અબ્બુ-અમ્મી, આપને ઝહર પી લિયા હોતા તો શાયદ બચ જાતે. અબ જહાં જાઓગે વો જગહ દોઝખ સે ભી બદતર હોગી.
- અનિલ રાવલ
‘અબ્બુ, અમ્મી, મૈંને સોચ લિયા. આપકો મહેફૂઝ રખને કે લિયે મૈં ડબલ એજન્ટ બનુંગી.’ અબ્બુ અને અમ્મીની છાતી ગર્વથી ફુલાઈ ગઈ. બન્ને ઝૈનાબને વળગી પડ્યાં. અમ્મીની આંખો ખુશીથી છલકાઈ ગઈ ને અબ્બુની મુસ્કાનમાં ગુમાન હતું.
‘ખૂન આખિર ખૂન હોતા હૈ. હમેં નાઝ હૈ તુમ પર,’ અબ્બુ છાતી ચૌડી કરીને બોલ્યો.
ઝૈનાબ બન્ને હાથની હથેળીઓ ઘસતી આંટા મારવા લાગી. એના ચહેરા પર ઊપસી આવેલી ચિંતા જોઈને અબ્બુ બોલ્યો: ‘ક્યા હુઆ બેટી... કોઈ પરેશાની હૈ...’
‘અજમલ પકડા ગયા હૈ,’ ઝૈનાબ બોલી.
અબ્બુનો આખો ચહેરો એનો સગ્ગો દીકરો ઝડપાઈ ગયો હોય એમ બદલાઈ ગયો.
‘ક્યા...? ‘કહાં સે પકડા ગયા...? કૈસે પકડા ગયા...?’ અમ્મી બોલી.
‘ઉસકો કહાં લે કર ગયે હૈ...? કૂછ પતા હૈ?’ અબ્બુએ પૂછ્યું.
‘નહીં પતા, બસ મુઝે ઇતની ખબર મિલી હૈ,’ ઝૈનાબે કહ્યું.
‘બેટી, જલદી પતા કર કે મુઝે બતાઓ,’ અબ્બુ રૂમમાં ઘૂસી ગયેલી ભમરીની જેમ ભમવા લાગ્યો.
‘એક મિનિટ મૈં આયા...’ કહીને એ હાંફળોફાંફળો એના રૂમમાં ગયો. કબાટમાંથી મોબાઇલ કાઢીને એક કૉલ કર્યો.
‘હેલો... અજમલ પકડા ગયા હૈ...’ રહેમત અલી ધીમા અવાજે બોલ્યો.
એ જ વખતે દરવાજે બેલ વાગી. નૂર દરવાજો ખોલવા ગઈ. ટોનીની સાથે એક લેડી સહિત બે જણ અંદર ધસી ગયાં. રહેમત અલી ફોન પરની વાત પતાવીને બહાર આવ્યો. ટોનીએ એના હાથમાંથી મોબાઇલ આંચકી લીધો.
‘ચલો રહેમત મિયાં, અપની બેગમ નૂર કો ભી સાથ લે લો. જન્નત દિખાતે હૈ આપકો દોનોં કો...’ ટોની બોલ્યો.
‘ગદ્દાર...’ અબ્બુ ઝૈનાબની સામે જોઈને તાડૂક્યો. ‘થૂ... હમારા ખૂન હોતે હુએ તુને હમસે હી ગદ્દારી કી?
‘ઇસ સે તો અચ્છા થા હમ ઝહેર પી લેતે,’ અમ્મીએ કહ્યું.
‘ચલો...’ ટોનીની સાથે આવેલી એક લેડીએ નૂરનું બાવડું ઝાલ્યું.
‘ઇજ્જત સે લે જા. હમ ઇજ્જતદાર લોગ હૈ.’ નૂર બોલી. લેડી હસી પડી.
ઝૈનાબ સોફા પર બેસી ગઈ. એની આંખો ભીની હતી. ‘અબ્બુ-અમ્મી, મુઝે માફ કરના. યહી સચ્ચા ઔર અચ્છા રાસ્તા થા... જો મૈંને અપનાયા. અગર આપને ઝહર પી લિયા હોતા શાયદ બચ જાતે, લેકિન અબ જહાં જાઓગે વો જગહ દોઝખ સે ભી બદ્દતર હોગી. બહુત કમનસીબ હો આપ દોનોં, તુમ્હે જીતે જી દોઝખ દેખના પડેગા,’ ઝૈનાબ બબડી રહી હતી.
ઝૈનાબે આ પગલું ભરતાં પહેલાં બહુ વિચાર્યું હતું. કોફી હાઉસની બહાર ઊભા રહીને આઇબી ચીફ રાઠૌડને સત્ય હકીકતથી વાકેફ કરી દઈને, દિલ પર પથ્થર રાખીને અબ્બુ-અમ્મીને પકડાવી દીધાં હતાં. મોબાઇલની રિંગ વાગી. એણે ખોંખારો ખાઇને શર્મનાક-દર્દનાક ક્ષણને ખંખેરી નાખી. એણે ‘હેલો’ કહ્યું.
‘ઝૈનાબ, જો તુને કિયા વો બહુત કમ લોગ કર પાતે હૈ.’ રાઠૌડનો અવાજ આવ્યો.
‘સર, મૈંને બહુત સોચા યે આખરી સ્ટેપ લેને સે પહેલે. ઉનસે ઇન્ફર્મેશન નિકાલના મેરે લિયે...’ ઝૈનાબ આગળ બોલવા જાય તે પહેલાં જ રાઠૌડે કહ્યુ: ‘આપ લોગોં કે બીચ ઇમોશન્સ આ જાતે. જો કામ તુમ નહીં કર પાઇ, વો હમ કરેંગેં. અપના ખ્યાલ રખના,’ રાઠૌડે મોબાઇલ કટ કર્યો.
ટોની રહેમત અલી અને નૂરને ગુજરાતના કોઈ અજાણ્યા સેફ હાઉસમાં લઈ ગયો. જ્યાં બન્નેને અલગ અલગ રૂમમાં રાખીને રૂમની બહાર કડક ચોકી પહેરો ગોઠવી દેવાયો. રાઠૌડનો ફોન આવ્યો. ‘હેલો...’ ટોની બોલ્યો.
‘ટોની, દોનોં કી ખાતિરદારી કે બીચ મેં હમારે ઔર ઝૈનાબ કે ઇમોશન્સ નહીં આને ચાહિયે...’
‘જી સર’, ટોની વાત પૂરી કરીને રહેમત અલીના રૂમમાં ગયો. અંદર જઈને જોયું તો રહેમત અલી ઢળેલી હાલતમાં પડ્યો હતો. એના મોંમાંથી ફીણ નીકળેલા હતા. ગાર્ડ... ટોનીએ બૂમ મારી. ગાર્ડ દોડતો આવ્યો. ‘નૂર કે રૂમ મેં દેખો...’ ગાર્ડ દોડતો જઈને નૂરના રૂમની બહાર ચોકી કરતી લેડીને રૂમ ખોલવાનું કહ્યું. બન્નેએ અંદર જઈને જોયું. નૂરની આંખો ઉપર ચડેલી હતી ને મોંમાંથી નીકળેલા ફીણ થીજી ગયા હતા.
ટોનીએ આઇબી ચીફ રાઠૌડને કૉલ કરીને જાણ કરી. ‘સર, દોનોંને સાઇનાઇડ ખા કર સુસાઇડ કર લિયા.’
અમર બાબુ વહેલી સવારે ઊઠીને ગોપાલાનાં દર્શન કરવા ગયો. દર્શન કરીને પુરોહિતની ચાની ટપરી પર ગયો. ચાની ટપરીનો એ ખૂણો ખાલી હતો. એણે પુરોહિતની જગ્યાને કાતિલ નજરે જોઈ. પછી ઝેરીલું હાસ્ય વેરીને આગળ નીકળી ગયો.
બજારમાં ભક્તોની ભીડ હતી. લોકો સવારના પહેલાં દર્શન પછીની પહેલી ચા અને નાસ્તો કરવામાં વ્યસ્ત હતા. એ ગુપ્તાની દુકાને જઇને અટક્યો. ‘જય ગોપાલા....’ બોલીને દુકાનમાં ગયો. શંકરની નજર એના પર પડી. શંકરે તરત જ નજર હટાવી લીધી.
‘આઇએ...’ ગુપ્તાએ આવકાર આપ્યો.
‘કૂછ સીધાસામાન ચાહિયે....’
‘જી, જી, આપ બોલતે જાઈએ... યે વજન કરતે જાયેગા...’ ગુપ્તાએ કહ્યું.
અમર બાબુ બોલતો ગયો... વજન થતું ગયું... ગુપ્તા પેડ પર લખતો ગયો.
‘ઓર કૂછ?’ ગુપ્તાએ પૂછ્યું...
‘બસ...’ અમર બાબુ બોલ્યો. શંકરે સીધાસમાનની બૅગ આપી.
‘શંકર, તુમ સાથ ચલે જાઓ...’ ગુપ્તાએ કહ્યું. શંકર દુકાનની બહાર નીકળીને આગળ ચાલવા લાગ્યો. અમર બાબુ એની પાછળ ચાલતો રહ્યો. થોડે આગળ જઈને શંકર અટક્યો. બન્ને સાથે થઈ ગયા.
ગુપ્તાએ પ્લાન કરીને જ શંકરને અમર બાબુની સાથે મોકલ્યો હતો. બંને ગયા કે તરત જ ગુપ્તા દુકાનની પાછળના કોઠાર રૂમમાં જઈને શંકરનો સામાન ચેક કરવા લાગ્યો. બૅગમાં બધું રફેદફે કરી નાખ્યું. કપડાં ફેંદી વળ્યો. કોઈ પણ ઘડીએ શંકર પાછો આવી જશે એની ઉતાવળમાં એ ફરી પાછું બધું ગોઠવવા લાગ્યો. અચાનક એનું ધ્યાન ગોળના ભીલાની પાછળ પડેલા એક દળદાર પુસ્તક પર પડ્યું. એણે પુસ્તક ઉઠાવ્યું. કુરાન એના મોંમાંથી શબ્દ નીકળ્યો. એણે કુરાન ખોલ્યું. અંદર નાનકડા મોબાઇલ સાઇઝના કાપેલા પાનાની જગ્યાના પોલાણમાં મોબાઇલ ગોઠવાયેલો હતો. પોલાણમાંથી એણે મોબાઇલ બહાર કાઢ્યો. બીજાં થોડાં પાનાં ઊથલાવ્યાં. નાની ગન સાઇઝના કોતરીને કરેલાં પોલાણમાં નાની ગન હતી. ગપ્તા થથરી ઊઠ્યો. ઠંડીના દિવસોમાં એના કપાળે પરસેવો બાઝી ગયો.
અમર બાબુ અને શંકર બંને કદમ મિલાવીને ચાલી રહ્યા હતા.
‘મૈં આપકો પહેચાન નહીં પાયા... સાધુ સે સજ્જન બન ગયે હો,’ શંકર બોલ્યો.
‘ચૂપચાપ સૂનો... એક આખરી કૉલ આયેગા... તૈયાર રહેના.’ શંકરે કોઈ જવાબ ન આપ્યો.
રસોઈ ઘરના દાદરા ચડીને બંને ઉપર ગયા. એક સેવક સીધુસામાન લેવા તૈયાર જ હતો.
‘આપ સીધાસામાન પર હાથ લગા લો...’ શંકરે કહ્યું.
અમર બાબુએ સામાનની બૅગને સહેજ હાથ લગાડ્યો. સેવકે સામાન લઈને અંદર મોકલી આપ્યો. અમર બાબુ અને શંકર સડસડાટ નીચે ઊતરી ગયા.
‘દુકાન મેં કોઇ હૈ....?’ બહારથી અવાજ આવ્યો. ગભરાયેલો ગુપ્તા બહાર આવ્યો. દુકાનની બહાર રાધા ઊભી હતી.
‘ક્યા હુઆ.....?’ રાધાએ પૂછ્યું. ગુપ્તાએ એના હાથમાં કુરાન મૂક્યું.
‘સબૂત.....’ ગુપ્તા એટલું જ બોલી શક્યો. રાધા સબૂતને દુપટ્ટામાં વીંટાળીને નીકળી ગઇ.
શંકર દુકાને પાછો ફર્યો ત્યારે ગુપ્તા હજી આઘાતમાં હતો. એ મહામુસીબતે કાંપતા શરીરને સ્થિર કરવા મથી રહ્યો હતો.
‘ક્યા હુઆ? આપકી તબિયત ઠીક હૈ,’ શંકરે પૂછ્યું. ગુપ્તાએ એની સામે નજર મિલાવી. એને શંકરની મશીનગન જેવી આંખોમાંથી સેંકડો ગોળીઓ વછુટતી લાગી. એણે નજર ફેરવી લીધી.
‘મૈં ઠીક હું...’ ગુપ્તાના શબ્દોમાં ફફડાટ હતો. જીભ સૂકાઈ ગઈ હતી. હવે શું થશે? રાધા શું કરશે...? શંકરને ખબર પડશે તો મારુંં શું થશે...? ગુપ્તાને પોતાના જીવ પરના જોખમનું ત્રાજવું નમી ગયેલું લાગ્યું.
રાધાએ ગુપ્તાની દુકાનેથી નીકળીને રાઘવને ફોન કર્યો.
‘કહાં હો?’ એણે પૂછ્યું.
‘રાધે શ્યામ કી રબડી ખા રહા હું,’ રાઘવ બોલ્યો. થોડીવારમાં રાધા રબડીવાળાને ત્યાં પહોંચી.
‘એક ઓર રબડી દો...’ રાઘવ બોલ્યો.
‘નહીં મુઝે નહીં ખાની...’ રાધાએ રાઘવનેં ત્યાંથી જલદીી નીકળી જવાનો ઇશારો કર્યો. ઉતાવળ પામી ગયેલા રાઘવે થોડી બચેલી રબડી સાથેનું કુલ્હડ ડસ્ટ બીનમાં નાખી દીધું.
‘ચલો...’ એ બોલ્યો. રાધા રાઘવની બાઇક પર બેઠી. રાઘવે તબેલાને અડધે રસ્તે પહોંચીને બાઇક ઊભી રાખી.
‘સબૂત....’ રાધા બોલી.
રાઘવ તબેલા પર પહોંચ્યો. કુરાન ખોલીને જોયું. કોતરેલાં પાનાં જેટલી જગ્યામાં બર્નર મોબાઇલ અને નાની ગન હતી. એણે કુરાન ઘાંસની ગંજીની પાછળ છૂુપાવી દીધું ને મોબાઇલ ખિસ્સામાં મૂક્યો. ફોનના રણકવાની રાહ જોતો એ ખાટલા પર આડો પડ્યો. એટલામાં એના મોબાઇલની રિંગ વાગી.
‘હેલો. રાઘવ જોયું?’ રાધાએ પૂછ્યું.
‘હા, સબૂત પાકો છે. હવે જેટલો બને એટલો વહેલો શંકરને ઉઠાવી લેવો પડે...’ રાઘવે કહ્યું.
‘મારી પાસે એક પ્લાન છે...’ રાધા બોલી.
(ક્રમશ:)