ભુજઃ તાજેતરમાં વૈશ્વિક સ્તરે પૃથ્વીના પેટાળમાં આવેલી ટેક્ટોનિક પ્લેટોની હલચલ એકાએક તેજ બની છે, જેના પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા ધરતીકંપોની હારમાળા સર્જાઈ છે. એક તરફ વેનેઝુએલામાં ૭.૦ની પ્રચંડ તીવ્રતાના આવેલા વિનાશક ભૂકંપે ભારે તબાહી મચાવી છે અને અમેરિકાના પશ્ચિમ કિનારાના વિસ્તારો તીવ્ર ધ્રુજારીથી હચમચી ઉઠ્યા છે, ત્યારે તેની સમાંતર ભારતમાં સિસ્મિક ઝોન-૫માં આવતા ગુજરાતના સરહદી કચ્છ જિલ્લામાં પણ ભૂગર્ભીય દબાણ વધવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. વર્ષ ૨૦૨૬ની શરૂઆતથી જ કચ્છની ધરામાં સળવળાટ જોવા મળ્યો છે. ખાસ કરીને જૂન મહિનાના અંતમાં વેનેઝુએલા અને અમેરિકાના ભૂકંપની સાથે જ રાપર અને ભચાઉ પંથકમાં ૪.૬ની તીવ્રતા સુધીના આંચકા નોંધાતા વૈજ્ઞાનિકો પણ વૈશ્વિક પ્લેટોના આ કનેક્શન પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના સત્તાવાર ડેટા અને વૈજ્ઞાનિક વિશ્લેષણ પરથી કચ્છના ભૂકંપીય ઇતિહાસનો એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. ૧૮૫૬ના ઐતિહાસિક ભૂકંપથી લઈને આજ દિન સુધીમાં નોંધાયેલા નાના-મોટા માઇક્રો ટ્રેમર્સ અને આફ્ટરશોક્સને ભેગા કરવામાં આવે તો, ભારતભરમાં માત્ર કચ્છ જ એકમાત્ર એવો વિસ્તાર છે જ્યાં અત્યાર સુધીમાં કુલ ૧,૦૦,૦૦૦થી પણ વધુ વખત ધરતી ધ્રૂજી ચૂકી છે. આ મોટો આંકડો દર્શાવે છે કે કચ્છનું પેટાળ સતત સક્રિય અવસ્થામાં છે.
વર્ષ ૨૦૦૧માં ભુજમાં આવેલા ૭.૬ની તીવ્રતાના મહાવિનાશક ધરતીકંપ પછી પણ જમીનની અંદર જમા થયેલી ઉર્જા હજુ સુધી સંપૂર્ણપણે શાંત થઈ નથી. આ એક લાખ આંચકાઓમાંથી મોટાભાગના ૧.૦ થી ૩.૦ની તીવ્રતાના માઇક્રો (અતિ સૂક્ષ્મ) આંચકાઓ છે. આ આંચકાઓ સામાન્ય રીતે માનવી અનુભવી શકતો નથી, પરંતુ અત્યાધુનિક અને સંવેદનશીલ સિસ્મોગ્રાફ મશીનોમાં રોજના સરેરાશ ૨ થી ૫ આંચકાઓ કેદ થતા રહે છે.
ભૌગોલિક સ્થિતિની દ્રષ્ટિએ અમેરિકા અને વેનેઝુએલા સાથે કચ્છની સરખામણી કરવામાં આવે તો મોટો તફાવત જોવા મળે છે. અમેરિકા અને વેનેઝુએલાના વિસ્તારો બે મોટી પ્લેટોની સરહદ (ઇન્ટરપ્લેટ બાઉન્ડ્રી) પર આવેલા છે. ત્યાં પ્લેટો એકબીજા સાથે સીધી ટકરાતી હોવાથી અચાનક પ્રચંડ ઉર્જા મુક્ત થાય છે અને પરિણામે તબક્કાવાર મોટા વિનાશક ભૂકંપ આવે છે. તેની સામે કચ્છની સ્થિતિ તદ્દન અલગ છે. કચ્છ કોઈ બે પ્લેટોની સરહદ પર નહીં, પરંતુ ઇન્ડિયન પ્લેટની અંદર આવેલો 'ઇન્ટ્રાપ્લેટ' સિસ્મિક ઝોન છે.
કચ્છમાં આવેલી કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટ, વાગડ ફોલ્ટ અને અલ્લાહબંધ ફોલ્ટ જેવી મુખ્ય તિરાડોમાં, હિમાલય તરફ સરકતી ઇન્ડિયન પ્લેટના કારણે સતત આંતરિક દબાણ વધતું રહે છે. આ જ કારણ છે કે વેનેઝુએલાની જેમ અહીં અચાનક કોઈ એક મોટો ઝટકો આવવાને બદલે, પૃથ્વી પોતાની અંદરનું દબાણ નાના-નાના એક લાખથી વધુ આંચકાઓ સ્વરૂપે ધીમે-ધીમે મુક્ત કરી રહી છે. ભૂસ્તરશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો આ પ્રક્રિયાને એક અત્યંત સકારાત્મક સંકેત તરીકે જુએ છે, કારણ કે આ રીતે ધીમે-ધીમે ઉર્જા મુક્ત થવાથી ભવિષ્યમાં આવનારા કોઈ મોટા અને વિનાશક ધરતીકંપનું જોખમ મહદઅંશે ટળી જાય છે.
(ઉત્સવ વૈદ્ય)