Sun Mar 08 2026

Logo

T20 World Cup 2026: વર્લ્ડ કપના પાંચ કૅપ્ટનની ખુરસી ખતરામાં!

1 week ago
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ ટી-20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમે ભાગ લીધો અને એમાં ઘણા કૅપ્ટનોની વાહ-વાહ થઈ રહી છે જેમાં ખાસ કરીને સેમિ ફાઇનલમાં કુલ જે ચાર ટીમ પહોંચશે એના સુકાનીઓ પર પ્રશંસાનો વરસાદ થશે, પરંતુ પાંચ ટીમ એવી છે જેનું નેતૃત્વ (captaincy) સંભાળનારાઓ પર લટકતી તલવાર છે એમ કહી શકાય.

આઠમી માર્ચે ફાઇનલ રમાશે ત્યાં સુધીમાં કેટલીક ટીમના કૅપ્ટનો પદ ગુમાવી ચૂક્યા હશે અને બીજા કેટલાક ગુમાવવાની તૈયારીમાં હશે. આમાં ખાસ કરીને પાકિસ્તાનના સલમાન અલી આગા અને શ્રીલંકાના દાસુન શનાકાના નામ સૌથી આગળ છે.

સલમાન આગા

અત્યારે સૌથી વધુ ખતરો પાકિસ્તાનના કૅપ્ટન સલમાન આગા (Salman Agha)ને છે. આ ટીમ સેમિ ફાઇનલની રેસની બહાર થઈ જવાની તૈયારીમાં છે. પાકિસ્તાનમાં તો કૅપ્ટન અને કોચની થોડા મહિનાની અંદર બદલી કરી નાખવાનો રિવાજ છે. આ વર્લ્ડ કપમાં ભારત સામેની નાલેશી થઈ એ સાથે પાકિસ્તાનની ટીમ અને ખુદ સલમાન આગા જે રીતે પર્ફોર્મ કરી રહ્યા છે એ જોતાં સલમાનની કૅપ્ટન્સી ખતરામાં છે. પાકિસ્તાન જો સેમિ ફાઇનલમાં નહીં પહોંચે તો સલમાનની કૅપ્ટન્સી ગઈ જ સમજો.

દાસુન શનાકા

સહ-યજમાન શ્રીલંકા બુધવારે કોલંબોમાં ન્યૂ ઝીલૅન્ડ સામેના પરાજયને પગલે સેમિ ફાઇનલની રેસની બહાર થઈ ગયું એટલે દેશભરમાં ક્રિકેટપ્રેમીઓએ શ્રીલંકન ટીમ પર રોષ ઠાલવ્યો છે. દાસુન શનાકાને વર્લ્ડ કપના બે મહિના પહેલાં સુકાન સોંપવામાં આવ્યું હતું. વર્લ્ડ કપમાં તેણે લીધેલા કેટલાક નિર્ણયો ચર્ચાસ્પદ છે. શ્રીલંકાની કૅપ્ટન્સીમાં ફેરફાર થશે તો નવાઈ નહીં લાગે.

મિચલ માર્શ

2022નું ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા આ વખતે સુપર-એઇટ રાઉન્ડમાં પણ ન પહોંચી શક્યું. ખાસ કરીને ઝિમ્બાબ્વે સામેની હાર મિચલ માર્શની ટીમને ભારે પડી. 2009 પછી પહેલી વાર ઑસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપના પહેલા રાઉન્ડમાંથી પોતાની બાદબાકી થતી જોવી પડી. 34 વર્ષના માર્શની બૅટિંગ સારી હતી, પણ તેની ફિટનેસ ચર્ચામાં હતી. હવે પછીનો વર્લ્ડ કપ બે વર્ષ દૂર હોવાથી ઑસ્ટ્રેલિયાની કૅપ્ટન્સીમાં ફેરફાર થશે એ નક્કી જણાય છે.

રાશીદ ખાન

અફઘાનિસ્તાને 2024ના વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવવાની સાથે સનસનાટી મચાવી દીધી હતી, પણ આ વખતે રાશીદ ખાનના નેતૃત્વમાં આ ટીમ પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ. સુપર-એઇટથી વંચિત રહી જવાને કારણે રાશીદની કૅપ્ટન્સી સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. કહેવાય છે કે તેની જગ્યાએ ઇબ્રાહિમ ઝડ્રાનને સુકાન સોંપાશે.

સૂર્યકુમાર યાદવ

ભારતીય કૅપ્ટનનું નામ આ લિસ્ટમાં વાંચીને આંચકો લાગ્યો જ હશે, પણ જો ભારત સેમિ ફાઇનલમાં નહીં પહોંચે તો સૂર્યા પાસેથી (સમય જતાં) કૅપ્ટન્સી પાછી લઈ લેવાશે તો નવાઈ નહીં લાગે. મુખ્ય કારણ એ છે કે નેતૃત્વના બોજમાં 36 વર્ષનો સૂર્યા સતતપણે સારી બૅટિંગ નથી કરી શક્તો.