અમદાવાદઃ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું છે. વર્લ્ડ હેરિટેજ સિટીમાં અમુક ચોક્કસ રંગના જ ઉપયોગ કરી શકાય છે. જેમકે જયપુરમાં પિંક, પેરિસમાં લ્યુટેશિયન ક્રીમ લાઈમ સ્ટોન અને વેનિસમાં પેસ્ટલ કલર્સ. હવે અમદાવાદનો કોટ વિસ્તાર (પોળો) અને તેની આસપાસના 200 મીટરના બફર ઝોનમાં આવેલા મકાનોને લાઈટ સ્કાય બ્લુ, ક્રીમ અને લાઈટ બ્રાઉન એમ માત્ર ત્રણ રંગથી જ રંગી શકાશે.
કેમ લેવામાં આવ્યો નિર્ણય
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેસન દ્વારા શહેરમાં થઈ રહેલા નવા વિકાસ કાર્યોમાં એકરૂપતા જાળવવા આ નિર્ણય લેવાયો હતો. સૂત્રએ જણાવ્યું કે, નવી સરકારી અને ખાનગી ઈમારતો માટેલાઈટ સ્કાય બ્લુ, ક્રીમ અને લાઈટ બ્રાઉન રંગ નક્કી કરવામાં આવ્યા છે. હેરિટેજ પ્રકારના બાંધકામો માટે, માલિકો મુખ્ય અગ્રભાગ સિવાયની નકશીકામ વાળી જગ્યાઓ પર અન્ય રંગોનો ઉપયોગ કરી શકશે. તેનો હેતું હેરિટેજ ઝોનની નવી ઈમારતોમાં એકરૂપતા અને વિઝ્યુઅલ હાર્મની લાવવાનો છે.
સ્થાનિક તંત્રએ કોટ વિસ્તારના 6 ચોરસ કિલોમીટર અને 200 મીટર બફર ઝોનની અંદર આવતા 2 કિલોમીટરના વિસ્તારમાં કોઈપણ નવા સરકારી કે ખાનગી વિકાસ પ્રોજેક્ટ માટે મંજૂરી આપતા પહેલાં હેરિટેજ ઈમ્પેક્ટ એસેસમેન્ટ ફરજિયાત બનાવ્યું છે.

AMCના સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્ચ મહિનામાં યુનેસ્કોની બે સભ્યોની ટીમે કોટ વિસ્તારની વિરાસત પર મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સંભવિત અસરોની સમીક્ષા કરવા માટે શહેરની મુલાકાત લીધી ત્યારબાદ આ નીતિ અંગે વિચારણા કરવામાં આવી હતી. આ ટીમે કાલુપુર રેલ્વે સ્ટેશન રિડેવલપમેન્ટ, દાણાપીઠ મલ્ટીલેવલ પાર્કિંગ પ્રોજેક્ટ અને ગીતામંદિર બસ ટર્મિનસ પ્રોજેક્ટનું મૂલ્યાંકન કર્યું હતું, જે તમામ કોટ વિસ્તારના હેરિટેજ બફર ઝોનમાં આવે છે. આ ત્રણ મંજૂર કરાયેલા રંગો આ ત્રણેય પ્રોજેક્ટ્સ પર પણ લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. આ ટીમ ટૂંક સમયમાં AMCને વિગતવાર અહેવાલ સુપરત કરે તેવી અપેક્ષા છે.
AMC એ HIA કરવા માટે 100 થી વધુ આર્કિટેક્ટ્સની નોંધણી કરી છે. કોર્પોરેશને અર્બન ડિઝાઇન માર્ગદર્શિકા, નવા બાંધકામ માટેની ડિઝાઇન ટૂલકિટ અને HIA નીતિ પણ રજૂ કરી છે. સૂત્રોએ જણાવ્યું કે, કોટ વિસ્તારમાં બિન-હેરિટેજ ઇમારતો માટેની HIA અરજીઓની ચકાસણી ઝડપી બનાવવા માટે હેરિટેજ કન્ઝર્વેશન કમિટી હેઠળ એક વિશેષ પેટા-સમિતિની રચના કરવામાં આવી છે.
AMC દ્વારા પોળના દરવાજાઓના રિસ્ટોરેશન માટે SOP પણ તૈયાર કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું કે, દેશભરની ઐતિહાસિક અને હેરિટેજ મિલકતોના સંરક્ષણ અને જાળવણી માટે એક સંસ્થા સ્થાપવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી છે.