કોલકાતા: આ મહિના અંતે પશ્ચિમ બંગાળમાં વિધાનસસભા ચૂંટણી માટે મતદાન યોજવાનું છે, તૃણમુલ કોંગ્રેસ ફરી જીત મેળવવાનો ઈરાદો ધરાવે છે, જયારે ભાજપ TMCને પછાડવા મેદાને પડ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આજે બુધવારે ભવાનીપુર બેઠક પરથી TMCના ઉમેદવાર તરીકે ઉમેદવારી દાખાલ કરી છે.
ઉમેદવારી પત્રક ભરતા પહેલા મમતા બેનર્જીએ પગપાળા રેલી યોજી હતી, જેમાં TMCના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતાં. ઉમેદવારી પત્રક ભર્યા બાદ મમતા બેનર્જીએ લોકોને TMCને સમર્થન આપવા અપીલ કરી હતી.
SIR સામે સુપ્રીમ કોર્ટમાં જશે:
મમતા બેનર્જીએ કહ્યું, "હું લોકોને અપીલ કરવા ઈચ્છું છું કે, ફક્ત ભવાનીપુરમાં જ નહીં, પરંતુ બંગાળની તમામ 294 બેઠકો પર, તેમણે TMCને જીત અપાવે.”
મમતા બેનર્જીએ ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) બાદ લાખો મતદારો નામ ડિલીટ કરવા અંગે રોષ વ્યક્ત કર્યો અને તેની સામે સુપ્રીમ કોર્ટમાં જવાની જાહેરાત કરી.
લાખો મતદારોનાં નામ ગાયબ:
મમતા બેનર્જીએ, “મને ખરેખર દુઃખ થઇ રહ્યું છે કે SIR દરમિયાન બંગાળની મતદાર યાદીમાંથી આટલા બધા નામ દૂર કરવામાં આવ્યા છે. 1.2 કરોડ મતદારોમાંથી ફક્ત 32 લાખ નામો જ જાળવી રાખવામાં આવ્યા છે, તે પણ એટલા માટે કે મેં સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. પહેલા તબક્કામાં 58 લાખ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે. આ પ્રકરણ હજુ ખુલવાનું બાકી છે.”
મમતા બેનર્જીએ કહ્યું, "હાલમાં જેની સુનાવણી ચાલી રહી છે એવા 27 લાખથી વધુ મતદારોને હજુ સુધી મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યા નથી. મારું માનવું છે કે તેમને મતદાનનો અધિકાર આપવો જોઈએ. સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપ્યો છે કે સુનાવણી હેઠળના મતદારો સાચા મતદારો છે. તેમને હજુ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યા નથી. અમે જરૂરી પગલાં લઈશું."