Tue Apr 21 2026

Logo

"કૈસા હરાયા" ફેમ મુમ્બ્રાની કોર્પોરેટર સહર યુનુસ શેખે બનાવટી OBC પ્રમાણપત્ર અંગે સ્પષ્ટતા કરી

2026-04-21 19:06:56
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ "કૈસા હરાયા. મેં તેમનું ઘમંડ તોડી નાખ્યું...' વિજય પછીના ભાષણ અને "મુંબઈને લીલા રંગે રંગવાની " વાત કરીને લાઇમલાઇટમાં આવેલા AIMIM યુવા નેતા સહર શેખ હવે એક નવા વિવાદમાં ફસાઈ ગયા છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 30માંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા સહર શેખ પર ચૂંટણી દરમિયાન ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરવાનો આરોપ છે. વધતા વિવાદ વચ્ચે સહર શેખે પોતાનું મૌન તોડ્યું છે. 

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેમના પરના બધા આરોપો પાયાવિહોણા છે અને તેમને રાજકીય રીતે બદનામ કરવાનું કાવતરું  છે. કેટલાક લોકો તેમની હાર પચાવી શકતા નથી, અને તેથી, તેઓ આવા આરોપો લગાવી રહ્યા છે.

સહર શેખે કહ્યું કે છેલ્લા 5-6 દિવસમાં જે રીતે ચર્ચા ચાલી રહી છે તેનાથી તેમને વ્યક્તિગત રીતે આઘાત લાગ્યો છે.  મને ફરાર જાહેર કરવામાં આવી, નોટ રિચેબલ કહી, પણ હું અહીં જ કામ કરી રહી હતી. તેમનું કહેવું છે કે શરૂઆતમાં તેમણે જાણી જોઈને મીડિયાથી અંતર રાખ્યું હતું જેથી તેઓ પહેલા કાનૂની પ્રક્રિયા સમજી શકે અને તે મુજબ પ્રતિક્રિયા આપી શકે.

તેમણે કહ્યું, "અમે બંધારણમાં માનનારા લોકો છીએ. અમને ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ છે, તેથી અમે કાયદેસર રીતે લડશું." તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે, તે કોર્ટમાં દરેક આરોપનો જવાબ આપશે અને જેમણે આરોપો લગાવ્યા છે તેમને કાયદેસર રીતે પડકારવામાં આવશે. તેમને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે,જવાબદારોએ કોર્ટમાં જવાબ આપવો પડશે.

થાણે તહસીલદારની કચેરીએ સહર શેખના પિતા યુનુસ ઇકબાલ શેખ સામે નકલી જાતિ પ્રમાણપત્રનો ઉપયોગ કરીને તેની પુત્રી માટે તે મેળવવાના આરોપસર ફોજદારી કેસ દાખલ કરવાની ભલામણ કરી હતી. 

એનસીપીનાં ઉમેદવાર સિદ્દીકી ફરાહ શબાબ અહેમદ દ્વારા સહરના જાતિ પ્રમાણપત્રની માન્યતાને પડકારતી ફરિયાદની તપાસ તહસીલદાર ઉમેશ પાટીલે કર્યા બાદ આ ભલામણ કરવામાં આવી હતી. 25 માર્ચે SDOને સુપરત કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે યુનુસ શેખે રાજ્ય ચૂંટણી પંચ સહિત ચાર સરકારી એજન્સીઓને ગેરમાર્ગે દોરી હતી.

રિપોર્ટ અનુસાર, યુનુસ ઇકબાલ શેખે 2018 માં પ્રથમ દ્રષ્ટિએ નકલી પ્રમાણપત્રના આધારે સહર શેખ માટે જાતિ પ્રમાણપત્ર પણ મેળવ્યું હતું. પરિવાર થાણેમાં રહેતો હોવા છતાં, સહરનું પ્રમાણપત્ર મુંબઈ શહેર કલેક્ટર ઓફિસમાંથી જારી કરવામાં આવ્યું હતું. તહસીલદારે આવા તમામ પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરવા અને યુનુસ શેખ સામે છેતરપિંડીના આરોપસર FIR નોંધવાની ભલામણ કરી છે.