Sat Apr 18 2026

Logo

કનેક્ટિવિટી: આમનેથી સાકેત સુધી ₹ 6,202 કરોડના ખર્ચે બનશે નવો એલિવેટેડ રોડ, મુસાફરીનો સમય અડધો થશે

2026-02-20 17:42:43
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ નાગપુર-મુંબઈ સમૃદ્ધિ મહામાર્ગ પરથી આવતા વાહનો આમનેથી સીધા દક્ષિણ મુંબઈમાં આવી શકે તે માટે રાજ્ય સરકારે વધુ એક રસ્તો બનાવવાનો નિર્ણય લીધો છે. અગાઉ ૧૮ કિલોમીટરનો રસ્તો બનાવવાનો નિર્ણય લીધા પછી, હવે આમને-સાકેત વચ્ચે ૨૧.૩ કિલોમીટરની લંબાઈનો એલિવેટેડ રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૬,૨૦૨ કરોડ રૂપિયાના ખર્ચે બનનારા આ એલિવેટેડ રોડ માટે ૨૦૨૬-૨૭ના નાણાકીય વર્ષના બજેટમાં ૫૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

ટ્રાફિક જામની સમસ્યાનો પણ આવશે ઉકેલ

સોમવારે મળેલી ઓથોરિટીની બેઠકમાં એલિવેટેડ રોડના વિગતવાર પ્રોજેક્ટ પ્લાન અને પ્રોજેક્ટ ખર્ચને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. સમૃદ્ધિ હાઇવે પરથી વધુ ઝડપે આવતા વાહનોને જંકશન પછી ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે તેમ જ આગળ મુંબઈ પહોંચવામાં બેથી અઢી કલાકનો સમય લાગે છે. 

મુંબઈ-બરોડા એક્સપ્રેસ વે જંક્શન સુધી નવો રોડ બનાવાશે

આ વાહનો ટ્રાફિક જામમાં ફસાઈ ન જાય અને ભવિષ્યમાં દક્ષિણ મુંબઈમાં ઝડપથી મુસાફરી કરી શકે તે માટે, રાજ્ય સરકારે થાણેના ખારેગાંવથી મુંબઈ-બરોડા એક્સપ્રેસ વે જંકશન સુધી ૧૮ કિમીનો નવો રસ્તો બનાવવાનો નિર્ણય લીધો છે. 

આ રૂટની જવાબદારી એમએસઆરડીસીને સોંપવામાં આવે તેવી શક્યતા છે. આ રસ્તાને કારણે, ઉત્તન-વિરાર સી લિંક, દહિસર-ભાયંદર સી લિંક, બાંદ્રા-વર્સોવા સી લિંક, બાંદ્રા-વર્લી સી લિંક થઈને દરિયાઈ માર્ગે નરીમાન પોઈન્ટ સુધી પહોંચવું શક્ય બનશે.

અઢી કલાકની મુસાફરી એક કલાકમાં કરી શકાશે

આ એલિવેટેડ રોડ આમનેથી શરૂ થશે અને સાકેત પહોંચશે. ત્યારબાદ આગળ સાકેત-આનંદનગર એલિવેટેડ રોડ દ્વારા છેડા નગર ફ્લાયઓવર, ઈસ્ટર્ન ફ્રી વે દ્વારા ઓરેન્જ ગેટ-મરીન ડ્રાઈવ ડબલ ટનલમાંથી મરીન ડ્રાઈવ પહોંચી શકાશે. 

બેથી અઢી કલાકની આ મુસાફરી ભવિષ્યમાં માત્ર એક કલાકમાં કરી શકાશે. ભવિષ્યમાં આ એલિવેટેડ રોડ દ્વારા વિરાર, ભાયંદરથી સી લિંક અને કોસ્ટલ રોડ થઈને દક્ષિણ મુંબઈ આવી શકાશે.