વડોદરા: શહેરના વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. ગત(26 જૂન) મોડી રાત્રે ગારમેન્ટનો વ્યવસાય કરતા અને મૂળ દિલ્હીના યુવક પર અજાણ્યા બાઈક સવાર શખસોએ ફાયરિંગ કરતા ચકચાર મચી ગઇ હતી. આ બનાવમાં કાર ચાલક યુવકને ખભા પર ઇજા થઇ હતી.
સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. ઘટનાને લઈ વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસ તેમજ એફએસએલની ટીમે ઘટનાસ્થળે પહોંચી પુરાવા એકત્ર કર્યા છે. કારચાલક યુવકને રોકીને અજાણ્યા બાઇકસવાર શખ્સોએ ખભામાં ગોળી મારતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે. હુમલાખોરો ઘટનાને અંજામ આપીને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા.
ડીવાયએસપી પી.એન. પાટીલે જણાવ્યું કે વાઘોડિયા ચોકડી પાસે એક યુવક કાર લઈને જતો હતો ત્યારે બે શખસોએ બાઇક પર આવી ઓવરટેક કરી કારચાલક યુવક ઉપર ફાયરિંગ કર્યું હતું. આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ પુરાવાઓના આધારે હુમલાખોરોની શોધખોળ ચાલુ છે. ફાયરિંગ પાછળ અંગત અદાવત કે અન્ય કોઈ કારણ છે તેની તપાસ માટે અલગ-અલગ ટીમો કામે લાગી છે.