Fri Apr 17 2026

Logo

શું તમારા WhatsApp મેસેજ ખરેખર પ્રાઈવેટ છે? એલોન મસ્કે કહ્યું, ભરોસો ન કરતા...

2026-04-10 17:23:11
Author: Darshana Visaria
Article Image

મેટાના લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp ના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન (E2EE) પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવ અને એલોન મસ્ક જેવા દિગ્ગજોએ વોટ્સએપની ડેટા સેફ્ટી અને પ્રાઈવસી પર ગંભીર આરોપો લગાવ્યા છે, જેના કારણે કરોડો યુઝર્સમાં ચિંતા વધી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ અત્યારનું સૌથી વધુ લોકપ્રિય પ્લેટફોર્મ બની ચૂક્યું છે. જોકે, હવે આ વોટ્સએપને લઈને જ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો હતો. આ ખુલાસો બીજા કોઈએ નહીં પણ ઈલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. આ આક્ષેપ અનુસાર વોટ્સએપ પર મોકલાવવામાં આવતા મેસેજ પ્રાઈવેટ નથી. જોકે, મેટા દ્વારા આ બાબતે એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમના પ્લેટફોર્મ પર મોકલાયેલા મેસેજ માત્ર મોકલનાર અને મેળવનાર જ વાંચી શકે છે. જોકે, તાજેતરના રિપોર્ટ્સ તો કંઈક અલગ જ ઈશારો કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવે વોટ્સએપના એન્ક્રિપ્શન સિસ્ટમને 'ઈતિહાસનું સૌથી મોટું કન્ઝ્યુમર ફ્રોડ' ગણાવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે યુઝર્સના મેસેજ થર્ડ-પાર્ટી કોન્ટ્રાક્ટર્સના કર્મચારીઓ દ્વારા એક્સેસ કરી શકાય છે, એટલે કે આ મેસેજ સંપૂર્ણપણે સિક્યોર અને પ્રાઈવેટ નથી. 

માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ એક્સના સંસ્થાપક એલોન મસ્કે પણ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે વોટ્સએપ પર ભરોસો કરી શકાય તેમ નથી. રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર મોડરેશન માટે વોટ્સએપ મેસેજનો એક્સેસ એક્સટર્નલ ફર્મ્સ પાસે હોય છે, જે પ્રાઈવસીના નિયમોનું ઉલ્લંઘન છે. સાયબર એક્સપર્ટ્સના મતે, મેસેજ ટ્રાન્સમિશન દરમિયાન પ્રાઈવેટ રહે છે, પરંતુ રિસીવરના ડિવાઈસ પર પહોંચ્યા પછી તે ફોરેન્સિક ટુલ્સ દ્વારા એક્સેસ કરી શકાય છે.

આ બાબતે મેટા (Meta)એ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે આ તમામ આક્ષેપો પાયાવિહોણા છે. કંપનીનું એવું કહેવું છે કે વોટ્સએપ સિગ્નલ પ્રોટોકોલ પર આધારિત એન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે. મોડરેશન સિસ્ટમ એન્ક્રિપ્શનને તોડતી નથી, તે માત્ર યુઝર રિપોર્ટ પર જ કામ કરે છે.