સાશા
તાજેતરમાં 5,000મી વન-ડે આંતરરાષ્ટ્રીય મૅચ રમાઈ ગઈ એ અવસરે તેમ જ સાઉથ આફ્રિકાના ફીલ્ડિંગ-લેજન્ડ જૉન્ટી રહોડ્સે વન-ડે ફૉર્મેટના ભાવિ વિશે ચિંતા વ્યક્ત કરી એ બદલ આજે આ લેખમાં ખાસ કરીને 50-50 ઓવરના આ ફૉર્મેટને કેન્દ્રમાં રાખીને જ ચર્ચા કરીશું. 1971ની સાલમાં પા...પા...પગલી માંડીને મર્યાદિત ઓવર્સની ક્રિકેટની પ્રણેતા બનેલી તથા ટેસ્ટ-ક્રિકેટથી 94 વર્ષ નાની વન-ડે ક્રિકેટની ગતિ એવી રહી કે એણે પંચાવન વર્ષમાં 149 વર્ષ જૂના પાંચ-દિવસીય ફૉર્મેટ પર પ્રભુત્ત્વ જમાવી લીધું.
1877ની 15મી માર્ચે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઑસ્ટે્રલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસની પ્રથમ મૅચ રમાઈ હતી જે ડેવ ગ્રેગરીની કૅપ્ટન્સીમાં ઑસ્ટ્રેલિયાએ 45 રનથી જીતી લીધી હતી. ત્યાર પછી નવ દાયકા બાદ (1971ની પાંચમી જાન્યુઆરીએ) મેલબર્નમાં જ સૌપ્રથમ વન-ડે મૅચ રમાઈ હતી.
સૌપ્રથમ વન-ડે રદ થયેલી ઍશિઝ ટેસ્ટના સ્થાને રમાઈ
નવાઈની વાત એ છે કે 1971માં સૌપ્રથમ વન-ડે મૅચ રદ થયેલી ઍશિઝ ટેસ્ટની જગ્યાએ રમાઈ હતી. અચાનક યોજવામાં આવેલી એ પહેલી વન-ડે ઇન્ટરનૅશનલ મૅચ 40-40 ઓવરની હતી અને એમાં પણ ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લૅન્ડને હરાવ્યું હતું. બિલ લૉરીના સુકાનમાં ઑસ્ટ્રેલિયાએ 42 બૉલ બાકી રાખીને પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો. વન-ડે ફૉર્મેટની ત્યારે આકસ્મિક શરૂઆત થઈ હતી, પરંતુ ત્યાર પછીની સ્ટોરી વિસ્ફોટક રહી.
1975માં વન-ડેનો પ્રથમ વિશ્વ કપ રમાયો હતો અને 28 વર્ષ બાદ (1999માં) વન-ડે ક્રિકેટમાં રમાયેલી મૅચોની તેમ જ પરિણામોની સંખ્યા ટેસ્ટ-ક્રિકેટની સરખામણીમાં ખૂબ આગળ નીકળી ગઈ હતી. બીજી રીતે કહીએ તો વન-ડે ઇન્ટરનૅશનલ ક્રિકેટનો જન્મ થયો ત્યારે ઉંમરમાં વન-ડે ફૉર્મેટ કરતાં 94 વર્ષ મોટી ટેસ્ટ-ક્રિકેટને વન-ડેએ મૅચોની સંખ્યા તથા રિઝલ્ટની દૃષ્ટિએ ઘણી પાછળ મૂકી દીધી હતી.
ક્રિકેટના નવા શૉટ્સ વન-ડેની જ દેન
મર્યાદિત ઓવર્સની ક્રિકેટે પાંચ દિવસની લાંબી ટેસ્ટ-ક્રિકેટને આ રમતની ગતિ, રણનીતિ તથા પ્રેક્ષકો-દર્શકોની અપેક્ષા, ત્રણેય બાબતમાં ક્રિકેટના પારંપારિક પરિપ્રેક્ષ્યને પૂર્ણપણે બદલી નાખ્યું હતું. શરૂઆતના સમયમાં જ્યારે 50 ઓવરમાં 210 રનનો ટીમ-સ્કોર સારો મનાતો હતો એમાં સમય જતાં ફેરફાર જોવા મળ્યો હતો અને 255-260નું ટોટલ સામાન્ય ગણાવા લાગ્યું હતું. આ ફૉર્મેટમાં ધીમે-ધીમે ચોગ્ગા-છગ્ગાની વર્ષા એટલી વધવા લાગી હતી કે 1980નો દાયકો આવ્યો ત્યાં સુધીમાં વન-ડે અને પાંચ-દિવસીય ટેસ્ટ-મૅચ વચ્ચે જમીન-આસમાનનો જે ફરક દેખાવા લાગ્યો એ ક્રિકેટના આ જ શૉટ્સની મહેરબાનીને કારણે હતો.
ગયા અઠવાડિયે રમાઈ 5,000મી વન-ડે
એ જ વન-ડે ફૉર્મેટ આજે ટી-20 ફૉર્મેટ સામે થાકી ગયેલું જોવા મળી રહ્યું છે. જોકે ક્રિકેટના મહત્તમ ચમકદાર આંકડા આ ફૉર્મેટ (વન-ડે)માં જ જોવા મળી રહ્યા છે. 2026ની સાતમી ઑગસ્ટે 5,000મી વન-ડે રમાઈ. નવાઈની વાત એ છે કે આ મૅચ રમવાનો અવસર વન-ડે ક્રિકેટના કોઈ મુખ્ય રાષ્ટ્રોને નહીં, પણ થોડા વર્ષોથી જ આ ફૉર્મેટમાં પ્રવેશેલા બે દેશને મળ્યો હતો.
સ્કૉટલૅન્ડના ડન્ડી શહેરમાં કૅનેડા સામે રમાયેલી એ મૅચ સ્કૉટલૅન્ડે મૅચની અંતિમ ઓવરમાં નવ રનથી જીતી લીધી હતી. આજે 50-50 ઓવરની વન-ડે અને છ બૉલની ઓવર સામાન્ય ગણાય છે, પણ 1971માં રમાયેલી સૌપ્રથમ વન-ડે 40-40 ઓવરની હતી અને ત્યારે બોલરે એક ઓવરમાં આઠ બૉલ ફેંકવાના હતા.
કોઈક 35-35 ઓવરની તો કોઈક...
1975 અને 1979માં રમાયેલી બન્ને વન-ડે વર્લ્ડ કપમાં 60-60 ઓવરની મૅચ રમાઈ હતી. બીજું આશ્ચર્ય એ વાતનું છે કે ત્યારે અલગ-અલગ દેશોમાં અલગ-અલગ ઓવરની સંખ્યાવાળી વન-ડે રમાતી હતી. ન્યૂ ઝીલૅન્ડમાં 35-35 ઓવરની,વેસ્ટ ઇન્ડિઝમાં 45-45 ઓવરની તેમ જ પાકિસ્તાન માં અલગ-અલગ સમયે 35-35, 40-40 કે 50-50 ઓવરની વન-ડે રમાતી હતી.
જોકે પછીથી વન-ડે મૅચ માટે 50-50 ઓવરનું એકસરખું ફૉર્મેટ નક્કી કરવામાં આવ્યું હતું. 1978માં 50-50 ઓવરની પ્રથમ વન-ડે વેસ્ટ ઇન્ડિઝમાં રમાઈ હતી અને પછીથી ઑસ્ટે્રલિયા તથા ન્યૂ ઝીલૅન્ડે પણ એ જ ફૉર્મેટ અપનાવ્યું હતું. જોકે 50-50 ઓવરનું ફૉર્મેટ જે પ્રથમ વર્લ્ડ કપમાં અપનાવાયું એ વર્લ્ડ કપ 1987માં ભારતમાં રમાયો હતો. 1996 બાદ આખી દુનિયામાં 50-50 ઓવરનું ફૉર્મેટ લાગુ થઈ ગયું હતું.
રંગીન જર્સીએ વન-ડેને સંગીન બનાવી
વન-ડે ફૉર્મેટ પંચાવન વર્ષનું થયું અને એની અવધિમાં એવી કોઈ વાત નથી જેમાં બદલાવ ન જોવા મળ્યો હોય. મૅચની ઓવરની સંખ્યા હોય, ઓવરમાં બૉલની સંખ્યા હોય કે ખેલાડીઓની જર્સીના રંગ અને પૅટર્નની વાત હોય. 1978-'79ની સીઝનમાં પહેલી વખત બન્ને હરીફ ટીમો રંગીન જર્સી પહેરીને મેદાન પર ઊતરી હતી.
ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓએ પીળી જર્સી અને વેસ્ટ ઇન્ડિઝના પ્લેયર્સે ગુલાબી જર્સી પહેરી હતી. વર્લ્ડ ઇલેવનના ખેલાડીઓને બ્લૂ રંગની જર્સી મળી હતી. ત્યાર બાદ એક દિવસીય મૅચ માટેના સમયમાં પણ ફેરફાર આવ્યો હતો. અગાઉ મૅચ હંમેશાં દિવસના પ્રકાશમાં જ રમાતી હતી, પણ પછીથી ડે-નાઇટ મૅચનો ટે્રન્ડ શરૂ થયો હતો જેમાં અડધી મૅચ ફ્લડલાઇટ્સમાં રમાતી હતી. રાત્રે લાલ બૉલ સ્પષ્ટ દેખાય નહીં એટલે પહેલી વખત સફેદ બૉલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ઓહ નો! દસેય ફીલ્ડર બાઉન્ડરીની આસપાસ!
1992નો વર્લ્ડ કપ પહેલી વખત આઇસીસી ટૂર્નામેન્ટ તરીકે રમાયો હતો જેમાં રંગીન જર્સી, ડે-નાઇટ મૅચ તેમ જ સફેદ બૉલ આ ત્રણેય અપનાવવામાં આવ્યા હતા. વન-ડેમાં નિયમો પણ ઘણી વખત બદલાયા છે. બોલિંગમાં તો ફેરફાર જોવા મળ્યા જ છે, બૅટિંગમાં અમુક પ્રકારના નવા શૉટ વન-ડે ફૉર્મેટની જ દેન છે. 1979માં ઇંગ્લૅન્ડના કૅપ્ટન માઇક બ્રિયરલીએ મૅચના અંતિમ બૉલ પહેલાં વિકેટકીપર સહિત તમામ 10 ફીલ્ડરને બાઉન્ડરી લાઇન પર ગોઠવી દીધા હતા કે જેથી બૅટ્સમૅન ચોગ્ગો કે છગ્ગો ન ફટકારી શકે. એને પગલે ફીલ્ડિંગમાં અમુક પ્રકારના નિયંત્રણો આવ્યા અને 1992માં પહેલી વખત એનો અમલ થયો હતો.
2005માં પહેલી વખત ક્રિકેટમાં પાવરપ્લેની શરૂઆત થઈ હતી. જોકે સૌથી વધુ નવા નિયમો વરસાદથી પ્રભાવિત થતી મૅચોને કારણે બદલાયા હતા. શરૂઆતમાં તો દરેક દેશ પોતાની મરજી મુજબ નિયમ બનાવતો હતો. ક્યારેક મૅચનું પરિણામ રન-રેટને આધારે આવતું હતું તો ક્યારેક પ્રથમ 45 ઓવરને આધારે ફેંસલો થતો હતો. 1991માં શારજાહ કપમાં નબળા પ્રકાશને લીધે સ્થિતિ એવી સર્જાઈ કે ખેલાડીઓ તેમ જ કૅપ્ટનોને ખબર નહોતી કે મૅચનું પરિણામ કેવી રીતે નક્કી કરી શકાશે! ત્યાર બાદ આઇસીસીએ તમામ દેશો માટે એકસમાન નિયમની પ્રક્રિયા શરૂ કરી અને 1997માં પહેલી વખત ડકવર્થ/લુઇસ નિયમ લાગુ થયો હતો.
ભારતીયોએ વન-ડેમાં વટ પાડ્યો
આજે જ્યારે ટી-20ની આતશબાજીની અસર ટેસ્ટ તથા વન-ડે મૅચમાં જોવા મળે છે એમ અગાઉ વન-ડેની ઇફેક્ટ ટેસ્ટ-ક્રિકેટ પર જોવા મળતી હતી. શરૂઆતની 1,000 વન-ડે મૅચમાં પ્રથમ ઇનિંગ્સમાં સરેરાશ 213.9 રન બનતા હતા, પણ છેલ્લી 1,000 વન-ડેમાં એ ઍવરેજ વધીને 250 રનની થઈ ગઈ છે. છેલ્લી 1,000 વન-ડે મૅચમાં 321 વખત 300થી વધુ ટીમ-ટોટલ જોવા મળ્યા છે તેમ જ 46 વખત 350-પ્લસ સ્કોર નોંધાયા છે. હવે ટીમો 300 રનના લક્ષ્યનો પીછો કરતા પણ અચકાતી નથી અને ઘણા કિસ્સામાં મેળવીને રહે છે.
આ પંચાવન વર્ષમાં વ્યક્તિગત રીતે જોઈએ તો સચિન તેન્ડુલકરના આ ફૉર્મેટમાં સૌથી વધુ 18426 રન છે, જ્યારે સૌથી વધુ 54 સેન્ચુરી વિરાટ કોહલીના નામે છે. ટેસ્ટ-ફૉર્મેટમાં સૌથી વધુ 800 વિકેટ લેનાર મુથૈયા મુરલીધરનની 534 વિકેટ વન-ડેમાં પણ હાઇએસ્ટ છે. વન-ડે ફૉર્મેટમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર રોહિત શર્મા (264)ના નામે છે અને સૌથી વધુ સિક્સર (369) પણ રોહિતના જ નામે છે.
ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો વર્લ્ડ રેકૉર્ડ એબી ડિવિલિયર્સ (31 બૉલમાં)ના નામે છે. ટેસ્ટ-ફૉર્મેટને ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને ટી-20 ફૉર્મેટ ટેક્નિક કરતાં વધુ મનોરંજક માનવામાં આવે છે. જોકે વન-ડે ફૉર્મેટમાં આ બન્ને જોવા મળે છે. આશા રાખીએ, પંચાવન વર્ષનું વન-ડે ફૉર્મેટ આવનારા દાયકાઓ સુધી ક્રિકેટરસિકોને મોજ કરાવતું રહે.