ડૉ. નિરંજન રાજ્યગુરુ
ભોજાભગત
ગિરનારી સાધુ રામેતવનના શિષ્ય એવા જ્ઞાની-ઉપદેશક સંતકવિ ભોજાભગત/ભોજલરામ (જન્મ: ઈ.સ. 1785 વિદાય: ઈ.સ.1850)નો જન્મ દેવકીગાલોળ (તા. જેતપુર, જિ. રાજકોટ) ગામે લેઉવા કણબી જ્ઞાતિમાં થયેલો. પિતા: કરસનદાસ, માતા: ગંગાબાઈ, અવટંકે: સાવલિયા. પોતાના બે ભાઈઓ કરમણ અને જસા સાથે અમરેલી પાસેના ચક્કરગઢ ગામે ખેતી કરવા ગયા અને ફતેહપુર ગામ વસાવ્યું.
અમરેલીના ગાયકવાડી સૂબા વિઠ્ઠલરાવને ઉપદેશ આપવા ‘ચાબખા’ પ્રકારનાં ભજનોની રચના કરેલી. શિષ્યો: 1. જલારામ (વીરપુર), 2. વાલમરામ (ગારિયાધાર), 3. જીવણરામ (ફતેપુર). શિષ્ય જલારામને ત્યાં વીરપુર ગામે સમાધિ લીધી. રચનાઓ : ‘ચેલૈયા આખ્યાન’, વાર, તિથિ, મહિના સરવડાં, ‘ભક્તમાળ’ કાફી, હોરી, કક્કો, બાવનાક્ષરી અને ચાબખા. જગ્યા: ફતેપુર (અમરેલી) સંતકવિ ભોજા ભગતે પોતાના શિષ્ય જલારામને એવું વચન આપેલું કે અંત સમયે હું તારે ત્યાં આવીને પછી દેહ છોડીશ. એ પ્રમાણે ફતેપુરથી નીકળ્યા ત્યારે આ અંતિમ પદની રચના કરેલી..
જી રે ભલાને ભાગ્ય છે એવી, ભલાની ભલાઈએ ભક્તિ આદરે,
-જી રે ભલાને ભાગ્ય છે એવી...0
પોરાને પરમાણે એવું તેને ઉપન્યું રે, ભાઈલા તેં ભલું કીધલ કામ રે,
ભોજો ભગત તો રે એણી પેરે બોલિયા રે,
હાં રે જાણી હવે છેલ્લી વેળાના રામોરામ રે...
-જી રે ભલાને ભાગ્ય છે એવી...
*
મધ્યકાળના અંતિમ સમયના ગણાતા, પ્રેમલક્ષણા ભક્તિધારાના પ્રમુખ ભક્તકવિ દયારામ વડોદરા જિલ્લાના ચાણોદના વતની હતા. જન્મ: ચાણોદ અથવા મોસાળના ડભોઈ ગામે. સાઠોદરા નાગર જ્ઞાતિમાં પ્રભુરામ ભટૃ અને માતા રાજકોરબાને ત્યાં વિ.સં.1833 ઈ.સ.1777 ભાદરવા સુદ 11 શનિવારે, વિદાય: વિ.સં.1909 ઈ.સ.1853 મહા વદ પ સોમવાર. ઈષ્ટદેવ હાટકેશ્વર, કુલધર્મ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ. એમણે પણ આખરવેળાનો ઉપદેશ આપતાં ગાયું છે..
મનજી મુસાફર રે, ચાલો નિજ દેશ ભણી,
મૂલક ઘણા જોયા રે, મુસાફરી થઈ છે ઘણી..
- એવા મનજી મુસાફર રે, ચાલો નિજ દેશ ભણી..0
સ્વપુર જવાનો પંથ આવ્યો છે, રખે ભૂલતા ભાઈ
ફરીને મારગ મળવો છે નહીં, એવી તો છે અવળાઈ,
સમજીને ચાલો સીધા રે, ના જાશો ડાબા કે જમણી..
- એવા મનજી મુસાફર રે, ચાલો નિજ દેશ ભણી..0
*
જો જો જગત થકી જાવું છે, કરજો સંભાળીને કામ,
દાસ દયાને એમ ગમે છે, હવે જઈએ પોતાને ગામ,
સૂઝે છે હવે એવું રે, અવધ થઈ છે આપણી..
- એવા મનજી મુસાફરરે, ચાલો નિજ દેશ ભણી..0
*
મરવા ટાણે રે મેં થી તરત મરાશે,
હરિ હરિ હવે ઠીક થાશે..
-મરવા ટાણે રે મેં થી તરત મરાશે..0
ઓસડ વેસડ ગંગા જમુના, વેદ નારાયણ થાશે,
સાધુ સંતો સરવે મળીને, રામ તણા જશ ગાશે..
-મરવા ટાણે રે મેં થી તરત મરાશે..0
સુત વિત દારા ધન જોબનથી, જો મન અળગું થાશે,
કામ ક્રોધ મદ મેલી કરીને, હરિ ચરણે ચિત્ત જાશે..
-મરવા ટાણે રે મેં થી તરત મરાશે..0
એવી રીતે રામ જપો, તો પૂરણ પદ પમાશે,
દયારામ કહે પૂરણ બ્રહ્મ છે, તેજમાં તેજ સમાશે..
-મરવા ટાણે રે મેં થી તરત મરાશે..0
જૈન અવધૂત સંતકવિ આનંદધનજીએ એટલે તો ગાયું છે -
અબ હમ અમર ભયે, ન મરેંગે,
યા કારન મિથ્યાત દિયો તજ, ક્યૂં કર દેહ ધરેંગે ?
-અબ હમ અમર ભયે, ન મરેંગે....0
રાગ દોષ જગબંધ કરત હૈ, ઈનકો નાશ કરેંગે ;
મર્યો અનંત કાલતેં પ્રાની, સો હમ કાલ હરેંગે.
દેહ વિનાશી હું અવિનાશી, અપની ગતિ પકરેંગે ;
નાશી જાશી હમ થિર વાસી, ચોખે વ્હૈ નિખરેંગે.
-અબ હમ અમર ભયે, ન મરેંગે....0
મર્યો અનંતવાર બિન સમજ્યો, અબ સુખ દુ:ખ વિસરેંગે ;
આનંદઘન નિપટ નિકટ અક્ષર દો, નહીં સમરે સો મરેંગે.
-અબ હમ અમર ભયે, ન મરેંગે....0