Thu Jun 18 2026

Logo

ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળના રાજ્યપાલે આપ્યું રાજીનામું, મમતા બેનરજીએ શું કહ્યું?

2026-03-05 21:34:28
Author: Kshitij Nayak
Article Image

વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યપાલના રાજીનામાથી રાજકીય ગરમાવો, આર. એન. રવિને સોંપાયો વધારાનો હવાલો

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપીને રાજયનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીને ચોંકાવ્યા છે. રાજીનામું આપ્યા પછી સીવી આનંદ બોઝએ દિલ્હી રવાના થયા છે. પશ્ચિમ બંગાળમાં 3.5 વર્ષથી રાજ્યપાલ તરીકે હતા તથા રાજીનામું આપ્યા પછી કહ્યું કે મેં રાજભવનમાં પૂરતો સમય પસાર વીતાવ્યો છે. 

એટલા માટે બોઝ નામ જોડવામાં આવ્યું

એપ્રિલ-મે મહિનામાં સંભવિત પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂર્વે અચાનક રાજીનામું આપવાને કારણે કોલકાતાથી લઈ દિલ્હી સુધી ખળભળાટ મચી ગયો છે. સીવી આનંદ બોઝ કેરળના કોટ્ટાયમના છે, જ્યારે તેમના પિતાજી સ્વતંત્રતા સેનાની પીકી વાસુદેવ નાયર હતા. તેઓ નેતાજી સુભાષ ચંદ્ર બોઝના અનુયાયી હતા, તેથી તેમના નામ પાછળ બોઝ જોડવામાં આવ્યું હતું.

નવેમ્બર, 2002ના રાજ્યપાલ તરીકે નિમણૂક

1977 બેચના નિવૃત્ત આઈએએસ અધિકારી છે. 23 નવેમ્બર 2022ના પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સભ્ય છે. આનંદ બોઝએ સરકારમાં સચિવ તરીકે પણ કામગીરી કરી છે. તેઓ ભારતના મુખ્ય સચિવ અને યુનિવર્સિટીના કુલપતિ પણ રહી ચૂક્યા છે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કામ કરવાની સાથે બોઝએ શિક્ષણ, પર્યાવરણ અને શ્રમ મંત્રાલયમાં જિલ્લા ક્લેક્ટર અને મુખ્ય સચિવ અને એડિશનલ સચિવ તરીકે પણ કામ કર્યું છે.

મમતા બેનરજી પણ ચોંકી ગયા

રાજ્યપાલના રાજીનામા અંગે સૌથી પહેલી પ્રતિક્રિયા રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ આપી હતી. અચાનક આપેલા રાજીનામા અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને લખ્યું હતું કે રાજ્યપાલના રાજીનામાથી મને આઘાત લાગ્યો છે. રાજીનામું આપવા પાછળનું નક્કર કારણ ખબર નથી, પરંતુ રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યપાલે આપેલા રાજીનામા પાછળ કેન્દ્રીય ગૃહ મંત્રીએ રાજકીય ફાયદા માટે દબાણ કર્યું હોવાનો દાવો કર્યો હતો.

કોને બનાવવામાં આવશે રાજ્યપાલ

હાલના તબક્કે તમિલનાડુ રાજ્યપાલ સીવી રવિને હંગામી ધોરણે બંગાળના રાજ્યપાલનો હવાલો સોંપવામાં આવ્યો છે. જોકે આ મુદ્દે મમતા બેનરજીએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે આરએન રવિનું નામ આગળ કરવામાં આવ્યું છે, પણ આ મુદ્દે મારી સાથે કોઈ વાત કરી નથી કે સલાહ પણ લેવામાં આવી નથી. મમતા બેનરજીએ દાવો કરતા કહ્યું કે આ પ્રકારની કામગીરી દેશના બંધારણની નબળું પાડે છે. કેન્દ્ર સરકારે કોઓપરેટિવ ફેડરલિઝમના સિદ્ધાંતોનું સન્માન કરવું જોઈએ અને એકતરફી નિર્ણય લેવાથી બચવું જોઈએ.

લદ્દાખના એલજીએ પણ આપ્યું રાજીનામું

દરમિયાન લદ્દાખના એલજી કવિંદર ગુપ્તાએ પણ રાજીનામું આપ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. રાજ્યના નાયબ રાજ્યપાલ અને રાજ્યપાલ રાજીનામા આપશે. અનેક રાજ્યના રાજ્યપાલને બદલી શકાય છે અને અમુક રાજ્યમાં નવા રાજ્યપાલ અને નાયબ રાજ્યપાલની નિમણૂકની યાદી પણ ટૂંક સમયમાં રાષ્ટ્રપતિ ભવનમાંથી જારી કરી શકાય છે.