આપણામાંથી મોટાભાગના લોકોએ વાત તો જાણે છે કે દરિયા કે સમુદ્રનું પાણી અત્યંત ખારું હોય છે, પરંતુ શું તમે જાણો છો કે આ પાછળનું કારણ શું છે? તમને જાણીને નવાઈ લાગશે કે સમુદ્રમાં આ ખારાશ કોઈ એક દિવસમાં નથી આવી. તેની પાછળ લાખો વર્ષોથી ચાલતી એક ધીમી ભૌગોલિક પ્રક્રિયા જવાબદાર છે. ચાલો આ સ્ટોરીના માધ્યમથી આપણે સમજીએ કે શું છે આ પ્રક્રિયા અને તે કઈ રીતે કામ કરે છે-
વરસાદનું પાણી હવામાંથી કાર્બન ડાયોક્સાઈડ સોષે છે, જેના કારણે તે થોડું એસિડિક બને છે. જ્યારે આ એસિડિક વરસાદ જમીન પરના ખડકો પર પડે છે, ત્યારે તે ખડકોનું ધોવાણ કરે છે. આ પ્રક્રિયા દરમિયાન ખડકોમાંથી સોડિયમ અને ક્લોરાઈડ જેવા મિનરલ્સ મુક્ત થાય છે, જે પાણીમાં ભળીને નદીઓ દ્વારા સમુદ્રમાં પહોંચે છે.
નદીઓ પર્વતો અને મેદાનોમાંથી વહેતી વખતે પોતાની સાથે ઓગળેલું મીઠું અને મિનરલ્સ સતત સમુદ્રમાં લઈ જાય છે. જોકે નદીના પાણીમાં મીઠાનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ અબજો વર્ષોથી આ પ્રક્રિયા ચાલુ હોવાથી સમુદ્રમાં મીઠાનો મોટો જથ્થો જમા થઈ ગયો છે. સૂર્યની ગરમીને કારણે સમુદ્રના પાણીનું બાષ્પીભવન (Evaporation) થાય છે, જેનાથી વાદળો બંધાય છે. જ્યારે પાણી વરાળ બનીને ઉડે છે, ત્યારે તે પોતાની પાછળ ઓગળેલું મીઠું છોડી જાય છે. આ ચક્ર સતત ચાલતું રહેવાને કારણે સમુદ્રમાં મીઠાની સાંદ્રતા વધતી જાય છે.
સમુદ્રની સપાટી નીચે રહેલા હાઈડ્રોથર્મલ વેન્ટ્સ (Hydrothermal Vents) અને જ્વાળામુખીઓ સીધા જ સમુદ્રના પાણીમાં મિનરલ્સ અને મીઠું છોડે છે. આ પ્રક્રિયા દરિયાના પાણીના રાસાયણિક બંધારણમાં મહત્વનો ફાળો આપે છે અને ખારાશ વધારે છે.
વાત કરીએ નદીઓનું પાણી કેમ ખારું નથી હોતું અને નદીઓનું પાણી મીઠું હોય છે. નદીઓનું પાણી સતત વહેતું રહે છે અને છેવટે સમુદ્રમાં મળી જાય છે. નદીઓ લાંબા સમય સુધી પાણીને રોકી રાખતી નથી, તેથી ત્યાં મીઠું જમા થતું નથી. જ્યારે સમુદ્ર આ તમામ મિનરલ્સ માટે 'છેલ્લું કલેક્શન પોઈન્ટ' છે, જ્યાંથી પાણી બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી સિવાય કે બાષ્પીભવન.
સરેરાશ જોઈએ તો, સમુદ્રના પાણીમાં 3.5 ટકા ખારાશ હોય છે. એટલે કે, એક કિલોગ્રામ દરિયાના પાણીમાં આશરે 35 ગ્રામ મીઠું ઓગળેલું હોય છે. છે ને એકદમ કામની અને જાણવાલાયક માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...