Tue Jun 23 2026

Logo

ગુજરાતનાં આ બે શહેરોમાં વહેલી સવારથી વરસાદની તોફાની બેટિંગથી લોકોને રાહત

2026-06-23 11:46:00
Author: Mumbai Samachar Team
Article Image

સુરતઃ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું બેઠું નથી પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે તેથી ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી રહી છે.  મંગળવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદે નવસારી અને વલસાડ પર મહેરબાની કરતાં આ બંને શહેરોમાં લોકોને રાહત થઈ હતી. બંને શહેરોમાં વહેલી સવારથી વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરતાં લોકોને ભારે રાહત થઈ છે અને ચોમાસા જેવો જ માહોલ થઈ ગયો છે. 

બીજી તરફ રાજ્યના બીજા વિસ્તારોમાં પણ વરસાદ પડી જ રહ્યો છે.  મંગળવાર સવાર સુધીના છેલ્લા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકામાં વરસાદ પડતાં ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે. હવામાન વિભાગના આંકડા મુજબ, રાજ્યના 7 તાલુકામાં 1 ઇંચથી વધુ અને જ્યારે બાકીના 45 તાલુકામાં અડધા ઇંચ કે તેનાથી ઓછો સામાન્ય વરસાદ પડ્યો છે.

રાજ્યમાં ભાવનગરમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે સુરતના ઉમરપાડામાં પોણા 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. 

નવસારી અને વલસાડમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. વલસાડમાં  સતત બીજા દિવસે વરસાદ પડતાં લોકોને રાહત થઈ છે. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં સવારથી જ પડતાં વાતાવરણ ઠંડું પડી ગયું હતું. વલસાડના  તિથલ રોડ, હાલર રોડ, રામવાડી અને કોસંબા જેવા વિસ્તારોમાં સવારથી ભારે વરસાદ પડતાં ઘણાં ઠેકાણે પાણી પણ ભરાઈ ગયાં હતાં. 

નવસારીમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડતાં લોકોને ભારે રાહત થઈ છે. નવસારીમાં સવારે વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો હતો અને  શહેરના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારે પવન અને વાવાઝોડા જેવા માહોલ સાથે વરસી રહેલા વરસાદને કારણે ઘણાં સ્થળે પાણી ભરાઈ ગયાં હતાં. નવસારી શહેરની  આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથી જ મેઘવર્ષા ચાલુ થતાં ચોમાસા જેવો માહોલ થઈ ગયો છે.