Thu Jun 25 2026

Logo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 11 કમિટીના હોદ્દેદારોના નામની જાહેરાત થઈ

2026-06-25 18:49:24
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી. જેમાં 11 કમિટીના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન સહિતના હોદ્દેદારોની નિમણૂક થઈ હતી. સામાન્ય સભા પહેલા સત્તાધારી પક્ષ ભાજપની મળેલી એજન્ડા બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, હિતેશ બારોટ સહિતના સંગઠનના પદાધિકારીઓ દ્વારા કમિટીઓના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનના નામ સહિત સભ્યોની જાહેરાત કરવામાં આવી હતી. AMTS કમિટીના ચેરમેન તરીકે શહેર ભાજપ પૂર્વ મહામંત્રી પરાગ નાયકની નિમણૂક કરવામાં આવી હતી. 

ધરમશી દેસાઈની વોટર સપ્લાય કમિટી, જૈનિક વકીલની રોડ અને બિલ્ડિંગ કમિટી, દીપક પંચાલની હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી, ભાગ્યેશ પટેલની ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટી, જીતેન્દ્ર ખચરિયાની રીક્રીએશન એન્ડ હેરિટેજ કમિટી, વિપુલ પટેલની લીગલ કમિટી, મુકેશ પટેલની રેવન્યુ કમિટી, ડૉ. ચાંદની પટેલની હૉસ્પિટલ કમિટી, હિતેન્દ્ર પરમારની મટીરીયલ મેનેજમેન્ટ કમિટી, દર્શન શાહની હાઉસિંગ એન્ડ ઈમ્પ્રુવમેન્ટ કમિટી, ડિમ્પલ વરદાયનીની મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનની 11 પેટા કમિટીઓના સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી હતી. વિપક્ષના કોર્પોરેટરોને અન્ય કમિટીમાં નિમણૂક આપવા અંગેની માગ દરિયાપુર વોર્ડના કોર્પોરેટર નીરવ બક્ષી દ્વારા કરવામાં આવી હતી. આ અંગે મેયર હિતેશ બારોટે કહ્યું, 25 વર્ષ પહેલા તમે કમિટીમાં નિમણૂક આપી નહોતી અને એ જ પરંપરા અત્યાર સુધી ચાલી રહી છે. પ્રજાના કામ કોર્પોરેટર બનીને પણ કરી શકાય છે.

આ પહેલા સામાન્ય સભાની શરૂઆત થઈ ત્યારે મેયર હિતેશ બારોટ વંદે માતરમ ગીત દરિયાન મોબાઈલ ફોનના ઉપયોગને લઈ ગુસ્સે ભરાયા હતા અને તમામ કોર્પોરેટરોને ફોન બહાર મુકીને આવવા અથવા તો સ્વીચ ઓફ કરવા ટકોર કરી હતી. જેને લઈ સામાન્ય સભામાં સન્નાટો છવાઈ ગયો હતો.