રશ્મી શુકલ
ફેટી લીવર એટલે કે લીવરમાં સામાન્યથી વધુ માત્રામાં ફેટ એટલે કે ચરબી જમા થવી. સ્વસ્થ લીવરમાં થોડી માત્રામાં ચરબી હોય છે. ફેટી લીવર થવાનું કારણ છે અયોગ્ય ખાણીપીણી, લાઇફસ્ટાઇલ, ઊંઘની ઊણપ અને સ્ટ્રેસ. એની સીધી અસર લીવર પર થાય છે. ફેટી લીવર એક સાઇલેન્ટ કિલર છે. લીવરને સ્વસ્થ રાખવા માટે માત્ર દવાઓ પર જ આધાર ન રખાય.
પ્રોસેસ્ડ ફૂડ અને ફિઝિકલ એક્ટિવિટીના અભાવને કારણે લીવરમાં ચરબી જમા થાય છે. શરૂઆતમાં લોકો એને સામાન્ય થાક કે ગૅસ સમજીને અવગણે છે. જોકે લાંબા ગાળે એ લિવર સિરોસિસ જેવી ગંભીર સ્થિતિ નિર્માણ કરી શકે છે. લીવર એક માત્ર એવું અંગ છે જે પોતે જ પોતાને ઠીક કરવાની ક્ષમતા ધરાવે છે. શરત એટલી છે કે એને પૂરતું પોષણ મળવું જોઈએ. ડાએટમાં થોડો ઘણો ફેરફાર કરીને તમે આ સમસ્યાને વધતાં અટકાવી શકો છો અને લીવરને ફરીથી તરોતાજા બનાવી શકાય છે.
ફેટી લીવરના બે પ્રકાર છે:
1. નોન-આલ્કોહોલિક ફેટી લીવર ડિઝિસ: આ બીમારી એવા લોકોને થાય છે, જે શરાબનું સેવન જરાપણ નથી કરતા અથવા તો ઓછી માત્રામાં કરે છે. એનું મુખ્ય કારણ ખરાબ જીવનશૈલી, મેદસ્વીપણું અને ડાયાબિટીસ છે.
2. આલ્કોહોલિક ફેટી લીવર ડિઝિસ: વધારે પડતી શરાબ પીવાથી આ બીમારી થાય છે.
મેદસ્વીપણું: ખાસ કરીને પેટની આસપાસની ચરબીના થર જમા થવાથી પણ ફેટી લીવરની સમસ્યા થઈ શકે છે.
મેટાબોલિક સિન્ડ્રોમ: હાઇ બ્લડપ્રેશર, હાઇ કોલેસ્ટ્રોલ અને હાઇ ટ્રાઇગ્લિસરાઇડ્સ.
અયોગ્ય આહાર: વધારે પડતા ગળ્યા પદાર્થો, પ્રોસેસ્ડ ફૂડ અને ટ્રાન્સ ફેટનું સેવન.
સાઇડ ઇફેક્ટ્સ: દવાઓની સાઇડ ઇફેક્ટ્સ થવાથી અથવા ઝડપથી વજન ઘટવું.
શરૂઆતી લક્ષણ: શરૂઆતમાં સામાન્યરૂપે કોઈ લક્ષણ દેખાતાં નથી. જોકે સમસ્યા વધતાં લક્ષણ દેખાવા માંડે છે. વધારે પડતો થાક અથવા નબળાઈ આવે છે. - પેટના ઉપરનાં ભાગમાં દુ:ખાવો. - ભૂખ ન લાગવી.
બચાવ અને ઉપચાર: વજન ઘટાડવો: શરીરના પાંચથી દસ ટકા વજન ઘટાડવો. એનાથી લીવરની વધારાની ચરબી ઘટવા લાગે છે અને સોજો પણ ઊતરે છે. ભોજન: ખોરાકમાં લીલા પાંદડાવાળી શાકભાજી, ફળ અને આખું અનાજ સામેલ કરવું. તળેલી અને ગળી વસ્તુઓ ન ખાવી.
નટ્સ અને સીડ્સ: રોજિંદા આહારમાં બદામ, અખરોટ અને સૂરજમુખીના બીને સામેલ કરવું. એમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટિઓક્સિડેન્ટ્સ લીવરના સોજાને ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ એનાથી કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રહે છે.
પ્રોટીન: પ્રોટીન માટે પનીર અને ઈંડા સારો વિકલ્પ છે. પનીરમાં રહેલા પ્રોટીનને કારણે શરીરને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. એને કારણે તમે ઓવરઇટિંગથી બચી શકો છો. સાથે જ ઈંડાના કોલિન તત્ત્વ લીવરને સારી રીતે કાર્યરત રાખવા માટે જરૂરી છે. તદઉપરાંત એવોકાડો જેવા ફળ લીવરને ડેમેજ થતાં અટકાવે છે.