નવી દિલ્હી: આઝાદ ભારતમાં ફોટો જર્નાલિઝમના પ્રણેતા તરીકે જાણીતા દિગ્ગજ ફોટોગ્રાફર રઘુ રાયનું આજે રવિવારે 83 વર્ષની વયે અવસાન નીપજ્યું. બે વર્ષ સુધી કેન્સર સામેની લડાઈ આપ્યા બાદ આજે સવારે તેમણે દિલ્હીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. રઘુ રાયના પરિવારે તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે, દુનિયાભરથી તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે.
ભોપાલ ગેસ દુર્ઘટના 1984 દરમિયાન રઘુ રાયે હૃદય દ્રાવક ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા હતાં, જે દેશ-વિદેશના પ્રતિષ્ઠિત અખબારો અને મેગેઝીનમાં છપાયા હતાં. રઘુ રાયે દેશના ઘણા રાજકીય નેતાઓ અને સામાજિક આગેવાના ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા હતાં, જેમાં પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીથી માંડીને મધર ટેરેસાના ફોટોગ્રાફ્સ ખુબજ ચર્ચામાં રહ્યા.
રઘુ રાયના દીકરાએ એક નિવેદનમાં જણાવ્યું કે બે વર્ષ પહેલાં તેમના પિતાને થયેલા પ્રોસ્ટેટ કેન્સર હોવાની જાણ થઇ હતી, નિદાન બાદ તેઓ સાજા થયા હતા. બાદમાં, કેન્સર તેમના પેટમાં ફેલાઈ ગયું, અને તેમની ફરીથી સારવાર કરવામાં આવી. તાજેતરમાં, કેન્સર મગજ સુધી ફેલાઈ ગયું હતું, આ સાથે વધતી ઉંમર સંબંધિત સમસ્યાઓ પણ શરુ થઇ હતી.
દાયકો લાંબી ઉજ્વળ કારકિર્દી:
રઘુ રાઈનો જન્મ 18 ડિસેમ્બર, 1942ના રોજ હાલ પાકિસ્તાન ઝાંગ પ્રદેશમાં થયો હતો, તેમને બાળપણથી ફોટોગ્રાફીનો શોખ હતો. તેમણે 1960ના દાયકાના મધ્યમાં ફોટોગ્રાફર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં, તેઓ ધ સ્ટેટ્સમેન અખબારમાં સ્ટાફ ફોટોગ્રાફર તરીકે જોડાયા.
1976 માં તેમણે ફ્રીલાન્સર ફોટોગ્રાફર કામ કરવાનું શરુ કર્યું. 1982 થી 1992 સુધી તેઓ ઇન્ડિયા ટુડે મેગેઝીનના ફોટોગ્રાફી ડિરેક્ટર તરીકે સેવા આપી.
બાંગ્લાદેશની આઝાદી ચળવળ દરમિયાન ફોટોગ્રાફી માટે તેમને 1972 માં પદ્મશ્રીથી સન્માનવામાં આવ્યા, 1992 તેમને યુએસમાં "ફોટોગ્રાફર ઓફ ધ યર" તરીકે સન્માનિત કરવામાં આવ્યા.
રઘુ રાયને ફ્રાંસના જાણીતા ફોટોગ્રાફર હેનરી કાર્ટિયર-બ્રેસન દ્વારા માર્ગદર્શન મળ્યું. તાની દાયાકાઓ લાંબી કારકિર્દી દરમિયાન રઘુ રાયએ 18 થી વધુ પુસ્તકો પણ લખ્યા. તેમણે ક્લિક કરેલા ફોટોગ્રાફ્સ ટાઈમ, લાઈફ, જીઓ, ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ અને ધ સન્ડે ટાઇમ્સ જેવા આંતરરાષ્ટ્રીય પ્રકાશનોમાં છાપતા રહ્યા.
રઘુ રાયે ત્રણ વખત વર્લ્ડ પ્રેસ ફોટોના જ્યુરીનો ભાગ રહ્યા, તેમણે બે વાર યુનેસ્કોની ઇન્ટરનેશનલ ફોટોગ્રાફી કોમ્પિટિશનની જ્યુરીમાં સર્વિસ આપી.
રઘુ રાયની ફોટોગ્રાફીને આધુનિક ભારતનાં "વિઝ્યુઅલ રેકોર્ડ" તરીકે ઓળખવામાં આવે છે. રઘુ રાયના અવસાનને કારણે ભારતીય પત્રકારત્વ અને ફોટોગ્રાફી માટે કદી પૂરી ન શકાય એવી ખોટ ઉભી થઇ છે.