બોલીવૂડના સુપરસ્ટાર, મિસ્ટર ખિલાડી અક્ષય કુમારના ફેન્સ માટે એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ લાંબા સમયથી ફેન્સ આતુરતાપૂર્વક અક્કીની ફિલ્મ ભૂત બંગલાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે તેનો આ ઈંતેજાર થોડો વધારે લંબાઈ શકે છે. રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર 2'ની બોક્સ ઓફિસ પર ચાલી રહેલી આંધીને જોતા, અક્ષય કુમારની આગામી ફિલ્મ 'ભૂત બંગલા' ની રિલીઝ ડેટ ફરી એકવાર લંબાવવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવી રહેલાં દાવા અનુસાર, અક્ષય કુમારની ફિલ્મ ભૂત બંગલાની રીલિઝ ડેટ પાછળ ઠેલવામાં આવી છે. પહેલાં આ ફિલ્મ 10મી એપ્રિલના રીલિઝ થવાની હતી, પરંતુ હવે તે 17મી એપ્રિલ, 2026ના રોજ રીલિઝ થાય એવી જાહેરાત કરવામાં આવી છે. મેકર્સ દ્વારા આ નિર્ણય ફિલ્મ ધુરંધર ટુને કારણે લેવામાં આવ્યું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.
ફિલ્મની રીલિઝ ડેટ જ નહીં પણ ફિલ્મનું ટ્રેલર લોન્ચમાં પણ વિલંબ જોવા મળી રહ્યો છે. આ અગાઉ ફિલ્મનું ટ્રેલર 30મી માર્ચના રોજ રિલીઝ થવાનું હતું, પરંતુ હવે આ ટ્રેલર એપ્રિલના પહેલાં અઠવાડિયામાં રીલિઝ કરવામાં આવે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
ભૂત બંગલા ફિલ્મની રીલિઝને પોસ્ટપોન કરવાનું કારણ છે હાલમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહેલી રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર 2'. આ ફિલ્મે માત્ર 9 દિવસમાં 1100 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ જબરદસ્ત સફળતાને જોતા મેકર્સ દ્વારા ક્લેશ ટાળવા અને બિઝનેસના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રિયદર્શનના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ભૂત બંગલાની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં મિસ્ટર ખિલાડી અક્ષય કુમારની સાથે વામિકા ગબ્બી, તબ્બુ, પરેશ રાવલ અને રાજપાલ યાદવ જેવા કલાકારો પણ જોવા મળશે.