ભુજઃ મુસાફરોની વધતી જતી ભીડ અને સતત રહેલી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા કચ્છ જિલ્લામાંથી આવતી-જતી પાંચ અગત્યની સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી આગામી ઓગસ્ટ માસ દરમિયાન મુંબઈ તેમજ બિહાર તરફ પ્રવાસ કરતા કચ્છના પ્રવાસીઓને મોટી રાહત મળશે.
રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, બાંદ્રા ટર્મિનસ અને ભુજ વચ્ચે ચાલતી દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન (નંબર ૦૯૦૩૭)ના ફેરા આગામી ૮ થી ૨૯ ઓગસ્ટ સુધી તથા સામે પક્ષે ટ્રેન નંબર ૦૯૦૩૮ (ભુજ–બાંદ્રા ટર્મિનસ)ના ફેરા ૯ થી ૩૦ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, બાંદ્રા ટર્મિનસ–ભુજ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન (નંબર ૦૯૦૦૯) ૯ થી ૩૦ ઓગસ્ટ અને ટ્રેન નંબર ૦૯૦૧૦ (ભુજ–બાંદ્રા ટર્મિનસ) ૧૦ થી ૩૧ ઓગસ્ટ સુધી કાર્યરત રહેશે. જ્યારે બાંદ્રા–ભુજ વચ્ચેની અન્ય એક સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન (નંબર ૦૯૦૧૧) ૧૧ થી ૨૫ ઓગસ્ટ અને સામે પક્ષે ટ્રેન નંબર ૦૯૦૧૨ (ભુજ–બાંદ્રા) ૧૨ થી ૨૬ ઓગસ્ટ સુધી સેવા આપશે.
કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામથી ઉપડતી ટ્રેનોના ફેરામાં પણ વધારો કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગાંધીધામ અને ભાગલપુર વચ્ચે ચાલતી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન (નંબર ૦૯૪૫૧)ના ફેરા ૨૮ ઓગસ્ટ સુધી અને ભાગલપુર-ગાંધીધામ સ્પેશિયલ ટ્રેન (નંબર ૦૯૪૫૨)ના ફેરા ૩૧ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યા છે.
રેલવે તંત્ર દ્વારા જણાવાયું છે કે, આ તમામ વિસ્તૃત ટ્રેનો માટેનું એડવાન્સ ટિકિટ બુકિંગ તા. ૨૯ જુલાઈથી રેલવેના તમામ પીઆરએસ કાઉન્ટરો તથા આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થઈ જશે. ટ્રેનોના સમય, કોચ સંયોજન અને સ્ટોપેજ સંબંધિત વધુ વિગતો મેળવવા માટે મુસાફરોને રેલવેની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
(ઉત્સવ વૈદ્ય)