Tue Oct 06 2026

Logo

સ્વીટ હોમ ખરીદવાના છો?

2026-09-22 08:12:00
Author: Varun Singh
સ્વીટ હોમ ખરીદવાના છો?


વરુણ સિંહ


આ કોલમની શરૂઆતમાં જ ઘર ખરીદનાર દરેકને એક મહત્ત્વનો સવાલ પૂછવા માગું છું કે જ્યારે તમે ઘર ખરીદો છો અથવા તો ખરીદવાનું પ્લાનિંગ કરો છો ત્યારે તમે વિવિધ પ્રોજેકટના ચોરસ ફૂટના ભાવની તુલના કરવામાં કેટલો સમય ગાળો છો? હવે તમે તમારી જાતને બીજો સવાલ પૂછો કે તમે રકમ ચુકવી દો એ પછી તમારું રક્ષણ કરતા મહારેરા કાયદાને સમજવામાં કેટલો સમય વીતાવો છો? જો તમે બીજા સવાલ કરતાં વધારે સમય પહેલા સવાલ માટે વીતાવો છો તો આમ કરનાર તમે એકલા નથી. 


દરેક હોમબાયર ભાવ, ફલોર રાઈસ એટલે કે ઊંચા માળ માટે આપવી પડતી વધારાની રકમ અને નાણાં ચુકવણીના શેડ્યુલની તડજોડ કરવામાં અઠવાડિયાઓ કાઢી નાખે છે, પરંતુ એમાંનો કોઈ ખરીદનાર એગ્રીમેન્ટ ફોર સેલ (વેચાણ કરાર)ની દરેક લાઈન વાંચવાની કે એ જોવાની કે કરારમાં તેમને વચનરૂપે અપાયેલા કાર્પેટ એરિયા એ રેરાના કાયદા હેઠળ વ્યાખ્યા કરાયેલી ટર્મ છે કે નહીં અથવા તો બિલ્ડરનો અંદાજ છે એ જાણવાની તસ્દી લેતો નથી. 


આજથી પ્રારંભ થઈ રહી છે એ આ નવી કોલમમાં તમને એ કહેવાનો નથી કે કયા વિસ્તારમાં ભાવ ઝડપથી વધી રહ્યા છે અથવા તો ક્યો બિલ્ડર કયો પ્રોજેક્ટ લોન્ચ કરવાનો છે? એની જાણકારી આપનારા તો ઘણા છે. હું તો તમને એવી માહિતી આપવા માગું છું કે જે તમને લાંબા ગાળામાં ઉપયોગી થાય અને મુંબઈમાં રેરાનો કાયદો કઈ રીતે ઉપયોગી થાય છે. હું તમને આ વાસ્તવિક ચુકાદા દ્વારા જણાવીશ, કારણ કે અંતે તો દરેક ચુકાદા પાછળ તમારા જેવા હોમબાયરની ભૂમિકા હોય છે જે ઘર માટે પોતાની બચત સમર્પિત કરી દે છે અને પછી તેની વાજબી વ્યવહાર થાય એ માટે લડવું પડે છે.


આ વિશે ફોડ પાડવા મુંબઈના બે ઉદાહરણ આપીશ...

પહેલું ઉદાહરણ શહેરના સેન્ટ્રલ પરાના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો છે. આમાં એક બાયરે ડેવલપરે ટાંકેલા કાર્પેટ એરિયાને સાચો માનીને એગ્રીમેન્ટ ઑફ સેલ્સ કર્યું. તેણે કાયદા પ્રમાણે કાર્પેટ એરિયાની વ્યાખ્યા શું છે એ તપાસ્યું નહીં. વર્ષો બાદ તેણે ફ્લેટનું માપ લીધું તો ખબર પડી કે તેને ઓછો એરિયા આપીને ફસાવવામાં આવ્યો છે. બાયરે ઓછા ક્ષેત્રફળની ફરિયાદ કરવા માટે ફોરમનો સંપર્ક કર્યો. જો બાયરે કરાર પર સહી કરતા પહેલાં રેરામાં નોંધાવેલા ક્ષેત્રફળનો આંકડો જાણ્યો હોત તો તેને આ બધી માથાકૂટ ન થાત.


બીજું ઉદાહરણ પશ્ર્ચિમના ઉપનગરનો છે. એક બાયરને પઝેશન (ઘરનો કબજો) મેળવવા વર્ષો સુધી પ્રતિક્ષા કરવી પડી. તેને ખબર નહોતી કે કાયદા પ્રમાણે વિલંબના પહેલા દિવસથી દરેક મહિનાનું વ્યાજનો તે હક્કદાર હતોે. મહારેરામાં અરજી કર્યા બાદ તેને વ્યાજ મળ્યું. જોકે બાયરને ન્યાય મેળવવા માટે ત્રણ વર્ષની રાહ જોવી પડી.


આ બન્ને બાયર બેદરકાર લોકો નથી. તેમને એ ખબર નહોતી કે કાયદો તેમને શું અપાવે છે. આથી આ કોલમ આ સિનારિયો બદલવા ઈચ્છે છે. અહીં હોમબાયરને તેમના અધિકારો વિશે એક સમયે પૂરી પ્ર્રામાણિકતાથી એક સરળ ભષામાં સ્ટોરી કહીને જાગૃત કરીશ. 
           

આગામી કોલમ પ્રગટ થાય એ દરમિયાન તમને મૂંઝવતા સવાલ અને અનુભવ ‘મુંબઈ સમાચાર’ને લખી શકો છો.  feedback@bombaysamachar.com