ભરત ભારદ્વાજ
ગુજરાતીઓ માટે સૌથી મોટો તહેવાર મનાતી નવરાત્રિ આડે ગણીને પંદર દિવસ પણ રહ્યા નથી અને જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં નવરાત્રિના ગરબાની ઉજવણી ધામધૂમથી કરવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાતના ખેલૈયાઓને બહુ મોટો આંચકો લાગ્યો છે. નવરાત્રિનું વ્યાપારીકરણ કરીને જીએમડીસી ગ્રાઉન્ડમાં હવે પાસ પર એન્ટ્રી મળશે.
ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં જીએમ઼ડીસી ગ્રાઉન્ડમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા છેલ્લાં 23 વર્ષથી ‘વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ’ ઉજવવામાં આવે છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે કરેલાં સંખ્યાબંધ યાદગાર કાર્યોમાં એક કામ ‘વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ’ની શરૂઆત છે. વિશાળ જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાતા ‘વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ’ ગુજરાતમાં સૌથી મોટા ગરબા છે. આ ગરબામાં દરેક રાત્રિએ ઓછામાં ઓછા લાખેક લોકો ઉમટતા હશે.
નવરાત્રિના વધતા જતા વ્યાપારીકરણ વચ્ચે સામાન્ય પરિવારની દીકરીઓ કોઈ પણ ખર્ચ કર્યા વિના ગરબા ગાઈ શકે એવા સારા ઉદ્દેશથી મોદી દ્વારા શરૂ કરાયેલા’વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ’ માં અત્યાર સુધી સામાન્ય લોકોને મફત પ્રવેશ અપાતો હતો પણ આ વર્ષથી ‘વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ’માં પણ રૂપિયા ખર્ચીને પાસ લઈને પ્રવેશ આપવાનું નક્કી કરાયું છે.
આઘાતની વાત એ છે કે, સરકારે લોકોને જાણ કર્યા વિના બારોબાર ‘બુક માય શો’ પર ટિકિટનું બુકિંગ શરૂ કરી દીધું છે. વધારે આઘાતની વાત એ છે કે, ગરબાના પાસમાં પણ વધારે પૈસા ખર્ચો તો સ્ટેજની વધારે નજીક ગાવા મળે ને ઓછા પૈસા ખર્ચનારે સ્ટેજથી દૂર દૂર ગાવાનું એવા ભેદભાવ ઊભા કરી દેવાયા છે. પાસના રૂપિયા ખર્ચવાના છે એટલે ગરીબો માટે તો સરકારી મેદાનમાં ને સરકારી ખર્ચે યોજાતા ગરબામાં એન્ટ્રી જ નથી પણ પૈસા ખર્ચીને આવનારાંમાં પણ ભેદભાવ ઉભા કરી દેવાયા છે.
સામાન્ય ‘સેલિબ્રેશન ઝોન’માં એન્ટ્રી લેવા વ્યક્તિ દીઠ રૂપિયા 100ની જ્યારે ગ્રૂપ માટે રૂપિયા 300 થી 600ના પાસ છે જ્યારે સ્ટેજની નજીકના ‘પ્રીમિયમ ઝોન’નો ચાર્જ વ્યક્તિ દીઠ રૂપિયા 200 અને ગ્રૂપ દીઠ 600 થી 1200 રૂપિયા છે. રહેશે. છઠ્ઠા નોરતાથી આ ભાવ સીધા બમણાંથી પણ વધુ થઈ જશે. પાછલાં નોરતાંમાં અંતિમ સેલિબ્રેશન ઝોનના પાસના રૂપિયા 250 અને ગ્રુપ માટે 750થી 1500 રૂપિયા જ્યારે પ્રીમિયમ ઝોન માટે સિંગલ પાસના રૂપિયા 500 જ્યારે ગ્રૂપ માટે 1500થી 3000 રૂપિયા ખર્ચવા પડશે.
આ નિર્ણય આઘાતજનક છે કેમ કે આ નિર્ણયથી સરકારી ગરબાના કાર્યક્રમમાં ગરીબો માટે નો એન્ટ્રી થઈ જશે. નવરાત્રિના ગરબાના આયોજનનું સાવ વ્યાપારીકરણ થયું છે અને મોટાં ગ્રાઉન્ડ કે પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબાના પાસના અધધધ ભાવ લઈને વરસોથી માતાજીની આરાધનાના નામે લૂંટવાનો ધંધો ચાલે જ છે. આ લૂંટનો ધંધો બંધ કરાવવા માટે સરકારે નિયમો બનાવવા જોઈએ એવી માગ વરસોથી ચાલ્યા કરે છે. કમ સે કમ બહેન-દીકરીઓને તો બધે જ મફત પ્રવેશ આપવો જોઈએ એવી માગણી ને લાગણી પણ વ્યક્ત કરાઈ છે પણ સરકાર કશું કરતી નથી.
નવરાત્રિના ગરબાના પાસના ભાવ માટે એક ચોક્કસ મર્યાદા નક્કી કરવી જોઈએ એવી માગણીને પણ કદી સરકારે ગણકારી નથી. ગરબામાં અંદર પાણીની એક-એક બોટલ પચાસ રૂપિયામાં વેચાતી હોય છે ને નાસ્તાનાં પેકેટના ત્રણ-ચાક ગણા ભાવ લઈને બેફામ લૂંટ ચલાવાય છે તેની સામે પણ સરકાર કશું કરતી નથી.
લોકોના પૈસે યોજાતા ‘વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ’માં સામાન્ય લોકોને આનંદ માણવાનો પૂરો અધિકાર છે ને સરકાર એ અધિકાર છિનવી રહી છે ત્યારે લોકોએ ચૂપ ના રહેવું જોઈએ. ગુજરાત સરકારના આ નિર્ણયનો અર્થ એ થાય કે, હવે ગરીબ પરિવારોની બહેન-દીકરીઓ તો ‘વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ’માં જઈ જ નહીં શકે. એક ઘરમાંથી એક દીકરી ને તેની માતા એમ ખાલી બે જણ જ ‘વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ’માં જતાં હોય એમ માનીએ તો પણ બંનેએ સામાન્ય પાસ માટે જ દરરોજના 200 રૂપિયા ખર્ચવા પડે. ટ્રાન્સપોર્ટેશન, પાણી વગેરેના બીજા 100 રૂપિયા ગણો તો 300 રૂપિયા થયા ને 9 દિવસના 2700 રૂપિયા થયા. ગરીબ પરિવાર આટલો ખર્ચ કરી શકે ખરો ?
છેલ્લાં કેટલાંક વરસોથી આપણે ત્યાં નવરાત્રિના ગરબામાં મુસ્લિમોને પ્રવેશને મુદ્દે હોહા કરાય છે. મુસ્લિમ છોકરા નવરાત્રિના ગરબામાં હિંદુ બનીને ઘૂસીને છોકરીઓને ફસાવે છે ને લવ જિહાદ ચલાવે છે તેથી નવરાત્રિના ગરબામાં મુસ્લિમોને ના ઘૂસવા દેવા જોઈએ એવી આ હિંદુવાદીઓની દલીલ છે.
બજરંગ દળ, વિશ્વ હિંદુ પરિષદ વગેરે કહેવાતાં હિંદુવાદી સંગઠનો મુસ્લિમોને નવરાત્રિના ગરબામાં પ્રવેશ અપાશે તો આયોજકોની હાલત બગાડી નખાશે એવી ધમકીઓ આપે છે. ઘણાં ઠેકાણે મુસ્લિમોને નવરાત્રિના ગરબામાં પ્રવેશના મુદ્દે ધાંધલ-ધમાલ થયાની ઘટનાઓ પણ નોંધાઈ છે.
હિંદુઓની આટલી ચિંતા કરતાં સંગઠનોએ હિંદુઓને માતાજીની ભક્તિ અને આરાધનાના નામે લૂંટવાના સરકારી નિર્ણય સામે અવાજ ઉઠાવીને સાબિત કરવું જોઈએ કે, તેમને ખરેખર હિંદુઓની ચિંતા છે. સરકાર હિંદુઓમાં પણ મધ્યમ વર્ગીય કે ધનિક હિંદુઓ જ નવરાત્રિના ગરબામાં આવી શકે ને ગરીબો ના આવી શકે એવા ખુલ્લા ભેદભાવ ઊભા કરી રહી છે. તેની સામે પણ પ્રચંડ વિરોધ થવો જોઈએ, હિંદુ એકતાનાં ભાષણો આપવાથી કામ નહીં ચાલે.