Thu Jun 25 2026

Logo

ખાટા સ્વાદને મીઠો બનાવી દે તેવું નાનું અમથું લાલ મિરેકલ ફળ!

2026-06-09 11:24:00
Author: Shrilekha Yagnik
Article Image

સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક

વિશ્ર્વમાં અનેક અજાયબી જોવા મળે છે. તેમાં સૌથી શ્રેષ્ઠ અજાયબી એટલે કુદરતનાં અનેક અદ્ભુત સર્જનો. વિશાળ ગગન, રંગબેરંગી વૃક્ષો, રંગબેરંગી ફૂલ-છોડ, રંગબેરંગી ફળ-શાકભાજી, કડધાન્યમાં સમાયેલી સ્વાદની વિવિધતા. જીવંત ઉદાહરણ જોઈએ તો પ્રત્યેક પશુ-પંખી-જળચરના ચહેરા એક સમાન હા, રંગમાં વિવિધતા. જ્યારે માનવીના ચહેરા-ત્વચાના રંગમાં અનેક વિવિધતા! તે જ પ્રમાણે શાકભાજી-ફળના સ્વાદમાં રહેલી મીઠાશ. આવી તો અનેક અજાયબી ગણાવી શકાય તેમ છે. જેમ કે હિમાલયના બરફ આચ્છાદિત પર્વતો- તો બીજી તરફ લડાખના લાલ-કાળા પર્વતોમાં સમાયેલું કુદરતી સૌંદર્ય. સમુદ્રની લહેરો તેમ જ તેમાં સમાયેલાં પાણીના રંગમાં વિવિધતા. નદી-તળાવના જળમાં વિવિધતા. કુદરતી ઝરણાંના ભિન્ન ભિન્ન પાણીનો સ્વાદ. ખરેખર કહેવાનું મન થઈ જ આવે કે 

‘મંદિર તારું વિશ્ર્વ રૂપાળું સુંદર સર્જનહારા રે...પળપળ તારા દર્શન થાયે દેખે દેખણ હારા રે..નહીં પૂજારી નહીં કોઈ દેવા નહીં મંદિરને તાળાં રે..નિલ-ગગનમાં મહિમા ગાતા ચાંદો..સૂરજ..તારા રે’

આજે આપણે જે ફળ વિશે વાત કરવાના છીએ તે ફળનું નામ છે ‘મિરેકલ ફળ’. જેને ‘મેજિક બેરી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. પશ્ર્ચિમ આફ્રિકામાં સરળતાથી મળી રહેતાં બોર જેવા દેખાતાં આ ફળનો સ્વાદ ખટમધુરો હોય છે. મિરેકલ ફળનાં વૃક્ષનાં પાન, બીજ તેમ જ ફળનો ઉપયોગ કરીને ખાસ પ્રકારનું તેલ બનાવવામાં આવે છે. મિરેકલ ફળ સામાન્ય રીતે બે પ્રકારના જોવા મળે છે. પ્રથમ છે આફ્રિકી ફળ. મુખ્યત્ત્વે તે પશ્ર્ચિમ આફ્રિકામાં ઊગે છે. 1720ના દશકમાં યૂરોપિય દ્વારા આફ્રિકાના આ ફળનું નામકરણ ચમત્કારિક ફળ તરીકે કરવામાં આવ્યું હતું.

બીજું છે ભારતીય આધારિત ફળ. ભારતમાં જિમનામા સિલ્વેસ્ટ્રે નામથી ચમત્કારિક ફળ ઓળખાય છે. જેનો ઉપયોગ મુખ્યત્ત્વે વિવિધ પ્રકારની વ્યાધિમાં કરવામાં આવે છે. જેમ કે પેશાબ માર્ગમાં સંક્રમણની વ્યાધિને સુધારવામાં મદદ કરે છે. વળી ડાયાબિટીસના દર્દીઓને ડૉક્ટર આ ફળ ખાવાની સલાહ આપે છે. ફળના સેવન બાદ પૌષ્ટિક આહારનું સેવન અનિવાર્ય ગણાય છે. 

મિરેકલ ફળનો ઉપયોગ ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક ગણાય છે. ફાઈટોથેરેપી રિસર્ચ 2006માં પ્રકાશિત થયેલી શોધ અનુસાર વૈજ્ઞાનિકોએ ઊંદરના એક સમૂહને જેમાં લોહીમાં શર્કરાની માત્રા વધુ હતી તેમને મિરેકલ ફળ ખવડાવ્યું. તેના પરિણામ બાદ જાણવા મળ્યું કે મિરેકલ ફળના સેવન બાદ લોહીમાં ઈન્સ્યુલિનનું સ્તર વધ્યું હતું. ઈન્સ્યુલિનનું સ્તર વધવાને કારણે લોહીમાં શર્કરાની માત્રા ઓછી થયેલી જોવા મળી હતી.

વર્ષ 2012ના ક્લિનીકલ જર્નલ ઓફ ઑન્કોલોજી નર્સિંગ દ્વારા કરવામાં આવેલી શોધ મુજબ મિરેકલ ફળનું સેવન કિમોથેરપીના દર્દીઓ માટે લાભદાયક પુરવાર થયું હતું. 

વજનને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી : મિરેકલ ફળમાં કૅલરીની માત્રા ઘણી જ ઓછી હોય છે. વજન વધવા માટે એક કારણ મીઠાઈને મનભરીને માણવાની આદત ગણી શકાય. મિરેકલ ફળમાં ચરબીનું પ્રમાણ જોવા મળતું નથી. મીઠાઈ ખાવાનું મન થાય ત્યારે મીરેકલ ફળ ખાઈ લેવું. તેનું મુખ્ય કારણ આ ખાટા ફળના સેવન બાદ ગ્રહણ કરવામાં આવેલી પ્રત્યેક ખાદ્યસામગ્રીનો સ્વાદ આપને મીઠો જ લાગશે. તેથી જો વજન ઘટાડવા માટે ચોક્કસ ડાયેટ પ્લાનને અપનાવતા હોવ તો મિરેકલ ફળ આપને અચૂક ઉપયોગી બનશે. મિરેકલ ફળને સીધું ખાઈ શકાય છે. અનેક લોકો તેનો ઉપયોગ વિવિધ જ્યૂસમાં ભેળવીને, મીઠાઈ કે સલાડમાં ભેળવીને ખાવાનું પસંદ કરતાં હોય છે.  

રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે : મિરેકલ ફળમાં વિટામિન સીની માત્રા ભરપૂર સમાયેલી હોય છે. જેના સેવન બાદ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. વિટામિન સી સફેદ રક્તકણોનું ઉત્પાદન વધારે છે. ચેપી રોગ કે વાયરસને કારણે ફેલાતાં સંક્રમણથી બચાવવામાં મદદ કરે છે. 

આંખોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ઉપયોગી: મિરેકલ ફળમાં વિટામિન એની માત્રા સમાયેલી હોય છે. જેનો સીધો સંબંધ આંખોના સ્વાસ્થ્યની તંદુરસ્તી જાળવી રાખવા માટેે થાય છે. વળી મોતિયાબિંદુના ખતરાથી બચાવમાં મદદ કરે છે. 

રોગ-પ્રતિકારક શક્તિ વધારવામાં લાભકારી : મિરેકલ ફળમાં મિરાકુલિન નામક ગ્લાઈકોપ્રોટીન, ઍન્ટિ-ઓક્સિડન્ટ, તેમ જ વિટામિન સીની માત્રા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. મિરેકલ ફળમાં વિટામિન સીના ગુણો ભરપૂર છે. વિટામિન સી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. વિટામિન સીની માત્રા શરીરમાં પૂરતાં પ્રમાણમાં હોય તો લોહીમાં સફેદ રક્તકણોનું ઉત્પાદન વધે છે. જેને કારણે વાયરસ કે અન્ય સંક્રમણથી શરીરને સુરક્ષા મળી રહે છે.
 

કૅન્સરના ઈલાજમાં કારગર : કૅન્સરના ઈલાજ વખતે દર્દીને ઍન્ટિ-ન્યૂરોટિક દવાઓ તેમજ રેડિએશન ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. જેને કારણે સ્વાદગ્રંથિ ઉપર અસર થાય છે. દર્દીને ભોજનનો સ્વાદ જ પસંદ આવતો નથી. આવા સંજોગોમાં મિરેકલ ફળનું સેવન ર્ક્યા બાદ આહાર ગ્રહણ કરવાથી ભોજનમાં રહેલો સ્વાદ માણી શકાય છે.  

હૃદયના સ્વાસ્થ્ય માટે લાભકારક : મિરેકલ ફળનું સેવન પ્રમાણભાન રાખીને કરવાથી તેમાં સમાયેલાં ઍન્ટિ- ઈન્ફ્લેમેટરી ગુણોના લાભ ઝડપથી-લાંબા સમય સુધી મળી રહે છે. જેને કારણે હૃદય સબંધિત વ્યાધિ, શરીરના ભાગો ઉપર સોજો આવવો કે કૉલેસ્ટ્રોલનો ભરાવો જેવી સમસ્યાને નિયંત્રિત કરવામાં ઉપયોગી ગણાય છે.

શા માટે મિરેકલ ફળનું સેવન ર્ક્યા બાદ કોઈપણ વસ્તુનો સ્વાદ મીઠો લાગે છે?

એવું કહેવાય છે કે મિરેકલ ફળના માવામાં મિરાકુલિન નામક ખાસ પ્રકારનું ગ્લાઈકોપ્રોટીન હોય છે. જે સ્વયં મીઠું નથી હોતું પરંતુ જીભની સ્વાદ કળીઓ જીભ ઉપર રહેલાં મીઠા રીસેપ્ટર્સથી જોડાઈ જાય છે. જેને કારણે મોંમાં કોઈ ખાટી વસ્તુ જાય કે તરત જ પ્રોટીન સક્રિય થઈ જાય છે. જેને કારણે મગજને ખાટા સ્વાદને બદલે મીઠા સ્વાદનો સંદેશો મોકલે છે. 

ફળની ખાસ વિશિષ્ટતા : દેખાવમાં નાનું લાલ રંગનું આશરે 2-3 સેંટીમીટરની લંબાઈ ધરાવતું જોવા મળે છે. તે સ્વાદમાં ખાટું -મીઠું  હોય છે. ફળનું ખાસ મહત્ત્વ તેના બાદ ખાવામાં આવતી વસ્તુમાં જોવા મળે છે. તેને ગરમ કરવાથી કે પકાવવાથી તેમાં રહેલું મિરાકુલિન પ્રોટીન નાશ પામે છે. જેને કારણે તેનો જાદુઈ ગુણ નષ્ટ થઈ જાય છે. તેથી જ તેને કાચું ખાવાનો આગ્રહ રાખવામાં આવે છે. 

વિદેશોમાં મિરેકલ ફળને માટે ખાસ પાર્ટીનું આયોજન થતું જોવા મળે છે. જે ‘ફ્લૅવર ટ્રિપિંગ’ પાર્ટી તરીકે જાણીતી છે. જેમાં મિરેકલ ફળનું સેવન ર્ક્યા બાદ ખારા, ખાટા કડવાં કે તીખા પદાર્થોનું સેવન કરવામાં આવે છે. ત્યારબાદ બદલાતા મીઠા સ્વાદને માણીને અનોખા આનંદની મજા લે છે. બાળકો તેમજ વડીલો ખાટી વસ્તુ કે સલાડ ખાવાની આનાકાની કરે ત્યારે મિરેકલ ફળનો સમાવેશ કરીને સલાડની સજાવટ કરવામાં આવે તો તેઓ કૂતુહલ સાથે ઝટપટ ખાઈ લેશે. ઘરમાં બે ઘડી આનંદ રેલાઈ જશે. ભારતમાં મિરેકલ ફળ ઑનલાઈન સરળતાથી મેળવી શકાય છે. 

મિરેકલ ફળનો સલાડ

સામગ્રી: 1 નંગ કાકડી, 1 નંગ ટામેટું, 3 નંગ નાની કાચી કેરીની ચીર, 1 નંગ બીટ, 1 નંગ ગાજર, 1 નંગ નારંગી. 5-6 નંગ મિરેકલ ફળ. ચાટ મસાલો જરૂર મુજબ. લીંબુનો રસ 1 ચમચી,1 નાની ચીરી કારેલાંના ટૂકડાં.

બનાવવાની રીત : સૌ પ્રથમ કાકડી, બીટ, ગાજર, નારંગીની છાલ કાઢી લેવી. ઉપરોક્ત બધી જ વસ્તુને ગોળાકારમાં પાતળાં કાપી લેવી. એક પ્લેટમાં ગાજર-કાકડી-ટામેટું-બીટ-ગાજર, નારંગીની ચીરને એકપછી બીજું તેમ ગોઠવવું. તેની ઉપર વચ્ચે કેરીની ચીર ગોઠવવી. કારેલાંની ચીર ગોઠવવી. વચ્ચે વચ્ચે મિરેકલ ફળ ગોઠવવું.  લીંબુનો રસ છાંટવો. ચાટ મસાલો ભભરાવવો. પ્રથમ મિરેકલ ફળ ખાવાનું કહેવું ત્યારબાદ કારેલાંની ચીર તેમજ કાચી કેરીની ચીર ખાવાનું કહેવું. ત્યારબાદ સલાડનો આનંદ માણવાનો આગ્રહ રાખવો. સલાડ ખાઈને કુટુંબમાં હાસ્યની  સાથે એકબીજા પ્રત્યેની મમતા વધશે તે નક્કી.