Wed Jun 03 2026

Logo

રૂની ડ્યૂટીમુક્ત આયાતથી ખેડૂતોને હાની, કોર્પોરેટને લાભઃ એઆઈકેએસ

2026-06-03 19:40:29
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આગામી પાંચ મહિના સુધી રૂ ઉપરની આયાત જકાત જે 11 ટકા હતી તે શૂન્ય ટકા રાખવા લીધેલા નિર્ણયનો વિરોધ કરતા ઓલ ઈન્ડિયા કિસાન સભા (એઆઈકેએસ)એ જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણયની કપાસના ખેડૂત પર માઠી અસર થશે અને મોટા ટેક્સ્ટાઈલ કોર્પોરેશનોને લાભ થશે. 

ખેડૂતોના આ સંગઠને એક યાદીમાં જણાવ્યું હતું કે ગત પહેલી જૂનથી 30મી ઑક્ટોબર સુધી રૂની ડ્યૂટીમુક્ત ધોરણે આયાતને મંજૂરી આપવામાં આવી હોવાથી અંદાજે 40 લાખ ગાંસડી રૂની આવક થશે અને ખેડૂતો જ્યારે વાવેતરની તૈયારી કરતાં હોય ત્યારે આ આયાતને કારણે સ્થાનિકમાં ભાવ દબાણ હેઠળ આવશે.વધુમાં એઆઈકેએસએ આક્ષેપ કર્યો હતો કે બીજેપીનાં નેજા હેઠળની એનડીએ સરકારે કપાસના ખેડૂતોના હિતના ભોગે મોટા બિઝનૅસના હિતો સામે શરણાગતિ સ્વીકારી છે. તેમ જ સરકારનું આ પગલું સ્થાનિક કૃષિનાં રક્ષણને સ્થાને વેપાર ઉદારીકરણની નીતિગત પસંદગીને પ્રતિબિંબિત કરે છે. 

વધુમાં સંગઠને નોંધ્યું હતું કે ખેડૂતો માટે લાંબા સમય સુધી અસ્થિરતા અને નુકસાન પછી આ વર્ષે ફેબ્રુઆરી અને એપ્રિલ દરમિયાન ભાવમાં સુધારો થયો હતો. જોકે, ડ્યૂટી માફીની જાહેરાત બાદ ભાવમાં ત્રણ ટકા જેટલો ઘટાડો થયો હતો જેને કારણે ઉત્પાદકોમાં નવા નુકસાનની ભીતિ પેદા થઈ હતી. સરકારના આ નિર્ણય પાછળના તર્ક અંગે પશ્ન ઉઠાવતા સંગઠને જણાવ્યું હતું કે દેશમાં રૂની તીવ્ર અછત હોવાના કોઈ સબળ પૂરાવા નથી અને દાવો કર્યો હતો કે ઉદ્યોગના પ્રતિનિધિઓએ સ્વીકાર્યું છે કે સ્થાનિકમાં પર્યાપ્ત ઉપલબ્ધતા છે.

એઆઈકેએસના મતે સરકારના આ પગલાંની માઠી અસર લઘુતમ ટેકાના ભાવે પ્રાપ્ત કરતી એજન્સી કોટન કોર્પોરેશન ઑફ ઈન્ડિયા પર પણ પડશે. આયાતને કારણે સ્થાનિકમાં  બજાર ભાવ ઘટતાં કોટન કોર્પોરેશને પણ નીચા ભાવથી માલ વેચવો પડશે અને ખેડૂતને ટેકાની યંત્રણા પણ નબળી પડશે. તેમ જ સંગઠને દલીલ કરી હતી કે કપાસના ખેડૂતોને નબળો રૂપિયો અને અલ નિનોની અસરને કારણે હવામાનમાં અનિશ્ચિતતા જેવા પડકારોનો સામનો કરવો પડશે. કેમ કે દેશમાં કપાસની 65 ટકા કરતાં વધુ ખેતી વરસાદ આધારિત છે.