Fri May 29 2026

Logo

આશા તાઈની વિદાયઃ રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, ગૃહ પ્રધાન સહિત દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

2026-04-12 17:06:53
Author: Vimal Prajapati
Article Image

Singing legend Asha Bhosle


મુંબઈઃ ભારતીય સંગીત જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું નિધન થયું છે. મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરના કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા છે તેવી જાણકારી તેમના પુત્ર આનંદ ભોંસલે દ્વારા પણ આપવામાં આવી છે. આશા ભોસલેનું નિધન થતા ભારતીય સંગીત જગતમાં શોક છવાયો છે. દેશભરમાં અત્યારે ભારે શોકની લાગણીઓ છવાઈ ગઈ છે. આશા ભોસલેના નિધનથી સંગીતજગતના એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. 

આશા તાઈના નિધનથી મહારાષ્ટ્રના જ નહીં, સમગ્ર દેશના સંગીતજગતના ચાહકો માટે મોટી ખોટ પડી ગઈ છે. તેમના નિધન અંગે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસએ શ્રદ્ધાંજલિ અપી છે. 

ભારતનાં જાણીતા ગાયિકા આશા ભોસલેના નિધન અંગે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે આશા ભોસલની વિદાયથી સંગીત જગતમાં એક ખાલિપો સર્જાયો છે, જેને ભરપાઈ કરવાનું મુશ્કેલ છે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આશા ભોસલેના દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને તેમના પરિવાર, ચાહકો અને સંગીત પ્રેમીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, આશા ભોસલે ભારતના સૌથી વધારે પ્રતિષ્ઠિત અને બહુમુખી સ્વરોમાંના એક હતા, જેમની સંગીત યાત્રાએ દાયકાઓ સુધી ભારતના સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવ્યો છે. તેમના ભાવનાત્મક ગીતો અને જીવંત સંગીતે વિશ્વભરના લાખો હૃદયને સ્પર્શી લીધા છે. તેમનું યોગદાન આગામી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે. 

ભારતના રક્ષા પ્રધાન રાજનાથ સિંહે પણ આશા ભોસલેના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, આશા ભોંસલેના શ્વરે અનેક પેઢીઓને પ્રભાવિત કરી છે. તેમના ગીતો હંમેશાં લોકોની હ્રદયમાં ગુંજતા રહેશે. રાજનાથ સિંહે આશા ભોસલેના શોકગ્રસ્ત પરિવાર અને તેમના લાખો ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પણ શોક વ્યક્ત કર્યો છે. કહ્યું કે, પદ્મ વિભૂષણથી સન્માનિત આશા ભોસલેએ પોતાની અજોડ પ્રતિભા દ્વારા સંગીતની દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

આ સાથે કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે હાર્દિક શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે, દીદી આશા ભોસલે એક મધુર અવાજ અને અજોડ ગાયકીના અવતાર છે જેઓ દાયકાઓ સુધી ભારતીય સંગીતને એક નવી અને આગવી ઓળખ અપાવી છે. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે પણ આશા ભોંસલેના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, તેઓ માત્ર કલાકાર નહીં પરંતુ અમર વિરાસત છે તે હંમેશા લોકોની હ્રદયમાં જીવત રહેશે. 

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ મહાન સંગીતકાર આશા ભોસલેના નિધન પર ભારે શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, આશા ભોંસલે તાઈના જવાથી સંગત જગતમાં એક અપૂર્ણીય ક્ષતિ સર્જાઈ છે. તેમના સૂરનો એક સુંદર બાગ હવે સાવ સુનો પડી ગયો. તેમણે કહ્યું કે, પદ્મ વિભૂષણ અને મહારાષ્ટ્ર ભૂષણથી સન્માનિત આશા ભોસલેના અવસાન ખૂબ જ દુઃખદ છે. 

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પણ આશા ભોસલેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, આશા ભોંસલે એક એવા મહાન કલાકાર હતા કે, જેમણે વર્ષો સુધી લોકોના દિલો પર રાજ કર્યું છે. બંગાળી ગીતો દ્વારા તેમણે બંગાળમાં પણ ખૂબ જ ચાહના હાંસલ કરી છે. વર્ષ 2018માં તેમણે રાજ્યના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘બંગવિભૂષણ’થી સન્માનિત કર્યાં હતા.

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ આશા ભોસલેને 'સુંદરીની રાણી' ગણાવતા કહ્યું કે, આશા ભોંસલેનું યોગદાન અજોડ અને ભૂલી ના શકાય તેવું છે. આ સાથે મહારાષ્ટ્ર સરકારના પ્રધાન આશિષ શેલારે ભાવનાત્મક રીતે વાત કરતા કહ્યું કે આશા તાઈના અવસાનથી તેમણે તેમના જીવનનો સૌથી મોટો ખજાનો ગુમાવ્યો છે. આશા ભોંસલેએ ભજન, લાવણી, ફિલ્મી ગીતો કે અભંગ દરેક શૈલીમાં તેમના મંત્રમુગ્ધ અવાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા.