હાલમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સતત વધી રહેલાં તણાવને ધ્યાનમાં લેતાં દરિયાઈ માર્ગે થઈ રહેલાં બિઝનેસમાં 'ડાર્ક ટ્રાન્ઝિટ' (Dark Transit) શબ્દ ખૂબ ચર્ચામાં છે. રિપોર્ટ્સમાં તો ત્યાં સુધી કહેવાઈ રહ્યું છે કે આ ડાર્ક ટ્રાન્ઝિટની મદદથી જ લાઈબેરિયન ટેન્કર મુંબઈ પહોંચ્યું હશે એવો દાવો પણ કરવામાં આવ્યો છે. ત્યારે ચાલો જાણીએ કે આખરે આ ડાર્ક ટ્રાન્ઝિટ છે શું અને તે સુરક્ષિત છે કે તેમાં કોઈ જોખમો રહેલાં છે...
હવે હેડિંગ વાંચીને તમને પણ સવાલ તો ચોક્કસ જ થયો હશે કે આખરે શું છે 'ડાર્ક ટ્રાન્ઝિટ'? અને હોર્મુઝ સ્ટ્રેટમાં મિસાઈલ હુમલાથી બચવા જહાજો કેમ આ પેટર્ન અપનાવી રહ્યા છે? આ ખતરનાક સ્ટ્રેટેજી વિશે વાત કરીએ તો એક તરફ મિડલ ઈસ્ટમાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, આવી સ્થિતિમાં સમુદ્રમાં રહેલાં જહાજો માટે સુરક્ષિત રીતે પસાર થવું મુશ્કેલ બની જાય છે. આવા સમયે જહાજો 'ડાર્ક ટ્રાન્ઝિટ' અથવા 'ગોઈંગ ડાર્ક' પદ્ધતિનો ઉપયોગ કરે છે. આજે આપણે આ સ્ટોરીમાં આ વિશે વિસ્તારથી જાણવાનો પ્રયાસ કરીશું.
દરેક મોટા જહાજમાં ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ (AIS)નામનું એક ટ્રાન્સપોન્ડર હોય છે, જે સતત જહાજની ઓળખ, લોકેશન અને સ્પીડની માહિતી સેટેલાઈટ તેમ જ અન્ય જહાજોને મોકલતું રહે છે. જોકે, જ્યારે વાત 'ડાર્ક ટ્રાન્ઝિટ'ની આવે ત્યારે જહાજનો ક્રૂ આ સિસ્ટમને જાણીજોઈને બંધ કરી દે છે. આવું કરવાને કારણે જહાજ ડિજિટલ મેપ અને ટ્રેકિંગ સિસ્ટમમાંથી ગાયબ થઈ જાય છે અને કોઈને કાનોકાન ખબર સુદ્ધા પડતી નથી.
વાત કરીએ હોર્મુઝ સ્ટ્રેટ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં જહાજોને ડર હોય છે કે દુશ્મન દેશો ડ્રોન કે મિસાઈલ હુમલા માટે તેમની લોકેશનનો ઉપયોગ કરી શકે છે. ઈરાન ઘણીવાર શંકાસ્પદ જહાજોને અટકાવે છે અથવા કબ્જે કરે છે. ટ્રેકિંગ બંધ હોવાથી જહાજ રાડારની નજરમાં આવ્યા વિના સુરક્ષિત રીતે નીકળી શકે છે. મુંબઈ પોર્ટ પર પહોંચેલા લાઈબેરિયન ટેન્કરે પણ આ જ રીતે રસ્તો કાપ્યો હોવાનું મનાય છે.
જોકે આ પદ્ધતિ જહાજને ભલે હુમલાથી બચાવી લેતી હોય પણ તે અત્યંત જોખમી છે. આ જોખમો વિશે વાત કરવાની થાય તો એઆઈએસ બંધ હોવાને કારણે બીજા જહાજોને તમારા જહાજની જાણ થતી નથી, જેનાથી દરિયામાં મોટા જહાજો વચ્ચે ટક્કર થવાની શક્યતા પણ વધી જાય છે. શક્તિશાળી સેનાઓ પાસે એવા રાડાર હોય છે જે એઆઈએસ બંધ હોવા છતાં જહાજને શોધી શકે છે, એટલે કે આ પદ્ધતિ 100 ટકા સુરક્ષિત નથી.