Wed Aug 19 2026

Logo

World Lion Day Special: સિંહ વિશેના અદ્ભુત ફેક્ટ્સ જાણો છો? 16 કલાકની ઉંઘથી લઈને આઠ કિલોમીટર દૂર સુધી સંભળાતી ગર્જના

2026-08-10 14:03:00
Author: Darshana Visaria
Article Image

દર વર્ષે સમગ્ર વિશ્વમાં 10મી ઓગસ્ટના રોજ 'વિશ્વ સિંહ દિવસ' (World Lion Day)ની ઉજવણી કરવામાં આવે છે. સિંહને સદીઓથી શૌર્ય, તાકાત અને સામ્રાજ્યનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ જંગલના આ રાજા વિશે એવી કેટલીક રસપ્રદ અને આશ્ચર્યજનક બાબતો છે, જેનાથી મોટાભાગના લોકો અજાણ છે. સિંહની ગર્જનાથી લઈને તેની રહેણીકરણી અને શિકાર કરવાની પદ્ધતિ તેને અન્ય તમામ પ્રાણીઓથી અલગ બનાવે છે. આજે આપણે વર્લ્ડ લાયન ડેના દિવસે સિંહ વિશેના આવા જ કેટલાક હિડન ફેક્ટ્સ વિશે વાત કરીશું. 

આઠ કિલોમીટર દૂર સુધી સંભળાય છે ગર્જના:
સિંહની ગર્જના એટલી દમદાર અને શક્તિશાળી હોય છે કે તેનો અવાજ આશરે આઠેક કિલોમીટર દૂર સુધી સ્પષ્ટપણે સાંભળી શકાય છે. સિંહ સામાન્ય રીતે પોતાનો વિસ્તાર એટલે કે ટેરેટરી બતાવવા માટે કે પોતાના ઝૂંડ સાથે સંપર્ક કરવા માટે ગર્જના કરે છે.

સિંહ નહીં, પરંતુ સિંહણ કરે છે 90 ટકા શિકાર:
જંગલમાં શિકાર કરવાની પ્રાથમિક જવાબદારી સિંહણની હોય છે. એક જૂથમાં લગભગ 90 ટકા શિકાર સિંહણ દ્વારા જ કરવામાં આવે છે. સિંહ સામાન્ય રીતે પોતાના પરિવાર અને વિસ્તારની સુરક્ષા કરે છે અને ભારે શિકાર વખતે જ સિંહણની મદદ માટે આગળ આવે છે.

દિવસમાં 20 કલાક સુધીની ઉંઘ:
સિંહને આળસુ અથવા વધુ આરામપ્રિય પ્રાણી ગણી શકાય, કારણ કે તે દિવસના 16થી 20 કલાક સુધી ઊંઘવામાં કે આરામ કરવામાં વિતાવે છે. તેઓ મુખ્યત્વે રાતના સમયે કે પછી વહેલી સવારે વધારે એક્ટિવ હોય છે.

સામાજિક પ્રાણી છે સિંહઃ
તમામ કેટ ફેમિલીના પ્રાણીઓમાં માત્ર સિંહ જ એવું પ્રાણી છે જે સમૂહમાં રહેવાનું પસંદ કરે છે. સિંહોના આ સમૂહને 'પ્રાઈડ' કહેવામાં આવે છે. એક પ્રાઈડમાં સામાન્ય રીતે બેથી ત્રણ નર સિંહ, દસથી વધુ સિંહણ અને તેમના બચ્ચાંઓનો સમાવેશ થાય છે.

ઝડપ અને ઝાડ પર ચડવાની ક્ષમતા:
સિંહ ભારે શરીર ધરાવતો હોવા છતાં ટૂંકા અંતર માટે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. આ ઉપરાંત, કેટલીક પ્રજાતિના સિંહો ઝાડ પર ચડવામાં અને તેના પર આરામ કરવામાં પણ નિપુણ હોય છે.

એશિયાઈ સિંહોનું એકમાત્ર ઘર: ગુજરાતનું ગીર:
સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહ માત્ર અને માત્ર ભારતમાં ગુજરાતના ગીર નેશનલ પાર્ક અને તેની આસપાસના વિસ્તારોમાં જ જોવા મળે છે, જે ભારત અને ગુજરાત માટે ખૂબ જ ગૌરવની બાબત છે.