Sun Oct 04 2026

Logo

રિક્ષા-ટેક્સી બંધ, મુસાફરો પરેશાન! એરપોર્ટથી વસ્ત્રાપુર સુધીનું ભાડું ₹1300

2026-09-10 10:25:00
Author: Mumbai Samachar Team
રિક્ષા-ટેક્સી બંધ, મુસાફરો પરેશાન! એરપોર્ટથી વસ્ત્રાપુર સુધીનું ભાડું ₹1300

અમદાવાદઃ ઓનલાઈન એપ્લિકેશનના વિરોધમાં ગઈકાલના રિક્ષા ચાલકોની હડતાલના ત્રીજા દિવસે પણ સરકાર તરફથી કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. આની અસર એ જોવા મળી રહી છે કે, એરપોર્ટથી વસ્ત્રાપુર જવાના ₹1300 અને ગિફ્ટ સિટી સુધી પહોંચવાના ₹2300 વસુલ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ એએમટીએસ અને મેટ્રોમાં બે દિવસમાં નોંધપાત્ર ધસારો જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં લોકોએ બીઆરટીએસ, એએમટીએસ અને મેટ્રોની ક્નેક્ટિવિટીનો ઉપયોગ છે. આ બે દિવસમાં આ સંખ્યા લાખ સુધી પહોંચી હોવાના રિપોર્ટ છે. રિક્ષાની હડતાળના પગલે ઓનલાઈન એપ્લિકેશનમાં પણ બેફામ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. વાહનવ્યહાર, પોલીસ કે આરટીઓ તંત્રને દૈનિક ધોરણે પ્રવાસ કરતા લોકોની હાલાકી દેખાતી નથી?

શું કહે છે રિક્ષા એસો.ના સભ્યો?
બીજી તરફ રિક્ષા એસો.ના સભ્યોનું એવું કહેવું છે કે, અમે દરેક સ્થિતિમાં પેસેંજર સાથે ઊભા રહીએ છે અને મોંઘવારીના આ જમાનામાં અમારી માગ પણ કંઈ ખોટી નથી. સતત ત્રીજા દિવસે શહેરમાં એક છેડેથી બીજા છેડે કામ-ધંધે જતા લોકોએ હાલાકીનો સામનો કર્યો હતો. મુશ્કેલીએ પણ છે કે, એરપોર્ટ અને રેલવે સ્ટેશનથી ટેક્સી બુક થતી નથી. ઓફલાઈનમાં એરપોર્ટથી વસ્ત્રાપુર ડ્રોપનું ભાડું ₹1300 વસુલવામાં આવી રહ્યું છે. 10 સપ્ટેમ્બર સુધી અમદાવાદમાં હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ સમગ્ર હડતાળ મામલે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક નાના એસો. આ હડતાળમાંથી ખસી ગયા છે. હવે જ્યાં હડતાળ આગળના દિવસોમાં રાજ્યવ્યાપી કરવાની અને ચાલુ રાખવાની વાત વચ્ચે હવે શું માહોલ રહેશે એની ચર્ચા શરૂ થઈ ગઈ છે. બીજી તરફ મેટ્રો પરિવહન લોકો માટે જીવાદોરી સાબિત થઈ છે. વધારાના 6 ફેરા શરૂ કરવામાં આવતા મેટ્રોને પણ સારી એવી આવક થઈ રહી છે. હવે દર સવા પાંચ મિનિટે નવી ટ્રેન મળી રહી છે. 6 સપ્ટેમ્બર સુધીમાં મેટ્રોમાં 1,21,626 લોકો નોંધાયા હતા. 

અમુક રિક્ષા ચાલકોએ કામ ચાલું કર્યા
અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું હતું કે, સતત ત્રીજા દિવસે માંગણીઓને લઈને પણ અમારી હડતાલ યથાવત છે. હજુ સુધી માંગણીઓ સ્વીકારવામાં ન આવતા હડતાલ પૂરી કરવામાં આવી નથી. અનેકવાર સરકાર પાસે અમારા મુદ્દાઓ વ્યાજબી હોવાના કારણે  રજૂઆત કરીએ છીએ. જેથી સરકાર અમારી માંગણીઓ સ્વીકારે તે જ વિનંતી કરીએ છીએ પરંતુ તે સ્વીકારવામાં આવતી નથી. જેથી હજુ પણ હડતાલ ચાલુ રાખવામાં આવશે અને તેને લંબાવવી પડશે તો લંબાવવા માટે પણ તૈયાર છીએ. બીજી બાજું કેટલાક રિક્ષા ચાલકોએ શહેરના બીજા વૈકલ્પિક રસ્તાઓ પરના જે તે રૂટને ક્નેક્ટ કરીને કામ ચાલું કરી દીધું છે. પોલીસે પણ જણાવ્યું હતું કે, વધારે પડતી જબરદસ્તી કોઈ પણ સાથે થશે તો કાયદેસરના પગલાં લેવામાં આવશે.