Sat Sep 12 2026

Logo

STOCK MARKET; આઇઓસી, એચપીસીએલ, બીપીસીએલના શેર કેમ તૂટ્યા?

2026-05-15 17:00:00
Author: Nilesh Waghela
STOCK MARKET; આઇઓસી, એચપીસીએલ, બીપીસીએલના શેર કેમ તૂટ્યા?

નિલેશ વાઘેલા
મુંબઇ
: એકતરફ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ત્રણ રૂપિયાનો વધારો જાહેર થયો અને બીજી તરફ શેરબજારમાં શુક્રવારે શરૂઆતના વેપારમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેરમાં ત્રણથી ચાર ટકા જેવો ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. ઇંધણની ભાવ વૃદ્ધિ છતાં આઇઓસી, એચપીસીએલ, બીપીસીએલના શેર કેમ તૂટ્યા એ જોઇએ.

બીએસઇ પર ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ)ના શેર ૨.૭૧ ટકા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ)ના શેર ૨.૩૯ ટકા, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી)ના શેર પ્રારંભિક સત્રમાં ૧.૮૫ ટકા ઘટ્યા હતા. સત્રને અંતે એચપીસીએલના શેરમાં ૨.૮૭ ટકાનો, બાપીસીએલના શેરમાં ૩.૪૭ ટકાનો અને આઇઓસના શેરમાં ૩.૮૨ ટકાનો કડાકો જોવા મળ્યો હતો.

સામાન્ય રીતે પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણના ભાવ વધે તો ઓઇલ શેરોમાં ઉછાળો આવતો હોય છે. જોકે, શુક્રવારના સત્રમાં  વિપરીત ગતિ જોવા મળી હતી. નોંધવું રહ્યું કે, વૈશ્ર્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાને કારણે ઇંધણના રિટેલર્સને થયેલા વધતા નુકસાન વચ્ચે, ચાર વર્ષથી વધુ સમયમાં પ્રથમ વખત ઇંધણના ભાવમાં વધારો થયો છે.

વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું કે રિટેલ ઇંધણના ભાવમાં મામૂલી વધારો ક્રૂડના ભાવમાં વધારો થવાની ચિંતાઓને સંપૂર્ણપણે દૂર કરવામાં નિષ્ફળ ગયો અને બજારના માર્જિન પર દબાણ આવ્યું છે. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક, બ્રેન્ટ ક્રૂડ ૧.૨૩ ટકા વધીને ૧૦૭.૦૨ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યુ છે. નિષ્ણાતો માને છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં લિટર દીઠ દસેક રૂપિયાનો વધારો થાય તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓને કળ વળી શકે.

ફેબ્રુઆરીમાં વૈશ્ર્વિક ક્રૂડ ઓઇલના ભાવ લગભગ ૬૯ ડોલર આસપાસ હતા, તે વધીને ૧૨૦ ડોલર પ્રતિ બેરલ થઈ ગયા હતા અને હાલમાં ૧૦૭ ડોલર પર છે, આ રીતે, વધતા ઇનપુટ ખર્ચ અને ઘટતા માર્કેટિંગ માર્જિનને કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર દબાણ વધી રહ્યું છે.

એક તબક્કે ક્રૂડ ઓઇલના ભાવ ૧૨૦ ડોલર પ્રતિ બેરલથી પણ વધી ગયા હતા. પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં તીવ્ર વધારો પશ્ર્ચિમ એશિયામાં વધતી જતી ઉર્જા કટોકટી અને હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ પુરવઠામાં વિક્ષેપની સીધી અસર દર્શાવે છે.

દરમિયાન, આની આડઅસરે પેઇન્ટ ઉત્પાદકોના શેરમાં પમ ધટાડો જોવા મળ્યો હતો. મુખ્ય કાચા માલ તરીકે ક્રૂડ-લિંક્ડ ડેરિવેટિવ્ઝનો ઉપયોગ કરતા પેઇન્ટ ઉત્પાદકોના શેરમાં પણ ઘટાડો થયો હતો. પ્રારંભિક તબક્કે ઇન્ડિગો પેઇન્ટ્સના શેર ૧.૩૬ ટકા, એશિયન પેઇન્ટ્સના શેર  ૦.૪૨ ટકા અને બર્જર પેઇન્ટ્સ ઇન્ડિયાના શેર ૦.૧૪ ટકા ઘટ્યા હતા.