Sat Sep 05 2026

Logo

તમિલનાડુમાં માત્ર 976 મતે જીતીને ભાજપને એક માત્ર બેઠક જીતાડનારા ભોજરાજન કોણ છે ?

2026-05-07 12:16:00
Author: Mayur Patel
તમિલનાડુમાં માત્ર 976 મતે જીતીને ભાજપને એક માત્ર બેઠક જીતાડનારા ભોજરાજન કોણ છે ?

ચેન્નઈઃ તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના તાજેતરમાં પરિણામ જાહેર થયા હતા. જેમાં અભિનેતામાંથી નેતા બનેલા વિજયની પાર્ટીએ 108 સીટ જીતીને  દ્રવિડ રાજનીતિના ધૂરંધર પક્ષોને ધરાશાયી કર્યા હતા.  તમિલનાડુમાં વિજયના મેજીક વચ્ચે એક સીટ પર ભાજપનું કમળ ખીલ્યું હતું. ભોજરાજને વિજયની લહેરમાં ટીવીકેના ઉમેદવારને હરાવ્યા હતા.

ભાજપના ઉમેદવાર એમ ભોજરાજને ઉઘગમંડલમ સીટ પરથી ટીવીકેના ઉમેદવારને 976 મતથી હાર આપી હતી. 2021ના ચૂંટણીમાં ભાજપને ચાર સીટ મળી હતી પરંતુ આ વખતે માત્ર એક જ સીટથી સંતોષ માનવો પડ્યો હતો. ભાજપના પ્રદેસ અધ્યક્ષ નાગેંદ્રન સહિત અનેક દિગ્ગજ નેતાને હારનો સામનો કરવો પડ્યો હતો.

ચૂંટણીમાં ભાજપે AIADMK સાથે ગઠબંધન કરીને 27 બેઠકો પર ચૂંટણી લડી હતી. AIADMKને 47 બેઠકો પર સફળતા મળી, જ્યારે સત્તારૂઢ DMKને 54 બેઠકો મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નાના પક્ષો સાથે ગઠબંધન કરીને વિજય તમિલનાડુમાં સરકાર બનાવશે. પાંચ બેઠકો જીતનાર કોંગ્રેસ તેમને ટેકો આપી શકે છે.

કોણ છે ભોજરાજન?

એવું કહેવાય છે કે ચાના બગીચાના માલિક ભોજરાજન પહેલા કોંગ્રેસી હતા. 1980ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેમને નીલગિરીથી લોકસભાની ટિકિટ પણ આપી હતી, પરંતુ છેલ્લી ઘડીએ તે ટિકિટ અન્ય કોઈને આપી દેવામાં આવી. આનાથી નિરાશ થઈને ભોજરાજને કોંગ્રેસ અને સક્રિય રાજકારણથી દૂરી બનાવી લીધી હતી.

વર્ષ 2014માં તેઓ ભાજપમાં જોડાયા હતા. 2021માં ભાજપે તેમને ઊટી વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી હતી, પરંતુ ત્યારે તેમને સફળતા મળી નહોતી. જોકે, આ વખતે તેઓ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. ભોજરાજન વિશે કહેવાય છે કે તેઓ ચા ઉદ્યોગ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે અને ગરીબ ચાના ખેડૂતો વચ્ચે તેમના પરોપકારી કાર્યોને કારણે ખૂબ જ લોકપ્રિય છે.