Mon Sep 14 2026

Logo

લગ્નનો પ્રસંગ ફેરવાયો માતમમાં, આબુમાં લગ્ન સમારંભમાં ગુજરાતી યુવકની હત્યા

2026-06-09 13:21:00
Author: Mayur Patel
લગ્નનો પ્રસંગ ફેરવાયો માતમમાં, આબુમાં લગ્ન સમારંભમાં ગુજરાતી યુવકની હત્યા

આબુરોડઃ સિરોહી જિલ્લામાં લગ્નનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. લગ્ન સમારંભ દરમિયાન થયેલા વિવાદમાં એક યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. મૃતક ગુજરાતનો રહેવાસી હતો. આ મામલો આબુરોડના ઉપલાખેજ ગામમાં સોમવારે મોડી રાતે બન્યો હતો. ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ 19 વર્ષીય કાંતિભાઈ તરીકે થઈ છે. તે ગુજરાતનો  રહેવાસી છે અને પિતા હોજાભાઈ સાથે રહેતો હતો. પ્રારંભિક તપાસ મુજબ,  કાંતિભાઈ ગુજરાતથી અહીંયા લગ્ન સમારંભમાં હાજરી આપવા આવ્યો હતો. આ દરમિયાન કોઈ વાતને લઈ કેટલાક યુવકો સાથે તેનો વિવાદ થયો હતો. 

વિવાદ વધતાં આરોપીઓએ યુવક પર ચપ્પુથી હુમલો કર્યો હતો. જે બાદ ત્યાં ઉપસ્થિત લોકો વચ્ચે પડ્યા હતા પરંતુ વધારે પડતાં રક્તસ્ત્રાવના કારણે તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.

પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને ઉપસ્થિત લોકોની પૂછપરછ શરૂ કરી હતી. પોલીસ મુજબ, હત્યાના આરોપી યુવકોની ઓળખ કરી લેવામાં આવી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ રવામાં આવશે. ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.