Mon Sep 14 2026

Logo

મનોરંજન જગતમાં શોક: જાણીતા અભિનેત્રી નવનિન્દ્ર બહલનું 76 વર્ષની વયે નિધન

2026-03-17 13:33:00
Author: Mumbai Samachar Team
મનોરંજન જગતમાં શોક: જાણીતા અભિનેત્રી નવનિન્દ્ર બહલનું 76 વર્ષની વયે નિધન

મુંબઈ: ટેલિવિઝન અને હિન્દી સિનેમાના પીઢ અભિનેત્રી નવનિન્દ્ર બહલનું 76 વર્ષની વયે અવસાન થયું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ આખું મનોરંજન જગત સ્તબ્ધ થઈ ગયું છે. નવનિન્દ્રજી માત્ર એક ઉત્કૃષ્ટ અભિનેત્રી જ નહીં, પરંતુ એક સક્ષમ લેખક અને દિગ્દર્શક તરીકે પણ ઉભરી આવ્યા હતા. તેમના પુત્ર અને ફિલ્મ નિર્દેશક કનુ બહલે સોશિયલ મીડિયા પર એક અત્યંત ભાવુક પોસ્ટ શેર કરીને આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે. 

નવનિન્દ્ર બહલના નિધન બાદ તેમના પુત્ર કનુ બહલે ઇન્સ્ટાગ્રામ પર માતાના ફોટો સાથે એક હૃદયસ્પર્શી સંદેશ લખ્યો છે. તેમણે પોતાની માતાને 'ગાઈડ, ગુરુ અને હૃદય' ગણાવતા લખ્યું કે, "મારી આત્માને રોશન કરવા બદલ તમારો આભાર." આ પોસ્ટ વાયરલ થતા જ હર્ષવર્ધન કપૂર, રેખા ભારદ્વાજ અને નકુલ મહેતા જેવા અનેક કલાકારોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ગાયિકા રેખા ભારદ્વાજે તેમની સાથેની 1995ની યાદો તાજી કરી હતી, જ્યારે અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધને પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kanu Behl (@kanubehl)

નવનિન્દ્રજીએ મનોરંજનની દુનિયામાં 40 વર્ષથી વધુ સમય સુધી સક્રિય રહીને પોતાની અલગ ઓળખ બનાવી હતી. તેમણે ટેલિવિઝન ફિલ્મો અને મિની સીરિઝથી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે બોલિવૂડની અનેક સફળ ફિલ્મોમાં પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી. કંગના રનૌતની ફિલ્મ 'ક્વીન'માં તેમની નાની પણ પ્રભાવશાળી ભૂમિકા લોકોને યાદ છે. આ ઉપરાંત તેમણે 'માચિસ', 'ઓય લકી લકી ઓય' અને 'ખુફિયા' જેવી ફિલ્મોમાં પણ નોંધપાત્ર કામ કર્યું હતું.

નવનિન્દ્ર બહલને ટેલિવિઝન પ્રેક્ષકો વચ્ચે સૌથી વધુ લોકપ્રિયતા લોકપ્રિય શો 'ઇશ્કબાઝ'થી મળી હતી. આ શૉમાં તેમણે કલ્યાણી સિંહ ઓબેરોય એટલે કે 'દાદી'નું પાત્ર ભજવ્યું હતું, જેને દરેક વયના લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું. અભિનય ઉપરાંત તેમણે 'તપિશ', 'આગાઝ' અને 'વો લડકી' જેવી ટીવી મૂવીઝ અને સીરિયલ્સનું લેખન અને નિર્દેશન પણ કર્યું હતું. તેમની બહુમુખી પ્રતિભા હંમેશા આવનારી પેઢીના કલાકારો માટે પ્રેરણારૂપ રહેશે.