Sat Apr 11 2026

Logo

જંગની આગથી વધુ ચળકવાને બદલે સોનું કેમ પીગળી રહ્યું છે?

2026-04-01 08:56:00
Author: Nilesh vaghela
Article Image

કવર સ્ટોરી - નિલેશ વાઘેલા

સામાન્ય રીતે યુદ્ધનું રણશિંગુ વાગે કે તરત પહેલી અસર સોનાના ભાવ પર પડે અને તે સ્પ્રીંગની જેમ ઉછળીને આસમાને પહોંચવા મથે છે. જોકે, આ વખતે સોનાએ વણલખી ઉપરોક્ત પ્રથાને અવગણીને અવળી ગતિ પકડી છે. પશ્ર્ચિમ એશિયાનું યુદ્ધ શરૂ થયું ત્યારથી સોનાના ભાવ એકંદરે સતત ઘટી રહ્યા છે! જંગની આગથી વધુ ચળકવાને બદલે વિપરીત દિશામાં જઇને સોનું પીગળી કેમ રહ્યું છે? ચાલો એ જાણવાનો પ્રયાસ કરીએ. 

અલબત્ત, રિઝર્વ બેન્ક દ્વારા લેવામાં આવેલા કેટલાક પગલાને કારણે તેમ જ ફોરેક્સ માર્કેટને અસરકર્તા કેટલાંક પરિબળોને લીધે સોનાના ભાવમાં અલ્પકાલીન સુધારો ભલે જોવાયો હોય, પરંતુ ઇરાન પર અમેરિકા અને ઇઝરાયલે હુમલા શરૂ કર્યા ત્યારથી અત્યાર સુધીમાં એક અંદાજે સોનાના ભાવમાં 18 ટકા જેટલોે ઘટાડો થયો છે.ગ્લોબલ માર્કેટમાં ગોલ્ડમાં ઓલટાઇમ હાઇ સપાટી સામે 25 ટકાનો કડાકો બોલાયો છે.

યુદ્ધની ભીષણતા વચ્ચે ક્રૂડ ઓઇલમાં આવેલા ઉછાળા બાદ આ વખતે સેફ હેવન એસેટનું સ્થાન સોના પાસેથી ડોલરે આંચકી લીધું છે. અમેરિકન ફેડરલ રિઝર્વના આક્રમક વલણ, ગયા વર્ષની તેજી બાદનું પ્રોફિટ બુકિંગ અને યુએસ બોન્ડ યીલ્ડની ઝડપી આગેકૂચે સેન્ટિમેન્ટ પર વધુ ભાર મૂક્યો હોવાને કારણે ઇન્વેસ્ટર્સ સાઇડ લાઇન રહ્યા છે. 

સામાન્ય રીતે અનિશ્ર્ચિત સમયગાળામાં સેફ હેવન એસેટનું સ્થાન સોનાને યુગોથી અપાઇ રહ્યું છે. આ વખતે જોકે અખાતી યુદ્ધે આ ગણિત બદલી નાખ્યું છે. પશ્ર્ચિમ એશિયામાં વધતા જતા સંઘર્ષ છતાં આ કિંમતી ધાતુના ભાવમાં એક અંદાજે લગભગ 18 ટકા અથવા પ્રતિ 10 ગ્રામ રૂ. 29,000નું ધોવાણ થયું છે. મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા આ યુદ્ધમાં યુનાઇટેડ સ્ટેટ્સ, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે સતત લશ્કરી અથડામણ વધતી જ જઇ રહી છે. 

આ સમયગાળા દરમિયાન, વિશ્ર્વની સૌથી મહત્ત્વપૂર્ણ જણસ, ક્રૂડ ઓઇલ 112ના સ્તરને વટાવી ગયું છે, જેનાથી વૈશ્ર્વિક બજારોમાં ખળભળાટ મચી ગયો છે. સામાન્ય સંજોગોેમાં, આવી પૃષ્ઠભૂમિ કિંમતી ધાતુઓને મજબૂત ટેકો આપે છે, પરંતુ આ વખતે સોનાએ વિપરીત દિશા પકડી હોવાથી ઇન્વેસ્ટર વર્ગ પણ અચંબામાંં છે. મધ્યપૂર્વ યુદ્ધના કારણે ફુગાવો વકરવાના ભયને કારણે પણ સોનાના ભાવ ગબડી રહ્યા છે.

 

નિષ્ણાતો અનુસાર હાલમાં સોના પર ભાર મૂકતું એક મુખ્ય પરિબળ યુએસ ડોલરની નવી મજબૂતાઈ છે. ભૂ-રાજકીય અનિશ્ર્ચિતતાના સમયમાં રોકાણકારો ફક્ત સોનામાં જ નહીં, પરંતુ ડોલરમાં પણ રોકાણ કરવાનું વલણ ધરાવે છે, જે ઊંડી તરલતા અને વ્યાપક વૈશ્ર્વિક સ્વીકૃતિ પૂરી પાડે છે. યુએસ ડોલર ઇન્ડેક્સ (ડીએક્સવાય) ફેબ્રુઆરીના મધ્યમાં લગભગ 97 ડોલરથી માર્ચના મધ્ય સુધીમાં 100.15 પર ઝડપથી વધી ગયો હતો, જે ગ્રીનબેકમાં મજબૂત સેફ હેવન પ્રવાહને દર્શાવે છે.

સોનાની કિંમત ડોલરમાં હોવાથી, મજબૂત ચલણ અન્ય ચલણો ધરાવતા લોકો માટે બુલિયનને વધુ મોંઘુ બનાવે છે, જેના કારણે રોકાણ અને ભૌતિક માગ બંનેમાં ઘટાડો થાય છે. પરિણામે, ભૂ-રાજકીય તણાવ સોનાને જે સામાન્ય રીતે નુકસાન પહોંચાડે છે તે ડોલરના તીવ્ર સુધારા દ્વારા મોટાભાગે સરભર કરવામાં આવ્યું છે.

બુલિયન સેગમેન્ટના ટોચના એનાલિસ્ટે જણાવ્યું કે, ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો અને વધતા ભૂરાજકીય તણાવે શરૂઆતમાં વ્યાપક રિસ્ક ઓફ સેન્ટિમેન્ટ  ઊભું કર્યું, જેણે રોકાણકારોને રોકડ એકત્ર કરવા અને એસેટ વર્ગોમાં લિવરેજ્ડ પોઝિશન કાપવા પ્રેર્યા. આવા તબક્કામાં સોના જેવી પરંપરાગત સેફ હેવન સંપત્તિઓ પણ ટૂંકા ગાળાના વેચાણ દબાણનો સામનો કરી શકે છે, કારણ કે રોકાણકારો માર્જિન કોલ્સને પહોંચી વળવા અથવા પોર્ટફોલિયોને ફરીથી સંતુલિત કરવા માટે હોલ્ડિંગ્સને લિક્વિડેટ કરે છે. 

 

આ વાતાવરણ યિલ્ડ બેરિંગ સંપત્તિઓને મજબૂત બનાવે છે અને ભૂરાજકીય ઊથલપાથલ દરમિયાન પણ સોનાની આકર્ષણને નબળી પાડે છે. અમેરિકન ફેડરલ રિઝર્વે તેની નવીનતમ પોલિસી દરમિયાન તેના બેન્ચમાર્ક વ્યાજ દરને 3.5 ટકાથી 3.75 ટકાના સ્તર પર યથાવત્ રાખ્યો હતો. યુએસ ફેડરલ રિઝર્વે જોકે એ જ સાથે હોકિસ સ્ટાન્સ જાહેર કરીને દર ઘટાડવાની ઓછી શક્યતા હોવાના સંકેત આપ્યા.

 

આ ઉપરાંત સોનાના ભાવની ઓટનું એક કારણ 2025ના શાનદાર રોકાણ પછી નફો ગાંઠે બાંધવાની પ્રવૃત્તિ પણ છે. પશ્ર્ચિમ એશિયાનો સંઘર્ષ શરૂ થયો તે પહેલાં જ સોનામાં એક શક્તિશાળી ઉછાળો જોવા મળ્યો હતો, ફક્ત 2025માં જ સોનાના ભાવમાં અસાધારણ 70 ટકાનો વધારો થયો હતો. આટલી તીવ્ર તેજી પછી, મૂલ્યાંકનમાં વધારો થયો હતો, જેના કારણે રોકાણકારો ઊંચા સ્તરે નવા રોકાણ ઉમેરવામાં અચકાતા હતા. 

ખાડી દેશોમાં સંઘર્ષમાં યુદ્ધની ભીષણતામાં વધારો થતાં અસ્થિરતામાં વધારો થયો હોવાથી બુલિયન ટ્રેડરોએ તેજીનો પીછો કરવાને બદલે નફો ગાંઠે બાંધવાનુંં પસંદ કર્યું, જેના કારણે રાબેતા મુજબની ખરીદીને બદલે વેચાણનો માહોલ સર્જાયો. લાંબા સમય સુધી તેજી પછી આ પ્રકારની પ્રતિક્રિયા લાક્ષણિક છે, જ્યાં નવી પોઝિશન લેવાને બદલે લાભ જાળવી રાખવાને પ્રાથમિકતા આપવામાં આવે છે. 

આને પરિણામે, પ્રોફિટ બુકિંગ શરૂ થવાથી ભૂ-રાજકીય તણાવ દ્વારા મળેલા ઉછાળાના ટ્રીગરને નોંધપાત્ર રીતે ઠંડુ પાડી દેવામાં આવ્યું. બજારના તીવ્ર તણાવના સમયગાળા દરમિયાન, રોકાણકારો ઘણીવાર તરલતાને અન્ય બધાં પરિબળો કરતાં વધુ પ્રાથમિકતા આપે છે. વૈશ્ર્વિક સ્તરે સૌથી વધુ તરલ સંપત્તિઓમાંની એક હોવાથી, સોનું નુકસાનને પહોંચી વળવા, માર્જિન કોલ્સને પહોંચી વળવા અથવા પોર્ટફોલિયોને ફરીથી સંતુલિત કરવા માટે વારંવાર રોકડનો સ્ત્રોત બની જાય છે. 

આ તરલતા-આધારિત વેચાણ તાજેતરના કરેક્શનમાં એક મુખ્ય પરિબળ રહ્યું છે, જે સેફ હેવન માગને વધારે છે. ઉદાહરણ તરીકે, દુબઈમાં, ધ ઇકોનોમિક ટાઇમ્સે અહેવાલ આપ્યો છે કે ગ્રાહકોનો પ્રવાહ દરરોજ સોનું વેચવા માટે આવી રહ્યો છે. કેટલાક ઘરેણાં ઓફર કરી રહ્યા છે, કેટલાક રોકડ માટે સોનાના બાર બદલી રહ્યા છે. ખરીદદારો દ્વારા જણાવવામાં આવેલા ડિસ્કાઉન્ટને શાંતિથી સ્વીકારી રહ્યા છે. આમાંના ઘણા ભારતીય મૂળના ગ્રાહકોે છે. 

ઇઝરાયલ-ઈરાન યુદ્ધ દિવસે દિવસે તીવ્ર બની રહ્યું હોવાથી, ઘણા એનઆરઆઇ તેમના સોનાના હોલ્ડિંગ્સને ઘટાડી રહ્યા છે. એક અહેવાલ અનુસાર દુબઈમાં મિસાઇલમારો શરૂ થયો ત્યારથી દરરોજ આવા 100થી વધુ વિક્રેતાઓ આવે છે. ઝવેરીઓ કહે છે કે વિદેશીઓ રોકડ રકમ મેળવવા અને ઘરે ભંડોળ મોકલવા માટે સોનું વેચી રહ્યા છે, તેથી તેઓ દરરોજ લગભગ એક કિલોગ્રામ સોનું વેચી રહ્યા છે. 

યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારાને કારણે પણ સોના પર પણ દબાણ આવી રહ્યું છે, જેના કારણે પીળી ધાતુ જેવી નોન યિલ્ડિંગ સંપત્તિમાંથી એકિેઝટ વધતી જાય છે. જેમ જેમ બોન્ડ રિટર્ન વધુ આકર્ષક બને છે, તેમ તેમ રોકાણકારો સરકારી સિક્યોરિટીઝ તરફ વળે છે, જેના કારણે સોનાના આકર્ષણમાં ઘટાડો થાય છે.

યુદ્ધને કારણે ઇંધણ મોંઘું થતાં ફુગાવો વધવા અંગેની ચિંતામાં નોંધપાત્ર વધારો થયો છે, જે તાજેતરના અઠવાડિયામાં સોનાને નીચે ખેંચી લેવાનું એક મુખ્ય પરિબળ છે. બજારો હવે અપેક્ષા રાખે છે કે ઓઇલના સતત ઊંચા ભાવ કેન્દ્રીય બેંકોને વધુ આક્રમક વલણ અપનાવવા દબાણ કરી શકે છે, જે સોના જેવા નોન-યિલ્ડીંગ એસેટના આકર્ષણને મર્યાદિત કરી શકે છે. નોંધવું રહ્યું કે રશિયાની સેન્ટ્રલ બેન્કે ઇતિહાસમાં પહેલી વખત સોનું વેચવાની શરૂઆત કરી છે.                                                                      ઉ