Tue Oct 06 2026

Logo

ભારતીય ક્રિકેટરોએ અમ્પાયરને વાઇડ બૉલ રદ કરવાની ફરજ પાડી અને ભારત પરાજયના આઘાતથી બચ્યું

Sano   2026-09-22 18:28:00
Author: Ajay Motiwala
ભારતીય ક્રિકેટરોએ અમ્પાયરને વાઇડ બૉલ રદ કરવાની ફરજ પાડી અને ભારત પરાજયના આઘાતથી બચ્યું

સૅનો (જાપાન)ઃ અહીં એશિયન ગેમ્સની મેન્સ ટી-20 ટૂર્નામેન્ટ પહેલાંની વિશિષ્ટ મૅચમાં વર્લ્ડ ચૅમ્પિયન ભારતના કેટલાક ખેલાડીઓએ અમ્પાયરને છેલ્લી ઓવરનો વાઇડ બૉલ રદ કરવાની ફરજ ન પાડી હોત તો કદાચ જાપાન એ મુકાબલો જીતી ગયું હોત અને ભારત માટે શર્મનાક સ્થિતિ સર્જાઈ હોત.

વરસાદને કારણે આ મૅચ 20-20ને બદલે પાંચ-પાંચ ઓવરની થઈ ગઈ હતી. ભારતે પ્રથમ બૅટિંગ લીધા પછી પાંચ ઓવરમાં (30 બૉલમાં) ચાર વિકેટે ફક્ત 32 રન બનાવ્યા હતા. જાપાન જવાબમાં 30 બૉલમાં ત્રણ વિકેટે 30 રન બનાવી શક્યું અને ભારતનો માત્ર બે રનથી વિજય થયો હતો.

જાપાનના છેલ્લા ચાર બૉલમાં છ રન બાકી હતા!

છેલ્લા ચાર બૉલમાં જાપાને જીતવા માટે ફક્ત છ રન બનાવવાના હતા. જાપાને એ જરૂરી રન બનાવી લીધા હોત તો ક્રિકેટના ઇતિહાસના સૌથી મોટા અપસેટ તરીકે એ મૅચ રેકૉર્ડ-બુકમાં લખાઈ ગઈ હોત. એ અંતિમ ઓવર સ્પિનર અક્ષર પટેલે કરી હતી. ત્રીજો બૉલ લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન ઍલેક્ઝાંડર શિરાઇ-પૅડમોરને ફેંકવામાં આવ્યો હતો.

અક્ષર (Axar)નો એ બૉલ લેગ-સ્ટમ્પ પર પડ્યો ત્યારે ઍલેક્ઝાંડરે અચાનક સ્ટાન્સ બદલ્યું હતું અને (સ્વિચ-હિટ)માં તેણે રાઇટ-હૅન્ડ બનીને બૉલને ફટકારવાનો પ્રયાસ કર્યો હતો, પણ એમાં તે ચૂકી ગયો હતો. અમ્પાયર ક્રિસ થર્ગેટે એને વાઇડ (Wide) બૉલ જાહેર કર્યો હતો.

થર્ડ અમ્પાયર હતા જ નહીં!

આ મૅચ આંતરરાષ્ટ્રીય હતી અને જાપાન માટે ઐતિહાસિક હતી, પરંતુ એમાં થર્ડ અમ્પાયર (ટીવી અમ્પાયર) રાખવામાં જ નહોતા આવ્યા. પરિણામે, જેને વાઇડ બૉલ જાહેર કરવામાં આવ્યો એ સામે ખુદ અક્ષર તેમ જ વિકેટકીપર સંજુ સૅમસન અને કૅપ્ટન શ્રેયસ ઐયરે વિરોધ કર્યો હતો.

બૅટ્સમૅન ઍલેક્ઝાંડરે સ્ટાન્સ બદલીને શૉટ મારવાનો પ્રવાસ કર્યો એટલે એ વાઇડ બૉલ ન ગણાય એવી ભારતીયોની દલીલ હતી અને અમ્પાયરે પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો. જો ભારતીયોએ આ દલીલ ન કરી હોત અને જાપાનને સ્કોર 27 પરથી 28 થઈ ગયો હોત તો પછીથી તેઓ એ મૅચ જીતી શક્યા હોત અને વર્લ્ડ નંબર-વન ભારતની નામોશી થઈ હોત.