મુંબઈ મહાનગર પાલિકા દ્વારા આયોજિત 'મુંબઈ ક્લીન લીગ' (Mumbai Clean League) કાર્યક્રમ દરમિયાન બોલીવૂડના સુપરસ્ટાર અક્ષય કુમારે દેશમાં ચાલી રહેલી એલપીજી સિલિન્ડરની અછતને પર પોતાની પ્રતિક્રિયા આપી હતી, જે સોશિયલ મીડિયા અને મીડિયામાં વાઈરલ થઈ રહી છે. ઈવેન્ટ દરમિયાન પૂછાયેલા સવાલના જવાબમાં ખેલાડી કુમારે આ ગંભીર મુદ્દા પર રમૂજી છતાં વ્યવહારુ અંદાજમાં વાત કરી હતી. ચાલો જોઈએ આખરે એવું તે શું રિએક્શન આપ્યું હતું અક્ષય કુમારે...
મુંબઈમાં મુંબઈ મહાનગર પાલિકાના હેડક્વાર્ટર ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન જ્યારે અક્ષય કુમારને એલપીજી ગેસની અછત વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે હાલમાં મારા ઘરે તો ગેસની કોઈ અછત જેવી સ્થિતિ સર્જાઈ નથી, પરંતુ મારી પત્ની ટ્વિંકલ ખન્નાએ સાવચેતી રૂપે અત્યારથી જ તૈયારી કરી લીધી છે.
અક્ષયે આગળ એવું પણ જણાવ્યું હતું કે અત્યાર સુધી તો કોઈ સમસ્યા નથી, પણ મારી પત્નીએ કાલે જ બે ઈન્ડક્શન ગેસ ઓર્ડર કર્યા છે. જોકે, આ ગેસની ડિલીવરી હજી સુધી થઈ છે કે નહીં તેની કોઈ આઈડિયા નથી. બોલીવૂડના મિસ્ટર ખિલાડી કહેવાતા અક્ષય કુમારના આ સ્ટેટમેન્ટ પરથી સ્પષ્ટ થાય છે કે સામાન્ય જનતાની જેમ સેલિબ્રિટી પરિવારો પણ ભવિષ્યની ઉર્જા સુરક્ષાને લઈને સતર્ક છે અને સાવધાનીના પગલાં લઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલાં ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક દરિયાઈ વેપાર માર્ગો પ્રભાવિત થયા છે, જેનાથી ભારતમાં એલપીજીના પુરવઠામાં અવરોધ આવી રહ્યો છે. મુંબઈ અને અન્ય શહેરોમાં સિલિન્ડરની ડિલિવરીમાં સાતથી 10 દિવસનો વિલંબ જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકો ગભરાટમાં બુકિંગ કરાવી રહ્યા છે અને ઈન્ડક્શન જેવા વિકલ્પો તરફ વળી રહ્યા છે.
વાત કરીએ અક્કીના વર્ક ફ્રન્ટની તો હાલમાં અક્ષય કુમારને મુંબઈ મહાનગર પાલિકાની 'મુંબઈ ક્લીન લીગ'ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. આ સિવાય અક્ષય ટૂંક સમયમાં જ ફિલ્મ ભૂત બંગલામાં જોવા મળશે. ફિલ્મ ભૂત બંગલા 10મી એપ્રિલ, 2026ના થિયેટર્સમાં રીલિઝ થવાની છે. ભૂત બંગલા સિવાય અક્કી વેલકમ ટુ ધ જંગલ, હૈવાન, હેરાફેરી 3 અને ગોલમાલ પાંચમાં પણ જોવા મળશે.