Wed Jun 03 2026

Logo
IPL 2026:

ટીમ ઇન્ડિયાને 2026ની આઈપીએલમાંથી શું મળ્યું?

2026-06-03 18:34:00
Author: Ajay Motiwala
Article Image

અજય મોતીવાલા

મુંબઈઃ ક્રિકેટમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો ખેલોત્સવ પૂરો થયો અને હવે આંતરરષ્ટ્રીય રમતોત્સવ શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે ઘણાને મનમાં સવાલ થયો હશે કે ક્રિકેટ જગતની સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ આઈપીએલની આ વખતની સીઝનમાંથી ભારતીય ક્રિકેટને શું મળ્યું?

સૌથી પહેલાં જાણી લઈએ કે ટીમ ઇન્ડિયાને ઝેન-ઝીનું એવું રત્ન મળ્યું છે જેણે માત્ર ઇન્ડિયન ક્રિકેટને જ નહીં પણ સમગ્ર ક્રિકેટ જગતને બૅટિંગની નવી દિશા બતાવી છે અને તેણે હાર્ડ હિટિંગનો નવો જ ટ્રેન્ડ શરૂ કરી દીધો છે.

72 છગ્ગા, 63 ચોગ્ગા સાથે હાઇએસ્ટ 776 રન

બિહારના 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ આ વખતની આઈપીએલ ટૂર્નામેન્ટ પર પોતાનો ઈજારો જમાવી દીધો. તેણે વિક્રમજનક 72 છગ્ગા તથા 63 ચોગ્ગાની મદદથી અને 237.30ના સર્વશ્રેષ્ઠ સ્ટ્રાઇક-રેટ (દર 100 બોલદીઠ રન)થી હાઈએસ્ટ 776 રન બનાવ્યા. તેણે લગભગ દરેક સ્ટેડિયમમાં અસરદાર પર્ફોર્મ કરીને હજારો પ્રેક્ષકો અને કરોડો દર્શકોના દિલ જીતી લીધા. તે એવું દમદાર રમ્યો કે ભારતના સૌથી વિસ્ફોટક બૅટ્સમૅન ગણાતા વીરેન્દર સેહવાગે પણ એક મુલાકાતમાં કહેવું પડ્યું કે આ બૅટ્સમૅન અગે્રસિવ નહીં પણ ખતરનાક છે. આવી ફટકાબાજી તો હું પણ નહોતો કરતો.'

જે ક્રિકેટર ફક્ત 15 વર્ષનો હોય, સ્કૂલમાં હજી માંડ 10મું ધોરણ જોયું હોય, જે પોતાની વિકેટના આઘાતમાં મેદાન પર રડી પડતો હોય, પરંતુ ક્રિકેટ જગતમાં ભલભલા ડેન્જરસ બોલરની બોલિંગમાં લેશમાત્ર ડર્યા વગર સિક્સર ફટકારી દેતો હોય એવો બૅટ્સમૅન બીજું કોઈ નહીં પણ ઈશ્વરની દેન જ કહેવાય.

2008માં આઈપીએલ શરૂ થઈ અને શેન વૉર્નના નેતૃત્વમાં રાજસ્થાન રોયલ્સ ચેમ્પિયન બન્યું ત્યારે વૈભવનો જન્મ પણ નહોતો થયો, પણ હવે તે આ જ ટૂર્નામેન્ટનો સુપરસ્ટાર બની ગયો છે. આઈપીએલ અને રાજસ્થાન રોયલ્સનું સૌભાગ્ય છે કે એમને બધાનો બિગ બોસ બની ગયેલો આ લિટલ સ્ટાર મળ્યો છે.

જૂનો વિરાટ નવા રૂપમાં મળ્યો

ભારતીય ક્રિકેટને પીઢ બૅટ્સમૅન 2026માં વિરાટ કોહલી નવા રૂપમાં મળ્યો છે. આઈપીએલની 2008-'09માં શરૂઆત થઈ ત્યારે વિરાટ 19 વર્ષની યુવાન વયે જે કામ ન કરી શક્યો એ તેણે આઈપીએલ-19ની સીઝનમાં 37 વર્ષની ઉંમરે કરી દેખાડ્યું છે. બે દાયકા પહેલાં વિરાટ પહેલી ત્રણ ટૂર્નામેન્ટના બૅટ્સમેનોમાં ટોચના 10 ક્રમમાં પણ નહોતો જ્યારે આ વખતે તેણે કુલ 675 રન સાથે ચોથું સ્થાન મેળવ્યું. આ છે કિંગ કોહલીનો કરિશ્મા. એનું આ જબરદસ્ત ફોર્મ ભારતીય ટીમને આવનારી વન-ડે સિરીઝોમાં ખૂબ ઉપયોગી બનશે.

પાટીદાર પણ કૅપ્ટનની રેસમાં

નવી ટીમ ઇન્ડિયા પાસે અત્યાર સુધી કેપ્ટન્સીને લાયક બે ખેલાડી છે. જોકે શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ ઉપરાંત હવે ટીમને રજત પાટીદારના રૂપમાં આઈપીએલનો ડબલ ચેમ્પિયન કેપ્ટન પણ મળી શકે છે. શુભમન ગિલે ગુજરાત ટાઇટન્સને રનર-અપ બનાવ્યું અને ટૂર્નામેન્ટના તમામ બૅટ્સમેનોમાં 732 રન સાથે બીજા નંબર પર રહ્યો એ જોતાં ટેસ્ટ અને વન-ડે ફોર્મેટની ટીમ ઇન્ડિયાના કેપ્ટનપદે તે ચાલુ રહેવા માટે હજી પણ હકદાર કહી શકાય. ટી-20 ટીમના કેપ્ટનપદેથી સૂર્યકુમાર યાદવને દૂર કરવામાં આવે તો રજત પાટીદાર તેનું સ્થાન અચૂક લઈ શકે એમ છે.

આઈપીએલ-2026 પરથી એ પુરવાર થયું છે કે ભારતીય ક્રિકેટને માત્ર મોટા શહેરોમાંથી જ ટૅલન્ટેડ ક્રિકેટરો નથી મળતા. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોમાંથી પણ ટૅલન્ટ બહાર આવી રહી છે.

હાર્દિક-રિષભનું આંતરરાષ્ટ્રીયમાં સ્થાન કેટલું?

આઇપીએલની ફટાફટ ક્રિકેટનો સમય પૂરો થયો અને હવે ભારત માટે સિરિયસ ક્રિકેટનો સમય શરૂ થવાની તૈયારીમાં છે. હાર્દિક પંડ્યા અને રિષભ પંત આઈપીએલમાં કેપ્ટન તરીકે નિષ્ફળ પુરવાર થયા. તેમના પર્ફોર્મન્સ પણ નિરાશાજનક હતા. એ જોતાં હવે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સિલેક્ટરો તેમના પર કેટલો ભરોસો કરે છે એ જોવું રહ્યું. તેઓ અગાઉની જેમ ત્રણેય ફૉર્મેટમાં કદાચ નહીં જ જોવા મળે.

પ્રિયાંશ-પ્રભની જોડી જબરદસ્ત, સુદર્શન પણ કામ લાગશે

ટૂંકમાં, પસંદગીકારોને હવે જૂના-જાણીતા ખેલાડીઓને બદલે અભિષેક શર્મા અને યશસ્વી જયસ્વાલ ઉપરાંત વૈભવ સૂર્યવંશી, પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, આયુષ મ્હાત્રે જેવા યુવાનીયાઓને અજમાવવાની ફરજ પડશે. સાઇ સુદર્શન પણ લાંબા સમય સુધી ભારતની ટી-20 અને વન-ડે ટીમ માટે દાવેદાર છે.

યુવા પેસ બોલરની લાંબી કતાર

બોલિંગમાં જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા જેવા પીઢ, પરંતુ બહુ જલ્દી ઇજાગ્રસ્તોની યાદીમાં આવી જતાં બોલર્સને બદલે હવે પ્રિન્સ યાદવ, અંશુલ કંબોજ, આકિબ નબી, કાર્તિક ત્યાગી, બ્રિજેશ શર્મા, રસિખ સલામ, સાકિબ હુસૈન, પ્રફુલ્લ હિંગે જેવા યુવાન પેસ બોલર્સને અજમાવવાનો સમય હવે આવી ગયો છે. સેકન્ડ હાઈએસ્ટ 28 વિકેટ લેનાર ભુવનેશ્વર કુમાર પણ ફરી ભારતીય ટીમમાં જોવા મળશે તો નવાઈ નહીં પામતાં.

પાવરપ્લેમાં ઘણા વિકલ્પો, બૅટિંગમાં પણ ડેપ્થ

આઇપીએલ-2026ને કારણે ટીમ ઇન્ડિયાની બૅટિંગ-ડેપ્થમાં ઘણો સુધારો જોવા મળશે. હવે ખૂબ નીચલા ક્રમ સુધી બૅટ્સમેનો મળશે. પાવરપ્લેમાં ટીમને જબરદસ્ત સ્ટાર્ટ અપાવી શકે, મિડલ ઓર્ડરમાં ઇનિંગ્સ મજબૂત કરી આપે અને ડેથ ઓવર્સમાં મૅચ ફિનિશ કરી શકે એવા કાબેલ બૅટ્સમેનોની પણ ટીમ ઇન્ડિયા પાસે હવે તંગી નહીં રહે.

2027નો વન-ડે વર્લ્ડ કપ હોય કે 2028નો ટી-20 વિશ્વ કપ, આઈપીએલ-2026ની ટૂર્નામેન્ટે ભારતીય ક્રિકેટરોની ફોજને વધુ મજબૂતી બક્ષી છે. આઈપીએલ 2008ની સાલમાં શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ભારતીય ક્રિકેટની ટૅલન્ટ ડેવલપમેન્ટ સિસ્ટમ વધુને વધુ મજબૂત કરવાનો હતો અને 2026ની સીઝને એ પુરવાર કર્યું છે. ટીમ ઇન્ડિયા હવે આસાનીથી વૅટરન્સ ક્રિકેટરોમાંથી યુવા ટીમ તરફ શિફ્ટ થઈ શકે એમ છે.

પંજાબ-મુંબઈની નિષ્ફળતા પરથી બોધ

આ વખતની આઈપીએલે (ખાસ કરીને 2025ની રનર-અપ પંજાબ કિંગ્સની ટીમે) ટીમ ઈન્ડિયાને એ પણ શીખવ્યું છે કે પહેલી 6 મૅચ જીત્યા પછી પાછલી છ મૅચમાં પરાજય જોવા પડે એટલી હદે લાપરવાહી સ્પર્ધાત્મક ક્રિકેટમાં જરાય ચાલે જ નહીં. પાંચ-પાંચ ટાઇટલ જીતનાર મુંબઇ ઇન્ડિયન્સ પરથી પણ ટીમ ઇન્ડિયાને બોધ મળી શકે છે કે માત્ર મોટા નામવાળા ખેલાડીઓથી જ ટીમ બનતી ન હોય. ટીમનું સંતુલન જાળવવા માટે અને એને અપગે્રડ કરવા માટે પણ તકેદારી રાખવી જોઈએ.