Mon Jul 27 2026

Logo

રનવે નથી છતાં વિમાન ઉતરે છે! દુનિયાનું આ અનોખું એરપોર્ટ જોઈને તમે પણ ચોંકી જશો

Scotland   2026-07-17 14:57:00
Author: Darshana Visaria
Article Image

સામાન્ય રીતે એરપોર્ટ, રનવે, લેન્ડિંગ અને ટેક ઓફનું નામ સાંભળતા જ આપણા મનમાં કૉંક્રીટ અને ડામરના મજબૂત રનવેનું ચિત્ર ઉપસે છે. પરંતુ શું તમે ક્યારેય કોઈ એવા એરપોર્ટ વિશે સાંભળ્યું છે કે જ્યાં ફ્લાઈટનો લેન્ડિંગ અને ટેકઓફનો સમય સમુદ્ર નક્કી કરતો હોય કે પછી આ રનવે પર વિમાન સમુદ્રની માટીમાં લેન્ડ થતું હોય? ચાલો આજે તમને દુનિયાના આ અનોખા રનવે વિશે જણાવીએ... 

આ અનોખું રનવે ધરાવતું એરપોર્ટ સ્કોટલેન્ડના દૂરના વિસ્તારમાં આવેલું 'બારા એરપોર્ટ' (Bara Airport) છે અને દુનિયાના તમામ એરપોર્ટ કરતાં એકદમ અલગ અને રોમાંચક છે. આ એરપોર્ટ એક એવી જગ્યાએ આવેલું છે જ્યાં વિમાનો ઉતારવા માટે કોઈ પાકો રનવે નથી, પરંતુ પ્રકૃતિની ગોદ સમાન સમુદ્રનો રેતાળ કિનારો છે.

બારા એરપોર્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીંની ફ્લાઈટ્સનું ટાઈમ ટેબલ માણસો નહીં, પણ કુદરત નક્કી કરે છે. આ એરપોર્ટ 'ટ્રેગ મ્હોર' નામના દરિયાકિનારે આવેલું છે. જ્યારે સમુદ્રમાં ભરતી આવે છે ત્યારે આખો રનવે પાણીમાં ડૂબી જાય છે. તેથી, જ્યારે ઓટ આવે અને પાણી પાછું ખેંચાય, ત્યારે જ વિમાનોને ઉતારવા કે ઉડાન ભરવા માટે રેતીનો રનવે ખાલી મળે છે. આ કારણે અહીં દરેક ફ્લાઈટનો સમય દરિયાની સ્થિતિ મુજબ બદલાતો રહે છે.

જ્યારે અહીં કોઈ ફ્લાઈટ આવવાની ન હોય, ત્યારે આ રનવે એક સામાન્ય દરિયાકિનારામાં ફેરવાઈ જાય છે.
 આશ્ચર્યની વાત એ છે કે દુનિયાનું આ કદાચ એકમાત્ર એવું કોમર્શિયલ એરપોર્ટ હશે જ્યાં સામાન્ય લોકોને સુરક્ષાના કડક નિયમો વગર રનવે પર ફરવાની છૂટ મળે છે. અહીં સ્થાનિકો અને પ્રવાસીઓ રેતીમાં ટહેલી શકે છે અને શંખ-સીપલાં વીણી શકે છે.

આવા કુદરતી અને રેતીના રનવે પર લેન્ડિંગ કરવું પાઈલટ માટે પડકારજનક હોય છે, કારણ કે અહીં કોઈ આધુનિક લાઈટિંગ કે સિગ્નલિંગ સિસ્ટમ નથી. આ સમસ્યાનો ઉકેલ એકદમ દેશી રીતે લાવવામાં આવ્યો છે.

દરિયાકિનારે અમુક ચોક્કસ અંતરે લાકડાના મોટા ડંડા ખોડવામાં આવ્યા છે. પાઈલટ આ ડંડાના આધારે રનવેની સીમા અને દિશા સમજીને વિમાનને સુરક્ષિત રીતે ઉતારે છે. બારા એરપોર્ટ આજે પોતાની આ અનોખી બનાવટને કારણે દુનિયાભરના પ્રવાસીઓ માટે સાહસ અને કુતૂહલનું કેન્દ્ર બની ગયું છે.

છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસથી શેર કરજો. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.