Fri May 01 2026

Logo

પશ્ચિમ બંગાળમાં 77 મતદાન કેન્દ્ર પર ફરી મતદાનની શક્યતાઃ ચૂંટણી પંચ લેશે નિર્ણય

2026-04-30 22:43:44
Author: Mumbai Samachar teram
Article Image

કૉલકાતાઃ ચૂંટણી પંચ પશ્ચિમ બંગાળના જુદા જુદા 77 મતદાન કેન્દ્રો પર ફરીથી મતદાન કરાવી શકે છે. જે મતદાન મથકો પરથી ફરિયાદ મળી હતી ત્યાં ફરીથી મતદાન થાય એવી શક્યતાઓ છે. 29 એપ્રિલના રોજ થયેલા બીજા તબક્કાના મતદાનમાં દક્ષિણ 24 પરગણા જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર 77 મતદાન કેન્દ્રો પર ફરી મતદાન થાય એ અંગે વિચારણા ચાલી રહી છે. આ બેઠક પર ફરીથી મતદાન થશે તો પરિણામમાં પણ ફેર પડશે. 

ફરિયાદ મળી હતી

ચૂંટણી પંચ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, ફરીથી મતદાન માટે 32 ફરિયાદ મળી હતી, આ પછી ડાયમંડ હાર્બરથી 29, મગરહાટથી 13 અને બજબજથી ત્રણ ફરિયાદ મળી હતી. સામાન્ય રીતે રાજકીય પક્ષ, ઉમેદવાર, મતદાન એજન્ટ અથવા બીએલઓ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં ખામી, બુથ પર કબજો, ધમકી અથવા મતદાનમાં ગોપનીયતાની ખામી જેવા વિશિષ્ટ મુદ્દાનો હવાલો દઈ ફરીથી મતદાનની માગ કરી શકે છે. વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, બુધવારે મતદાન ખતમ થયું એ પછી તરત જ ફરિયાદ મળી હતી. જેમાં ઈવીએમાં છેડછાડ, મશીન પર શંકાસ્પદ પદાર્થનો ઉપયોગ અને કેમેરામાં છેડછાડ કરવાનો આરોપ છે. 

નિરિક્ષણના આદેશ

ફરિયાદની ગંભીરતા અને જે તે માહોલને ધ્યાને લઈને આયોગ હાલમાં કોઈ પ્રકારનું જોખમ લેવા માગતો નથી. રિપોર્ટના આધારે કાર્યવાહી થશે અને મુખ્ય ચૂંટણી આયોગ જ્ઞાનેશ કુમારે અધિકારી સુબ્રત ગુપ્તાને ફરિયાદ સંબંધીત મોનિટરિંગ કરવાના આદેશ આપ્યા છે. અધિકારી ગુપ્તા હાલમાં મતદાન કેન્દ્ર પર ફરીથી મતદાનને લઈને જે તે ફરિયાદ સામે ગ્રાઉન્ડ લેવલ પર નિરિક્ષણ કરી રહ્યા છે. આ સાથે જે તે બુથ લેવલ ઓફિસર સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે. અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે, જરૂર પડશે તો જે તે પ્રભાવિત મતદાન મથકો પર ફરીથી મતદાન થઈ શકે છે. 

ગંભીર ફરિયાદ સામે મોનિટરિંગ થશે

ગંભીર ફરિયાદ ડાયમંડ હાર્બર વિસ્તારના મગરહાટમાંથી સામે આવી છે. જ્યાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મતદાતાઓને મતદાન પર નજર રાખવા માટે શર્ટ અને ખિસ્સામાં જાસુસી કેમેરા લગાવવામાં આવ્યા હતા. અધિકારીએ ત્યાં સુધી કહ્યું કે, કોઈ પણ નિર્ણય પર પહોંચતા પહેલા જે તે ગ્રાઉન્ડ લેવલની હકીકત પર સમીક્ષા કરવામાં આવશે એ પછી જ નિર્ણય લાગુ કરવામાં આવશે. હાલમાં અનેક એવા મતદાન મથકનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી આ વખતે હિંસાત્મક રહી છે. અનેક એવા સેન્ટર પર બીજા તબક્કામાં પણ હિંસા થઈ હતી. કેટલાક તત્ત્વો સૈન્યના જવનોને પણ ગાંઠતા ન હતા. આ માટે આકરી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.