Fri May 01 2026

Logo

ગુજરાતના એક માત્ર વાઘ માટે વાઘણ લાવવા કોણે કેન્દ્ર સરકારને રજૂઆત કરી?

2026-02-20 13:55:00
Author: Mayurkumar Patel
Article Image

ગાંધીનગરઃ ગુજરાત હાલ બિલાડી કુળના ત્રણેય પ્રાણી સિંહ, દીપડા અને વાઘ ધરાવતું એકમાત્ર રાજ્ય છે. રાજ્યમાં છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી રતનમહાલના જંગલમાં વાઘ જોવા મળી રહ્યો છે. ગુજરાત વિધાનસભામાં પણ વાઘનો પ્રશ્ન ઉઠ્યો હતો. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ અંગેનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. 

મેવાણીએ પૂછ્યું કે, તા. 31-12-2025ની સ્થિતિએ રાજ્ય સરકાર દ્વાર કેન્દ્રીય નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીને ગુજરાતમાં માદા વાઘ લાવવા બાબતે ક્યારે રજૂઆત કરવામાં આવી હતી અને આ સંદર્ભે શું કાર્યવાહી થઈ ? જેના જવાબમાં સરકારે જણાવ્યું, તા. 24-11-2025ના રોજ ગુજરાતમાં માદા વાઘ લાવવા બાબતે રજૂઆત કરવામાં આવી છે. તેમજ આ બાબત નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી પાસે વિચારણા હેઠળ છે.

કેવી વાઘણ લાવવામાં આવશે

થોડા દિવસ પહેલા સૂત્રોએ જણાવ્યું કે, જંગલમાં એકલી હોય અથવા સાથીની શોધમાં ભટકતી હોય તેવી માદા વાઘણની પસંદગી કરાશે. જો આવી વાઘણ ન મળે તો જંગલમાંથી પકડાયેલી અનેય કોઈ યોગ્ય માદા વાઘણનો વિકલ્પ વિચારવામાં આવશે. પરંતુ તેની શરત ક્યારેય મનુષ્યો કે પશુઓ પર હુમલો ન કર્યો હોય તેવી હશે. પંસદ કરાયેલી માદા વાઘણની હિલચાલ પર નજર રાખી શકાય તે માટે  રેડિયો કોલર પહેરાવવામાં આવશે. જો તે માનવ વસાહત તરફ જશે તો તાત્કાલિક પગલાં ભરી શકાશે. વાઘ રનતમહાલમાં એક વર્ષથી રહેતો હોવાથી તે વાતાવરણમાં સેટ થઈ ગયો છે.

વાઘના સ્કેટ એનાલિસિસમાં સામે આવી હતી ચોંકાવનારી વિગત

ગુજરાતમાં એક વર્ષ કરતાં વધુ સમયથી વાઘે રતનમહાલના જંગલને પોતાનું ઘર બનાવ્યું છે. 120 ચોરસ કિમીના વિસ્તારમાં પોતાનું સામ્રાજ્ય જમાવનારા એકમાત્ર વાઘને લઈ હવે નવી માહિતી સામે આવી હતી. વાઘ સંપૂર્ણપણે જંગલી શિકારી સાબિત થઈ રહ્યો છે. તે માત્ર જંગલી પ્રાણીઓનો શિકાર કરી રહ્યો છ અને માનવ વસાહતથી દૂર રહે છે. 

સ્કેટ એનાલિસિસમાં શું આવ્યું સામે

વન વિભાગ દ્વારા કરવામાં આવેલા 'સ્કેટ એનાલિસિસ' (મળના નમૂનાનું પરીક્ષણ) મુજબ, આ વાઘના ખોરાકમાં મુખ્યત્વે હરણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેના ખોરાકમાં નીલગાય અને જંગલી ભૂંડના અંશો પણ જોવા મળ્યા છે. માનવ વસવાટ ધરાવતા વિસ્તારોની વચ્ચે રહીને પણ પશુપાલકોના ઢોરને નુકસાન પહોંચાડ્યા વગર વાઘ કેવી રીતે જીવી રહ્યો છે, તેની આ અભ્યાસમાં વિરલ માહિતી મળી છે.

વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી એકત્ર કરાયેલા નમૂનાઓમાં વાઘના મળમાં ગાય-ભેંસ કે અન્ય પાલતુ પ્રાણીઓના કોઈ પુરાવા મળ્યા નથી. સૂત્રોએ જણાવ્યું કે, પશુઓના શિકારના કોઈ ચિહ્નો મળ્યા નથી. તમામ સંકેતો જંગલી શિકાર તરફ ઈશારો કરે છે. આ બાબત સ્પષ્ટ કરે છે કે વાઘ જાણીજોઈને ગામડાઓ અને પશુઓના ચરિયાણ વિસ્તારોથી દૂર રહે છે.

શિકાર સિવાય, આ વાઘ પોતે હવે એક ગહન વૈજ્ઞાનિક અભ્યાસનો વિષય બન્યો છે. વન વિભાગે રતનમહાલના જંગલોમાં તેની ગતિવિધિ, ખોરાકની પદ્ધતિ અને વર્તણૂક પર નજર રાખવા માટે એક માળખાગત મોનિટરિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે. ફિલ્ડ ટીમો વાઘના મળનું વિશ્લેષણ કરી રહી છે, તેના પંજાના નિશાન, નખના નિશાન અને 'સેન્ટ સ્પ્રે' (ગંધ છોડવાની પદ્ધતિ) નો રેકોર્ડ રાખી રહી છે. ભૌગોલિક લોકેશન ડેટાની મદદથી વાઘનો સંપૂર્ણ ઇકોલોજીકલ પ્રોફાઇલ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

વાઘ માનવ વસાહતથી રહ્યો છે દૂર

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ અભ્યાસનો હેતુ વાઘનો ખોરાક અને તેના વિસ્તારના ઉપયોગને સમજવાનો છે. તેમણે ઉમેર્યું કે, સ્કેટ એનાલિસિસ શિકારની પ્રજાતિઓને ઓળખવામાં મદદ કરશે, જ્યારે ફિલ્ડ ચિહ્નો દ્વારા અમે તેની હિલચાલ અને પ્રાદેશિક વર્તણૂકનો નકશો તૈયાર કરી શકીશું. અત્યાર સુધી આ વાઘ માનવ વસાહતથી દૂર રહ્યો છે અને કોઈ ગામમાં પ્રવેશ્યો નથી.

કેમેરામાં બીજું શું થયું કેદ

આ ઉપરાંત કેટલીક ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. વાઘ માટે ગોઠવવામાં આવેલા કેમેરા ટ્રેપ અને વીડિયો સર્વેલન્સમાં રેટલસ્નેક (ખડચિતરો), ઉડતી ખિસકોલી અને પેંગોલિન જેવા પ્રાણીઓ કેદ થયા છે, જે આ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે છે. ખાસ કરીને પેંગોલિનનું દેખાવું એ મોટી વાત છે, કારણ કે અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે ગુજરાતમાં આ પ્રજાતિ મુખ્યત્વે ગીરના જંગલો પૂરતી મર્યાદિત છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તારણો રતનમહાલ પ્રદેશને જોવાનો દૃષ્ટિકોણ બદલી રહ્યા છે. આ હવે માત્ર એક વાઘ પૂરતું મર્યાદિત નથી. આ ડેટા સમગ્ર વન પટ્ટાના વ્યાપક જૈવવિવિધતા મૂલ્યને છતું કરે છે. આ વિસ્તાર માટે હવે વ્યાપક સંરક્ષણ પ્રસ્તાવ પર વિચારણા કરવામાં આવી રહી છે. હાલમાં, આ વાઘ શાંતિથી પોતાનો શિકાર કરી રહ્યો છે, જેમાં હરણ, નીલગાય અને જંગલી ભૂંડ તેના મુખ્ય આહાર છે. બીજી તરફ વન વિભાગ આ પ્રાણી પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે.

ગુજરાતમાં છેલ્લે ક્યારે જોવા મળ્યો હતો વાઘ

 ગુજરાતમાં છેલ્લો વાઘ 2001 માં જોવા મળ્યો હતો, ત્યારબાદ તે ગાયબ થઈ ગયો હતો. હવે, આશા ફરી જાગી હોવાથી, ગુજરાતે વાઘના નિવાસસ્થાનના વિકાસ માટે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી પાસેથી માર્ગદર્શન માંગ્યું છે. એક વર્ષ પહેલાં રતનમહાલમાં વાઘ જોવા મળ્યો ત્યારથી, રાજ્યનો વન વિભાગ કેમેરા ટ્રેપ અને ફિલ્ડ ટીમોનો ઉપયોગ કરીને સતત તેના પર નજર રાખી રહ્યો છે.