દેવલ શાસ્ત્રી
મોટાભાગના લોકો સવારમાં ઊંઘમાંથી ઉઠ્યા પછી પણ જાગ્યા હોય એવી લાગણીનો અનુભવ કરતા નથી. એમને જાગ્રત અવસ્થામાં લાવવા માટે ચા તૈયાર છે એવું કહેવા છતાં જાગ્રત અવસ્થા ધારણ કરતા નથી પણ એ બ્રશ કરે છે, બ્રશ કરવું એ ફક્ત દાંત સાફ કરવાનો પ્રોસેસ નથી પણ જાગી ગયાની નિશાની છે. બ્રશ કરવું એટલે દિવસની શરૂઆત થયાનો માનસિક સંકેત છે. તે એક પ્રકારની રોજેરોજની એવી પ્રણાલી બની ગઈ છે, જે મગજને સંકેત આપે છે કે હવે તમારા માટે દિવસ શરૂ થઈ ચૂક્યો છે.
યસ, તમે બરાબર સમજી ગયા. આજે બ્રશની કથાઓ કરવી છે. પોતાના બ્રશ માટે માણસ અનન્ય લાગણી ધરાવતો હોય છે. ઘણા લોકો પોતાનો ટૂથબ્રશ કોઈ બીજાને અડવા પણ દેતા નથી, કારણ કે માનવ મગજ તેને પર્સનલ પ્રોપર્ટી સાથે જોડે છે. જે રીતે કેટલાક લોકોને પોતાનો કાંસકો કે તકિયો ખાસ લાગે છે તેમ ટૂથબ્રશ પણ તેમની વ્યક્તિગત ઓળખનો ભાગ બની જાય છે. કેટલાક લોકો મુસાફરીમાં પણ પોતાનું જ ટૂથબ્રશ લઈને જાય છે. બીજાનું બ્રશ વાપરવાનો વિચાર પણ ગમતો નથી. હોટલમાં બ્રશ આપવામાં આવે એનો પણ ઉપયોગ કરવાનું ટાળતા હોય છે.
ટૂથબ્રશ માટે એવું મમત્વ હોય છે કે તેના છોડિયાં ઘસી નાખે છતાં લકી સમજીને બ્રશ બદલવા તૈયાર ન હોય. ઘણા દેશોમાં એવી પણ માન્યતા છે કે વ્યક્તિનું ભાગ્ય તેના બ્રશ સાથે જોડાયેલું હોય છે. આ ભાગ્ય ચોરવું હોય તો તેના બ્રશને ચોરવું જોઈએ જેવી અંધશ્રદ્ધાની દુનિયામાં માનનારાઓનો ખાસ વર્ગ છે.
ભારતીય અને ચીની પરિવારોમાં લાલ બ્રશને શુભ માનવામાં આવે છે, કારણ કે લાલ રંગ શક્તિ અને સુખનું પ્રતીક છે. વિપરીત રીતે, કાળા અથવા ઘાટા રંગના બ્રશને કેટલાક સ્થળોએ અશુભ માનવામાં આવે છે. કાળા કલરના બ્રશનું વેચાણ લગભગ નહિવત છે. પશ્ચિમી દેશોમાં સફેદ બ્રશને સ્વચ્છતા અને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. કેટલાક લોકો માને છે કે સફેદ બ્રશ વાપરવાથી દાંત વધુ સફેદ થાય છે, આમને કોણ સમજાવે?
આમ તો દુનિયાભરમાં દર વર્ષે 3.5 અબજથી વધુ ટૂથબ્રશ વેચાય છે. આમાંથી મોટાભાગના પ્લાસ્ટિકના હોવાથી તે બધા 400 વર્ષ સુધી ડિગ્રેડ-નાશ નથી થતા પામતા! દરિયાના જાણકારો ના અભ્યાસ અનુસાર દર વર્ષે સમુદ્રમાં 1.5 અબજ ટૂથબ્રશ પહોંચે છે, જે સમુદ્રી જીવો માટે મોટું જોખમ છે. આજ કારણોથી પ્રજામાં જાગૃતિ વધી છે અને છેલ્લા એક બે વર્ષથી યુરોપ અને અમેરિકામાં બાયોડિગ્રેડેબલ બ્રશ એટલે કે વાંસ, ઝાડ અને કેસ્ટર ઓઇલથી બનેલા બ્રશની ડિમાન્ડ વધી છે.
માણસે દાંત સાફ કરવાની રીતો હજારો વર્ષ પહેલાં શોધી લીધી હતી. પ્રાચીન ઇજિપ્ત કે મેસોપોટેનીયામાં નાની લાકડીઓને ચાવીને તેમાંથી રેસા બનાવીને દાંત સાફ કરતા, ભારતની લીમડાના દાતણ કરવાની પદ્ધતિનો સ્વીકાર તો દુનિયાભરના આરોગ્યના જાણકારોએ કર્યો છે. આધુનિક બ્રશની પ્રારંભિક શોધ ચીનમાં થઇ હોવાનું માનવામાં આવે છે. ચીનમાં પ્રાણીઓના વાળને હાડકાના હેન્ડલમાં ફસાવીને પ્રથમ બ્રશ બનાવવામાં આવ્યા. યુરોપમાં તેનો પ્રચાર થયો અને ધીમે ધીમે પ્લાસ્ટિકના ટૂથબ્રશ આવ્યાં.
બ્રશ વાપરતી દુનિયા જાતજાતના લોકોની બનેલી છે એટલે જ બ્રશની જાહેરાતમાં તેના કલર અને ડિઝાઇન પર ભાર મૂકવામાં આવતો હોય છે. આમ તો ટૂથબ્રશ સાવ નાનકડું છે, પરંતુ તેની પાછળ મનોવિજ્ઞાનનું એક વિશાળ વિશ્વ છુપાયેલું છે.
આપણે જે બ્રશ પસંદ કરીએ છીએ તે માત્ર આપણી સ્વચ્છતાની આદત પર જ નહીં, પણ આપણા અર્ધજાગ્રત મન, લાગણીઓ, વય અને સેક્સ પર આધારિત હોય છે. માર્કેટિંગ નિષ્ણાતો અને મનોવૈજ્ઞાનિકો વર્ષોથી આ વિષય પર સંશોધન કરી રહ્યા છે, કારણ કે બ્રશની ડિઝાઇન, રંગ અને આકાર આપણને કેવી રીતે આકર્ષે છે અને તેનાથી આપણી ખરીદી અને વપરાશની આદત કેવી રીતે બદલાય છે, આ અત્યંત રસપ્રદ વિષય છે.
તાજેતરમાં થયેલા એક અભ્યાસ મુજબ ગોળાકાર અને મોટા હેન્ડલવાળા બ્રશ બાળકોને વધુ સમય સુધી બ્રશિંગ કરાવે છે, કારણ કે તે તેમના નાના હાથમાં સરળતાથી પકડાય છે અને તેમને રમત જેવો અનુભવ આપે છે. સ્ત્રીઓમાં સ્લીમ અને કર્વ્ડ હેન્ડલવાળા બ્રશ વધુ આકર્ષક છે, કારણ કે તે તેમને આરામ અને નજાકતની લાગણી આપે છે. પુરુષોમાં મોટા અને મજબૂત હેન્ડલવાળા બ્રશ વધુ પસંદ કરાય છે, કારણ કે તે તેમને મજબૂતાઇનો અનુભવ કરાવે છે. આ તફાવત ફક્ત ડિઝાઇનનો નથી, પણ મગજની સેન્સરી પ્રોસેસિંગ અને ટચ સેન્સેશન સાથે જોડાયેલો છે.
આ પસંદગીનો ઉપયોગ જાહેરાત અને માર્કેટિંગમાં મનોવિજ્ઞાનનો સિદ્ધાંત સાથે કરવામાં આવે છે. કંપનીઓ બાળકો માટે કાર્ટૂન કેરેક્ટર્સ, લાલ, વાદળી, પીળો, લીલો જેવા રંગોને બ્રશની જાહેરાતમાં દર્શાવે છે, જેથી તે બ્રશને રમત તરીકે જુએ. સ્ત્રીઓ માટે સુંદરતા, નરમાશ અને સ્વચ્છતાના ઇમેજ બતાવવા પિંક, લાવેન્ડર, પેસ્ટલ શેડ્સના રંગો દર્શાવવામાં આવે છે. જ્યારે પુરુષો માટે મજબૂતી, ટેક્નોલોજી અને પર્ફોર્મન્સના ઇમેજ સાથે ડાર્ક કલરના બ્રશની જાહેરાત થાય છે.
હકીકત બીજી પણ છે, જે લોકો બ્રશ કરતી વખતે આયનામાં પોતાને જુએ છે તેઓ 22% વધુ સમય સુધી બ્રશ કરે છે. જેમનો મૂડ આઉટ છે એમાં ચોથાભાગના લોકોને બ્રશ કરવાનું મન જ થતું નથી, એટલે તેમને હજુ જાગવું જ નથી વિશ્વ આરોગ્ય સંસ્થાનું માનવું છે કે એક બ્રશને 3 થી 4 મહિના સુધી જ વાપરવું જોઈએ. તે પછી તે દાંતને સારી રીતે સાફ કરી શકતા નથી અને બેક્ટેરિયા જમા થવાનું જોખમ વધારે છે.
વિશ્વમાં લોકો 4 થી 6 મહિના અથવા તેનાથી વધુ સમય સુધી એક જ બ્રશ વાપરે છે. ભારતીયો સરેરાશ છ મહિના સુધી એક જ બ્રશ વાપરે છે. આંકડા દર્શાવે છે કે ભારતમાં બ્રશ કરવાની આદત અને તેને સમયસર બદલવાની વૃત્તિ નબળી છે બ્રશ કરવા માટે બીજી ઘણી રીતે પણ ‘જાગવા’ની જરૂર હોય એવું નથી લાગતું?!
ધ એન્ડ
તમે જે ખાઓ છો તે જ તમે છો. -હિપોક્રેટીસ