Fri May 08 2026

Logo

‘મુંબઈ ઈન મિનિટ્સ’  ઐરોલી-કાટાઈ નાકા એલિવેટેડ રોડ પ્રોજેક્ટ:

2026-05-08 08:47:00
Author: Sapna Desai
Article Image

નવી મુંબઈ, થાણે, કલ્યાણ-ડોંબિવલી તથા બદલાપુરમાં ઝડપી રીતે પહોંચી શકાશે. ફર્સ્ટ એન્ડ સેકેન્ડ ફેઝનું કામ સપ્ટેમ્બરમાં પૂરું થશે પહેલા તબક્કાનું કામ અંતિમ તબક્કામાં
(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:  ઐરોલી-કટાઈ નાકા એલિવેટેડ રોડ કોરિડોર પ્રોજેક્ટમાં મહત્ત્વનો તબક્કો પૂર્ણ કરવામાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ને સફળતા મળી છે. હાઈ-સ્પીડ કોરિડોર તરીકે અમલમાં મૂકવામાં આવેલા આ પ્રોજેક્ટને કારણે નવી ઐરોલી, મુંબ્રા અને કટાઈ નાકાને જોડનારા રસ્તાને કારણે મુંબઈ, થાણે, કલ્યાણ-ડોંબિવલી અને બદલાપુર સુધી ઝડપી ગતિએ પહોંચી શકાશે.

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા ઐરોલી-કટાઈ નાકા એલિવેટેડ રોડ બાંધવામાં આવી  રહ્યો છે. આ પ્રોજેક્ટનું કામ ત્રણ ફેઝમાં  ચાલી રહ્યું હોઈ બીજા ફેઝનું  કામ પૂર્ણ થઈ ગયું છે.  પહેલા  ફેઝનું કામ અંતિમ તબક્કામાં છે, તેનું કામ પૂર્ણ થાય એટલે પહેલા બંને તબક્કામાં આવતા રોડને  એક સાથે સપ્ટેમ્બરમાં વાહનવ્યવહાર માટે ખુલો મૂકવાનું આયોજન છે.  ત્રીજા ફેઝના કામની હાલમાં શરૂઆત થઈ હોઈ આ ફેઝનું કામ પૂર્ણ  થવા માટ ઓક્ટોબર ૨૦૨૮ સુધી રાહ જોવી પડવાની છે. 
ત્રણે તબક્કામાં કામ પૂર્ણ થઈ ગયા બાદ તે આખો એલિવેટેડ રોડ સેવા દાખલ થઈ ગયો તો નવી મુંબઈ-ડોંબિવલી દરમ્યાન  શિળફાટાની ટ્રાફિકની સમસ્યાનો છૂટકારો થશે. તો નવી મુંબઈ-ડોંબિવલીનો પ્રવાસ પણ ઝડપી બનશે.

પ્રવાસમાં  પોણો કલાકની બચત થશે
નવી મુંબઈ-ડોંબીવલી પ્રવાસનું અંતર ઘટાડવા માટે એમએમઆરડીએ દ્વારા ૧૨.૭૧ કિલોમીટર લંબાઈનો ઐરોલી-કાટાઈ નાકા એલિવેટેડ  પ્રોજેકટ હાથમાં લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટને કારણે ઐરોલી-ડોંબીવલી વચ્ચેનું પ્રવાસનું અંતર  લગભગ ૧૦ કિલોમીટરથી ઘટી જશે. પ્રવાસમાં ૩૦થી ૪૫ મિનિટનો સમય ઘટી જશે. તેથી આ પ્રોજેક્ટ વાહનવ્યવહારની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વનો માનવામાં આવે છે.

ત્રણ તબક્કામાં પ્રોજેક્ટનું કામ વહેંચાયું
ત્રણ ફેઝમાં બની રહેલા આ પ્રોજેક્ટની કુલ લંબાઈ ૧૨.૭૧ કિલોમીટરની છે, જેમાં એક ટુ-લેનની ટનલ પણ આવે છે. પહેલા ફેઝમાં થાણે-બેલાપુર રોડથી નેશનલ હાઈવે ફોર (એનએચ-૦૪) એમ આ ફેઝની લંબાઈ ૩.૪૩ કિલોમીટરનો છે. આ ફેઝમાં એક ટુ-લેનની ટનલ છે, જે ૧.૬૯ કિલોમીટર લંબાઈની છે. તો તેની પહોળાઈ ૧૭.૫૦ મીટર છે. તો એલિવેટેડ રોડ ૦.૯૪ કિલોમીટર લંબાઈનો છે.  પહેલા ફેઝમાં મ્હાપે શિળફાટા અને કલ્યાણ ફાટા ખાતેના ટ્રાફિકનેટાળીને નેશનલ હાઈવે-ફોર સાથે અખંડ રીતે જોડાશે. બીજા તબક્કામાં ૨.૫૭ કિલોમીટરનો ઐરોલીથી થાણે-બેલાપુર રોડ છે, જેનું કામ ૧૦૦ ટકા પૂર્ણ થઈ ગયું છે. આ ફેઝને કારણે મુંલુંડ-ઐરોલી બ્રિજ અને મુમ્બ્રા વચ્ચે સીધી કનેક્ટિવીટી ઉપલબ્ધ થશે. ત્રીજા ફેઝમાં ૬.૭૧ કિલોમીટર લંબાઈનો એલિવેટેડ નેશનલ હાઈવે-ફોનથી કટાઈ નાકા (કલ્યાણ-શિળ રોડ કોરિડોર) બની રહ્યો છે, તેનું હજી માંડ ૧૦ ટકા કામ પૂર્ણ થયું છે અને ઑક્ટોબર ૨૦૨૮માં તેને પૂરું કરવાનું  લક્ષ્યાંક છે. અંતિમ તબક્કામાં નેશનલ હાઈવેથી કટાઈ નાકા સુધી જોડાઈ જશે.