Fri Jun 19 2026

Logo

પુણેના લોહગઢ કિલ્લામાં જન્મદિવસે ટ્રેકિંગ કરવા ગયેલો યુવક 350 ફૂટ ઊંડી ખીણમાં પડ્યો, ઘટનાસ્થળે જ મોત

2026-06-19 13:01:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મહારાષ્ટ્રના પુણેથી એક ખૂબ જ દુ:ખદ ઘટના સામે આવી છે. લોનાવલામાં પોતાનો જન્મદિવસ ઉજવવા ટ્રેકિંગ પર ગયેલા 24 વર્ષના યુવક કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લામાં ઊંડી ખીણમાં પડવાથી મોત નીપજ્યું છે. ગહુંજેની લોઢા બેલમોન્ડો સોસાયટીના રહેવાસી કેતનનો પગ કિલ્લાની ભીની અને લપસણી સપાટીના કારણે અચાનક ડગમગી ગયો હતો, જેના લીધે તે સીધો ઊંડી ખીણમાં જઈ પડ્યો.

અકસ્માતની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને રેસ્ક્યુ (બચાવ) ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, પરંતુ ગંભીર ઈજાઓ થવાને કારણે હોસ્પિટલ લઈ જતાં ડોક્ટરોએ કેતનને મૃત જાહેર કર્યો હતો. અહેવાલો અનુસાર, 24 વર્ષીય યુવક કેતન વિશાલ અગ્રવાલ પોતાના જન્મદિવસ પર ટ્રેકિંગ કરવા ગયો હતો. આ દરમિયાન પગ લપસવાને કારણે તેનું સંતુલન બગડ્યું અને તે ઊંડી ખીણમાં ખાબક્યો, જેના કારણે તેનું મોત થયું.

ઘટનાની માહિતી મળતાની સાથે જ લોનાવલા ગ્રામીણ પોલીસ, શિવદુર્ગ મિત્ર લોનાવલા અને માવળ વન્યજીવ રક્ષક સંગઠનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દુર્ગમ વિસ્તારમાં ભારે જહેમત બાદ રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને કેતનના મૃતદેહને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પરિવાર માટે આ અકસ્માત એટલા માટે પણ વધુ પીડાદાયક છે કારણ કે કેતનના જીવનમાં ખુશીઓનો એક નવો અધ્યાય શરૂ થવાનો હતો. 19 જૂને તેની ભાવી પત્ની (મંગેતર) નો જન્મદિવસ હતો, જેના માટે તેણે ખાસ તૈયારીઓ કરી હતી. જન્મદિવસે મહાબળેશ્વરમાં સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના માટેની તમામ વ્યવસ્થાઓ પણ લગભગ પૂરી થઈ ગઈ હતી.

એટલું જ નહીં, આવતા મહિને જયપુરમાં તેમના ભવ્ય લગ્નનું આયોજન થવાનું હતું. પરિવાર દ્વારા આ લગ્ન પ્રસંગની તૈયારીઓ ખૂબ જ મોટા પાયે કરવામાં આવી રહી હતી. માહિતી મુજબ, લગ્ન માટે જયપુરમાં એક શાનદાર પેલેસ બુક કરવામાં આવ્યો હતો. મહેમાનોની અવરજવર માટે બે ખાસ વિમાન (ચાર્ટર પ્લેન) ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ લગ્નની તૈયારીઓ અને ખુશીઓની વચ્ચે આ અકસ્માતથી આખો પરિવાર ઊંડા આઘાતમાં સરી પડ્યો છે.