ પ્રાથમિક ઉત્પાદકોને ઊંચું માર્જિન મેળવવાની મંજૂરી આપે છે, પરંતુ ડાઉનસ્ટ્રીમ ઉત્પાદકોને એલ્યુમિનિયમ માટે ઊંચા ભાવ ચૂકવવા અને તૈયાર ઉત્પાદનોની ઓછી આયાત જકાત સામે સ્પર્ધા કરવાની ફરજ પડે છે. પરિણામે ભારત પ્રાથમિક સ્વરૂપમાં એલ્યુમિનિયમની વધુને વધુ નિકાસ કરી રહ્યું છે અને ઉચ્ચ મૂલ્યનાં ઉત્પાદનોની આયાત કરી રહ્યું છે તેનાથી સ્થાનિક મૂલ્ય સંવર્ધન નબળું પડે છે, સ્પર્ધાત્મકતામાં ઘટાડો થાય છે અને રોકાણ, રોજગાર અને નિકાસની તકો પણ મર્યાદિત થતી હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

જોકે, ચીને એક અલગ જ માર્ગ કંડાર્યો છે તે એલ્યુમિનિયમને વ્યૂહાત્મક ઈનપૂટ માને છે. પ્રાથમિક ધાતુની નિકાસને નિરુત્સાહિત કરે છે અને એલ્યુમિનિયમને સ્થાનિક ઉત્પાદનોમાં પ્રવેશ આપે છે. આથી ચીનને વૈશ્વિક સ્તરે ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગનું નિર્માણ કરવામાં, વધુ નિકાસ કરવામાં અને રોજગાર સર્જનમાં મદદ મળી રહી છે. ભારતને આવા જ નીતિવિષયક બદલાવની જરૂર હોવાનું જણાવતા તેમણે ભલામણ કરી હતી કે ભારતે અનરૉટ એલ્યુમિનિયમ (કાચા માલ) પરની 7.50 ટકા જકાત દૂર કરવી જોઈએ જેથી ભારતીય ઉત્પાદકો વિશ્વ બજારમાંથી સ્પર્ધાત્મક ભાવથી એલ્યુમિનિયમ એક્સેસ કરી શકે. 

તૈયાર એલ્યુમિનિયમના ઉત્પાદનોને ઓછી અથવા શૂન્ય ટકા ડ્યૂટી સાથે ભારતમાં પ્રવેશની મંજૂરી આપતા મુક્ત વેપાર કરાર હેઠળ આપવામાં આવેલી છૂટછાટની સમીક્ષા કરવાનો અનુરોધ કરતાં કહ્યું હતું કે એલ્યુમિનિયમ ધાતુ પર 20 ટકા નિકાસ જકાત લાદવાથી પ્રાથમિક એલ્યુમિનિયમની નિકાસ નિરુત્સાહિત થશે અને સ્થાનિકમાં મૂલ્ય સંવર્ધનને પ્રોત્સાહન મળશે. ભારતે એલ્યુમિનિયમ પર 30 ટકા નિકાસ જકાત લાદવાના ચીનના અભિગમને અનુસરવો જોઈએ જેથી સ્થાનિકમાં ઉત્પાદન માટે એલ્યુમિનિયમની ઉપલબ્ધિતામાં વધારો થાય.