Mon May 25 2026

Logo

ટ્રમ્પની પાર્ટીમાં બળવો! ઇરાન જંગ પરના વોટિંગમાં 4 રિપબ્લિકનને ડેમોક્રેટ્સને સાથ આપ્યો

Wasington D.C.   2026-05-20 15:48:00
Author: mumbai samachar team
Article Image

વોશિંગ્ટનઃ અમેરિકન સંસદમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સૈન્ય શક્તિઓને મર્યાદિત કરતો પ્રસ્તાવ પસાર થઈ ગયો છે. મતદાનમાં 4 રિપબ્લિકન સાંસદોએ પણ વિરોધ પક્ષ ડેમોક્રેટ્સનો સાથ આપ્યો હતો. જોકે, 3 રિપબ્લિકન સાંસદો મતદાનમાં હાજર રહ્યા નહોતા.

આ પ્રસ્તાવ 50-47થી પસાર થયો છે, જોકે તેને કાયદો બનવા માટે હજી કેટલાક વધુ તબક્કાઓમાંથી પસાર થવું પડશે. જો આ પ્રસ્તાવ કાયદો બનશે, તો ટ્રમ્પ સરકારે ઈરાન સામે યુદ્ધ ચાલુ રાખવા માટે સંસદની મંજૂરી લેવી પડશે.

હજી સેનેટમાં આના પર અંતિમ મતદાન થવાનું બાકી છે. ત્યારબાદ આ પ્રસ્તાવને રિપબ્લિકન બહુમતી ધરાવતી 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ' માંથી મંજૂરી લેવી પડશે. જોકે, ત્યારપછી પણ ટ્રમ્પ આની વિરુદ્ધ વીટો વાપરી શકે છે. ફરીથી એ વીટોને રદ કરવા માટે સેનેટ અને હાઉસ બંને ગૃહમાં બે-તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે, જે હાલના સમયે મુશ્કેલ માનવામાં આવી રહી છે.

યુદ્ધ શરુ કરવાનો અધિકાર સંસદની પાસે હોય

આ મતદાન વિરોધ પક્ષ માટે એક મોટી જીત માનવામાં આવી રહી છે, જેઓ કહી રહ્યા હતા કે અમેરિકામાં યુદ્ધ શરૂ કરવાનો કે સેના મોકલવાનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે નહીં પરંતુ સંસદ પાસે હોવો જોઈએ. અમેરિકન બંધારણમાં પણ આ જ વ્યવસ્થા આપવામાં આવી છે.

આ પ્રસ્તાવ વર્જિનિયાના ડેમોક્રેટ સેનેટર ટિમ કેન લાવ્યા છે. ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે અત્યારે જ્યારે યુદ્ધવિરામની વાત થઈ રહી છે, ત્યારે ટ્રમ્પે સંસદની સામે આવીને પોતાની રણનીતિ જણાવવી જોઈએ.

ડેમોક્રેટ સેનેટર ટિમ કેને કહ્યું કે યુદ્ધ શરૂ કરવાનો અધિકાર સંસદ પાસે છે, માત્ર રાષ્ટ્રપતિ પાસે નહીં. બીજી તરફ વ્હાઇટ હાઉસનું કહેવું છે કે ટ્રમ્પે અમેરિકાની સુરક્ષા માટે પોતાના અધિકારો હેઠળ આ કાર્યવાહી કરી છે.

અમેરિકન કાયદા અનુસાર, કોઈપણ રાષ્ટ્રપતિ સંસદ (કોંગ્રેસ)ની મંજૂરી વિના માત્ર 60 દિવસ સુધી જ સૈન્ય કાર્યવાહી ચલાવી શકે છે. ત્યારબાદ કાં તો યુદ્ધ સમાપ્ત કરવું પડે છે અથવા સંસદની મંજૂરી લેવી પડે છે, અથવા તો સેનાની સુરક્ષિત વાપસી માટે 30 દિવસની વધારાની મુદ્દત માંગવી પડે છે.