કૉમનવેલ્થ સ્પોર્ટના પ્રમુખ ડૉનલ્ડ રુકારેએ સંતોષ વ્યક્ત કરતા કહ્યું, `અમદાવાદ ગ્રેન્ડ શૉ માટે એકદમ તૈયાર છે'
નવી દિલ્હીઃ 2030માં 70થી વધુ દેશો વચ્ચેની જગવિખ્યાત કૉમનવેલ્થ ગેમ્સ અમદાવાદ (Ahmedabad)માં યોજાવાની છે અને એ માટેની તૈયારીઓ જોવા ભારત આવેલા કૉમનવેલ્થ સ્પોર્ટના પ્રમુખ ડૉનલ્ડ રુકારે (Rukare)એ અમદાવાદમાં આ રમતોત્સવ માટે થઈ રહેલી તૈયારીઓ બાબતમાં સંતોષ વ્યક્ત કર્યો છે ત્યારે ખેલકૂદ પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે `અમે દેશી-વિદેશી ઍથ્લીટો અને ખેલાડીઓ માટે આ રમતોત્સવ યાદગાર બનાવી દઈશું.'
રુકારેની સાથે સી.ઇ.ઓ. કૅટી સૅડલેઇર અને ડિરેકટર ઑફ ગેમ્સ ડૅરેન હૉલ પણ અમદાવાદ આવ્યા અને તેમણે 8-10 એપ્રિલ દરમ્યાન અમદાવાદ સહિતના શહેરોમાં કૉમનવેલ્થ માટેની તૈયારીઓનું અવલોકન કર્યું હતું. તેઓ ગાંધીનગર, વડોદરા તથા એક્તા નગર ખાતે પણ ગયા હતા અને રમતોત્સવ માટેના સ્થળો તેમ જ માળખાકીય સગવડોની તૈયારી બાબતમાં સંતોષ વ્યક્ત કર્યો હતો. રુકારેએ કહ્યું, `અમદાવાદ ગૅ્રન્ડ શૉ માટે એકદમ તૈયાર છે.'
કૉમનવેલ્થ ગેમ્સને 2030ની સાલમાં 100 વર્ષ પૂરા થશે. સ્પોર્ટ્સ મિનિસ્ટર માંડવિયાએ જણાવ્યું હતું કે `અમે અમારી તેજસ્વીતા અને સંસ્કૃતિ સાથે વિશ્વના વિવિધ દેશોના સ્પર્ધકો આવકારવા માટે તૈયાર છીએ. અમે કૉમનવેલ્થ ગેમ્સના આ શતાબ્દિ રમતોત્સવને યાદગાર બનાવી દઈશું.'
ભારતમાં કૉમનવેલ્થ ગેમ્સ આ પહેલાં 2010માં દિલ્હીમાં યોજાઈ હતી. 2030નો આ રમતોત્સવ યોજવા માટેની હરીફાઈમાં ભારતે નાઇજિરિયાને હરાવીને યજમાનપદ જીતી લીધું છે.